તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 15th April 2026
દક્ષિણ એશિયામાં મેઘરાજાની એન્ટ્રીનું કાઉન્ટડાઉન : ભારત સહિત ચાર દેશો માટે ચોમાસાની આગાહી જાહેર : ન્યૂઝફર્સ્ટ
ભારતમાં 4 જૂને વર્ષાઋતુનો પ્રારંભ અને 95 ટકા વરસાદની સંભાવના : શ્રીલંકા અને બાંગ્લાદેશમાં 95% થી 100% મેઘમહેર રહેવાની આગાહી

નવી દિલ્હી:દક્ષિણ એશિયાના દેશોમાં કૃષિ અને અર્થતંત્ર માટે જીવનદોરી સમાન ગણાતા ચોમાસાને લઈને ન્યૂઝફર્સ્ટ દ્વારા મહત્વનું પૂર્વાનુમાન જાહેર કરવામાં આવ્યું છે. આ અહેવાલ મુજબ ભારત, પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશમાં ચોમાસાની શરૂઆત અને વરસાદના પ્રમાણમાં નોંધપાત્ર વિવિધતા જોવા મળશે. આ આગાહીથી ખેડૂતો અને વહીવટી તંત્રમાં આગોતરા આયોજન માટેની હિલચાલ તેજ બની છે.
ચોમાસાના આગમનનું સમયપત્રક:
ચોમાસાની સફર આ વર્ષે સૌથી વહેલી શ્રીલંકાથી શરૂ થશે. આગાહી મુજબ શ્રીલંકામાં 26 મેના રોજ ચોમાસું બેસવાની શક્યતા છે. ત્યારબાદ ભારતમાં 4 જૂને અને બાંગ્લાદેશમાં 7 જૂનના રોજ મેઘરાજાનું આગમન થશે. પાકિસ્તાનમાં ચોમાસું સૌથી મોડું એટલે કે 4 જુલાઈની આસપાસ શરૂ થવાની ધારણા છે. ઉલ્લેખનીય છે કે આ તમામ તારીખોમાં હવામાનની સ્થિતિ મુજબ 5 દિવસનો વધ-ઘટ ફેરફાર થઈ શકે છે.
વરસાદની ટકાવારી અને સંભાવના:
વરસાદના પ્રમાણની વાત કરીએ તો ભારત અને પાકિસ્તાન માટે સરેરાશ 90 થી 95 ટકા વરસાદની આગાહી કરવામાં આવી છે, જે સામાન્ય કે સામાન્યથી થોડો ઓછો ગણી શકાય. બીજી તરફ, પડોશી દેશો શ્રીલંકા અને બાંગ્લાદેશમાં મેઘમહેર વધુ રહેવાની ધારણા છે. આ બંને દેશોમાં 95 થી 100 ટકા જેટલો મબલખ વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. સમગ્ર દક્ષિણ એશિયામાં ચોમાસાના આ અલગ-અલગ તબક્કાઓ આગામી સમયમાં જનજીવન અને ખેતીવાડી પર મોટી અસર કરશે.
(7:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
