<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

આયાતમાં તીવ્ર ઉછાળાથી દેશની ચાલુ ખાતાની ખાધ વધારા પર: જુલાઈમાં બમણી વધીને $૭ બિલિયન થઈ!

વિદેશી મૂડી પ્રવાહ અને NRI થાપણોના જોરે દેશનું બેલેન્સ ઓફ પેમેન્ટ્સ $૨૦.૮ બિલિયનના મજબૂત સરપ્લસમાં પહોંચ્યું: RBI ના પ્રાથમિક આંકડા જાહેર

મુંબઈ  :  ભારતની ચાલુ ખાતાની ખાધમાં મોટો ઉછાળો નોંધાયો છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર કરવામાં આવેલા ચુકવણી સંતુલન  ના પ્રાથમિક આંકડા અનુસાર, જુલાઈ ૨૦૨૬ માં ભારતની ચાલુ ખાતાની ખાધ વધીને $૭ બિલિયન પર પહોંચી ગઈ છે, જે ગયા વર્ષના સમાન ગાળામાં (જુલાઈ ૨૦૨૫) $૩.૨ બિલિયન હતી. આ વધારા માટે મુખ્યત્વે માલસામાનની નિકાસ સામે આયાતમાં થયેલો તીવ્ર ઉછાળો અને મર્ચેન્ડાઇઝ ટ્રેડ ડેફિસિટમાં વધારો જવાબદાર રહ્યો છે.

માલસામાનના વેપારની વાત કરીએ તો, જુલાઈ ૨૦૨૬ માં ભારતની આયાત $૬૫.૬ બિલિયનથી વધીને $૭૬.૮ બિલિયને પહોંચી ગઈ હતી, જ્યારે સામે નિકાસ $૩૭.૪ બિલિયનથી વધીને $૪૫.૧ બિલિયન થઈ હતી. નિકાસમાં વૃદ્ધિ છતાં આયાતનો આંકડો ખૂબ ઊંચો રહેતાં જુલાઈમાં માલ વેપાર ખાધ વધીને $૩૧.૭ બિલિયન (અગાઉ $૨૮.૨ બિલિયન) અને ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૭ ના એપ્રિલ-જુલાઈ ગાળામાં વધીને $૧૧૭.૮ બિલિયન થઈ છે. જોકે, આ ગાળા દરમિયાન સેવા ક્ષેત્રની ચોખ્ખી નિકાસ વધીને $૧૭.૬ બિલિયન થતાં અને NRI નાણાકીય ટ્રાન્સફર (રેમિટન્સ) વધીને $૧૩.૨ બિલિયન નોંધાતાં વેપાર ખાધની આકરી અસર આંશિક રીતે હળવી થઈ હતી.

ચાલુ ખાતાની ખાધ વધવા છતાં, વિદેશી મૂડીના તગડા પ્રવાહના કારણે દેશનું એકંદર ચૂકવણી સંતુલન (BoP) અત્યંત મજબૂત સ્થિતિમાં રહ્યું છે. જુલાઈ ૨૦૨૬ માં ભારતનું ચૂકવણી સંતુલન $૨૦.૮ બિલિયનના સરપ્લસમાં રહ્યું હતું, જે ગયા વર્ષે જુલાઈમાં માત્ર $૦.૩ બિલિયન હતું. જુલાઈમાં મૂડી ખાતામાં $૨૭.૭ બિલિયનનો ચોખ્ખો પ્રવાહ આવ્યો હતો, જેમાં બેંકિંગ કેપિટલનો હિસ્સો $૧૮.૪ બિલિયન રહ્યો હતો. આ ઉપરાંત, બિન-નિવાસી ભારતીય (NRI) થાપણોમાં $૩૩.૫ બિલિયન, વિદેશી પોર્ટફોલિયો રોકાણ (FPI) માં $૪.૧ બિલિયન અને સીધા વિદેશી રોકાણ (FDI) માં $૭.૩ બિલિયનનો સકારાત્મક ચોખ્ખો પ્રવાહ નોંધાતા એકંદર નાણાકીય સ્થિતિ મજબૂત બની છે.

(10:31 PM IST)