<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 26th May 2026

કર્ણાટકમાં ‘તખ્‍તાપલટ'ના એંધાણઃ દિલ્‍હી દરબારમાં સિદ્ધારમૈયા અને શિવકુમાર સામસામે

ખડગે અને રાહુલ ગાંધી સાથે હાઈ-લેવલ બેઠકમાં ભાગ લેશે

બેંગલુરુ, તા.૨૬: કર્ણાટકની ગાદી પર બેસવા માટે ચાલી રહેલી ખુરશી ખેંચ હવે ચરમસીમાએ પહોંચી છે. મુખ્‍યમંત્રી સિદ્ધારમૈયા અને સંકટમોચક ડી.કે. શિવકુમાર સોમવારે દિલ્‍હીમાં હાઈકમાન્‍ડ સમક્ષ હાજર થયા છે, જેનાથી દક્ષિણના આ રાજ્‍યમાં મોટા રાજકીય ભૂકંપના સંકેતો મળી રહ્યા છે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસે રાહુલ ગાંધીની હાજરીમાં યોજાનારી આ બેઠક માત્ર વહીવટી ફેરફાર માટે નથી, પરંતુ તે કર્ણાટક કોંગ્રેસના ભવિષ્‍યનો નવો અધ્‍યાય લખવા જઈ રહી છે. ચૂંટણી સમયે જે પાવર શેરિંગ ફોર્મ્‍યુલાની ગુપ્ત વાતો થતી હતી, તેનો અમલ કરવાનો સમય હવે પાકી ગયો હોય તેવું દેખાય છે, જેના કારણે બંને નેતાઓના સમર્થકોમાં ભારે ઉત્તેજના અને ફફડાટ જોવા મળી રહ્યો છે.

આ હાઈ-લેવલ બેઠકમાં મુખ્‍યત્‍વે ત્રણ મોટા વિકલ્‍પો પર મંથન ચાલી રહ્યું છે, જે કર્ણાટકનું રાજકીય ચિત્ર બદલી શકે છે. પ્રથમ વિકલ્‍પ મુજબ, જો સિદ્ધારમૈયાને યથાવત રાખવામાં આવે, તો કેબિનેટમાં મોટું ઓપરેશન કરીને નબળા મંત્રીઓને ઘરભેગા કરવામાં આવશે અને શિવકુમાર જૂથને રાજી કરવા માટે તેમના સમર્થકોને મહત્‍વના ખાતા સોંપવામાં આવશે. જોકે, સૌથી વધુ ચર્ચા બીજા વિકલ્‍પની છે, જેમાં અઢી-અઢી વર્ષની સત્તા વહેંચણી હેઠળ સિદ્ધારમૈયાને કેન્‍દ્રના રાજકારણમાં ખસેડી ડી.કે. શિવકુમારને રાજ્‍યની કમાન સોંપવામાં આવી શકે છે. જો આ બંને દિગ્‍ગજો વચ્‍ચે સહમતી નહીં સધાય, તો ખુદ મલ્લિકાર્જુન ખડગે મુખ્‍યમંત્રી તરીકે મેદાનમાં ઉતરે તેવી પણ એક અણધારી શકયતા નકારી શકાય તેમ નથી.

રાજકીય ગરમાવો વધવાનું તાત્‍કાલિક કારણ આગામી રાજ્‍યસભા અને વિધાન પરિષદની ચૂંટણીઓ છે. ૮ જૂન સુધીમાં નામાંકન ભરવાની અંતિમ તારીખ હોવાથી, બંને જૂથો પોતપોતાના વફાદારોને ટિકિટ અપાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ડી.કે. શિવકુમારના સમર્થકોએ હવે ખુલ્લેઆમ અબ કી બાર, ડીકે સરકારના નારા લગાવવાનું શરૂ કર્યું છે, જ્‍યારે સિદ્ધારમૈયા પોતાનો ગઢ બચાવવા વ્‍યૂહરચના ઘડી રહ્યા છે. દિલ્‍હીમાં લેવાનાર આ નિર્ણય માત્ર કર્ણાટક પૂરતો સીમિત નહીં રહે, પરંતુ તેની અસર ૨૦૨૮ની વિધાનસભા ચૂંટણીના પાયા પર પણ પડશે. હવે જોવાનું એ રહેશે કે કોંગ્રેસ હાઈકમાન્‍ડ આ કાંટાળા માર્ગ પર કઈ રીતે સંતુલન જાળવે છે.

(3:29 PM IST)