તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 17th October 2026
દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં સતત બીજા સપ્તાહે મોટો ઘટાડો: ફોરેક્સ રિઝર્વ ૮.૫૭ અબજ ડૉલર ઘટીને ૭૨૬.૦૨ અબજ ડૉલરના સ્તરે પહોંચ્યું
રિઝર્વ બૅન્કના સાપ્તાહિક આંકડામાં ખુલાસો; વિદેશી ચલણી અસ્ક્યામતો અને સોનાની અનામતમાં નરમાઈ જોવા મળતા ભંડાર પર દબાણ વધ્યું

મુંબઈ : ભારતીય અર્થતંત્ર અંગે એક મોટા સમાચાર સામે આવ્યા છે. દેશની વિદેશી હૂંડિયામણની અનામત (Foreign Exchange Reserves) માં સતત ઘટાડાનો સિલસિલો યથાવત રહ્યો છે. રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયા (RBI) દ્વારા જારી કરવામાં આવેલા તાજેતરના સાપ્તાહિક આંકડાઓ મુજબ, ગત ૯ ઓક્ટોબરના રોજ પૂરા થયેલા સપ્તાહ દરમિયાન દેશની ફોરેક્સ રિઝર્વમાં ૮.૫૭૮ અબજ ડૉલરનો મોટો ઘટાડો નોંધાયો છે, જેના કારણે કુલ વિદેશી હૂંડિયામણ અનામત ઘટીને ૭૨૬.૦૨૭ અબજ ડૉલરની સપાટી પર આવી ગઈ છે.
ઉલ્લેખનીય છે કે આ અગાઉના સપ્તાહે પણ દેશના ફોરેક્સ રિઝર્વમાં ૧૨.૯૫૨ અબજ ડૉલરનો તોતિંગ ઘટાડો થયો હતો અને તે ઘટીને ૭૩૪.૬૦૬ અબજ ડૉલરના સ્તરે રહી હતી. અગાઉ ગત ૪ સપ્ટેમ્બરના રોજ પૂરા થયેલા સપ્તાહમાં રિઝર્વ બૅન્કની સ્પેશિયલ કન્સેશનલ સ્વેપ ડિપોઝીટ સ્કીમમાં ૧૩૩ અબજ ડૉલરનો જંગી આંતરપ્રવાહ ઠલવાતા દેશનું વિદેશી હૂંડિયામણ ભંડાર વધીને ૭૮૫.૭૦૬ અબજ ડૉલરની સર્વોચ્ચ વિક્રમજનક સપાટીએ પહોંચી ગયું હતું. જોકે, ત્યારબાદ વૈશ્વિક બજાર અને ચલણી પ્રવાહોને કારણે તેમાં સતત ઘટાડાતરફી વલણ જોવા મળી રહ્યું છે.
આ સેક્ટરના વિગતવાર આંકડાઓ પર નજર કરીએ તો, સમીક્ષા હેઠળના સપ્તાહમાં દેશની કુલ વિદેશી હૂંડિયામણ અનામતમાં સૌથી મોટો હિસ્સો ધરાવતી 'વિદેશી ચલણી અસ્ક્યામતો' (Foreign Currency Assets) માં ૭.૧૪૨ અબજ ડૉલરનો ઘટાડો થયો છે અને તે ઘટીને ૫૯૭.૬૦૫ અબજ ડૉલરના સ્તરે પહોંચી ગઈ છે. આ ચલણી અસ્ક્યામતોની ગણતરીમાં અમેરિક ઉપરાંત યુરો, પાઉન્ડ અને જાપાનીઝ યેન જેવા અન્ય મુખ્ય વૈશ્વિક ચલણો સામે રૂપિયામાં થતી વધઘટને પણ ધ્યાનમાં લેવામાં આવતી હોય છે.
આ ઉપરાંત, સમીક્ષા સપ્તાહ દરમિયાન દેશની સોનાની અનામતમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. સોનાનો ભંડાર ૧.૩૧૯ અબજ ડૉલર ઘટીને ૧૦૫.૦૯૪ અબજ ડૉલરના સ્તરે રહ્યો છે. બીજી તરફ, ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ (IMF) સાથેના સ્પેશિયલ ડ્રોઈંગ રાઈટ્સ (SDR) ૧૦.૯ કરોડ ડૉલર ઘટીને ૧૮.૫૪૮ અબજ ડૉલર અને IMF સાથેની આરક્ષિત અનામત એક કરોડ ડૉલરના સામાન્ય ઘટાડા સાથે ૪.૭૮ અબજ ડૉલરની સપાટીએ રહી હોવાનું આરબીઆઈએ પોતાની યાદીમાં ઉમેર્યું છે. દેશના વિદેશી હૂંડિયામણ ભંડારમાં આવી રહેલો આ ઘટાડો આગામી સમયમાં આર્થિક નીતિઓ પર કેવી અસર કરે છે તે જોવું રહ્યું.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
