News of Wednesday, 29th April 2026
દિલ્હીમાં સત્તાપલટો : દિલ્હી મહાનગર પાલિકા (MCD) માં ભાજપના પ્રવેશ વાહી મેયર અને મોનિકા પંત ડેપ્યુટી મેયર તરીકે ચૂંટાયા : આમ આદમી પાર્ટીએ મતદાનથી અળગા રહીને પાછલી બારણેથી સત્તા સોંપી
કોંગ્રેસના ઉમેદવારની કારમી હાર સામે ભાજપના ઉમેદવારોને ૧૫૬ મતો મળ્યા : મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને ભાજપ નેતૃત્વનો આભાર માની પ્રવેશ વાહીએ દિલ્હીને સ્વચ્છ અને વિકસિત બનાવવાનો સંકલ્પ જાહેર કર્યો

નવી દિલ્હી: દેશની રાજધાની દિલ્હીમાં આજે મેયર પદની ચૂંટણીમાં મોટો રાજકીય ઉલટફેર જોવા મળ્યો છે. રોહિણી ઈસ્ટના ભાજપ કાઉન્સિલર પ્રવેશ વાહી દિલ્હી મહાનગર પાલિકા (MCD) ના નવા મેયર તરીકે ચૂંટાઈ આવ્યા છે. આ સાથે જ આનંદ વિહારના ભાજપ કાઉન્સિલર મોનિકા પંતને ડેપ્યુટી મેયર પદ માટે વિજયી જાહેર કરવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટી (AAP) એ મતદાન પ્રક્રિયાનો બહિષ્કાર કરતા ભાજપનો માર્ગ મોકળો બન્યો હતો અને કોંગ્રેસના ઉમેદવારને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
બહુમતી કરતા વધુ મતો મેળવી ભાજપે સત્તા હાંસલ કરી:
મેયર પદની ચૂંટણી માટે કુલ ૨૭૩ મતોનું ઈલેક્ટોરલ કોલેજ હતું, જેમાં ૨૪૯ કાઉન્સિલર, ૧૪ ધારાસભ્યો, ૭ લોકસભા સાંસદ અને ૩ રાજ્યસભા સાંસદોનો સમાવેશ થતો હતો. જીત માટે ૧૩૭ મતોની જરૂરિયાત સામે ભાજપના પ્રવેશ વાહીને ૧૫૬ મતો પ્રાપ્ત થયા હતા. જેમાં ઈન્દ્રપ્રસ્થ વિકાસ પાર્ટીના ૧૪ કાઉન્સિલરોએ પણ ભાજપને સમર્થન આપ્યું હતું. બીજી તરફ, કોંગ્રેસના ઉમેદવાર હાજી ઝરફને માત્ર નવ મતો જ મળ્યા હતા. ડેપ્યુટી મેયર તરીકે મોનિકા પંત પણ ૧૫૬ મતો મેળવીને વિજેતા બન્યા છે.
સ્ટેન્ડિંગ કમિટીમાં પણ ભાજપનો દબદબો:
મેયર અને ડેપ્યુટી મેયર ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની પણ વરણી કરવામાં આવી હતી. ભાજપ તરફથી બેગમપુરના જય ભગવાન યાદવ અને પહાડગંજના મનીષ ચઢ્ઢા કમિટીમાં ચૂંટાયા છે, જ્યારે આમ આદમી પાર્ટી તરફથી શાલીમાર બાગના કાઉન્સિલર જલજ ચૌધરીએ પણ સ્થાન મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે નવેમ્બર ૨૦૨૪માં મહેશ કુમાર ખીંચીની જીત બાદ AAP પાસે સત્તા હતી, પરંતુ આ વખતે રાજકીય સમીકરણો બદલાયા છે.
આમ આદમી પાર્ટીનો વોકઆઉટ અને ભાજપનો સંકલ્પ:
આમ આદમી પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ સૌરભ ભારદ્વાજે જણાવ્યું હતું કે, તેઓએ ભાજપને શાસનમાં ખુલ્લા પાડવા માટે જાણી જોઈને મતદાનથી દૂર રહેવાનો નિર્ણય લીધો છે. બીજી તરફ, નવનિયુક્ત મેયર પ્રવેશ વાહીએ મુખ્યમંત્રી રેખા ગુપ્તા અને પક્ષના નેતૃત્વનો આભાર માનતા જણાવ્યું હતું કે, આગામી મહિનાઓમાં દિલ્હીને કચરામુક્ત બનાવવું અને શહેરના વિકાસ માટે કામ કરવું એ તેમની પ્રાથમિકતા રહેશે. ૨૦૨૨માં ત્રણેય નિગમોના એકીકરણ બાદ દિલ્હીમાં ભાજપ માટે આ એક મહત્વની જીત માનવામાં આવી રહી છે.
(6:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
