<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 13th November 2026

ગાય જ મારી દીકરી છેઃ ખેડૂતે પોતાની ગાયનું સીમંત રાખ્‍યું: ૫૦૦થી વધુ લોકો હાજર રહ્યાં

પ્રસંગને યાદગાર અને ભવ્‍ય બનાવવા માટે ખેડૂત દંપતીએ આશરે રૂા. ૫૦,૦૦૦ નો ખર્ચ કર્યો : દીકરી ન હોવાને કારણે ગાયને જ દીકરી માનતા આ ખેડૂત દંપતીએ હિન્‍દુ ધાર્મિક વિધિઓ સાથે આ ઉત્‍સવ ઉજવ્‍યો, જેમાં પાંચ ગામના લોકોએ ઉત્‍સાહભેર હાજરી આપી

બુરહાનપુર,તા.૧૩: ભારતીય સંસ્‍કૃતિમાં ગાયને માતાનું સ્‍થાન આપવામાં આવ્‍યું છે અને તેને પરિવારના સભ્‍ય સમાન માનવામાં આવે છે. આ જ સનાતન પરંપરા અને અગાધ આસ્‍થાને અનુસરીને મધ્‍યપ્રદેશના બુરહાનપુર જિલ્‍લાથી આશરે ૧૫ કિલોમીટર દૂર આવેલા બોરસલ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની ગર્ભવતી ગાય માટે એક અનોખા અને યાદગાર સીમંત સમારંભ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ખેડૂત હરિભાઉ અને તેમની પત્‍ની બેબી બાઈ દ્વારા સંપૂર્ણ શાષોક્‍ત અને હિન્‍દુ વિધિ-વિધાન સાથે આ ધાર્મિક અનુષ્ઠાન સંપન્ન કરવામાં આવ્‍યું હતું. ખાસ વાત એ છે કે, આ દંપતીને દીકરી ન હોવાથી તેઓ ગાયને જ પોતાની દીકરી માનીને તેની વ્‍હાલસોયી સંભાળ રાખે છે.

ખેડૂત હરિભાઉએ પોતાના આ અનુભવ વિશે જણાવતાં કહ્યું કે આ ગાય તેમને તેમના મામાના ઘરેથી વારસામાં મળી હતી. સમગ્ર પરિવાર આ ગાયને ખૂબ જ પ્રેમ કરે છે અને પરિવારના સભ્‍યની જેમ જ તેની માવજત કરે છે. જ્‍યારે ગાય ગર્ભવતી થઈ, ત્‍યારે પરિવારે માનવતા અને સંસ્‍કૃતિનું અનોખું ઉદાહરણ પૂરું પાડતા તેના માટે વિધિવત પ્રસૂતિ કાર્યક્રમ યોજવાનું નક્કી કર્યું હતું.

આ કાર્યક્રમ માટે પરંપરાગત તૈયારીઓ કરવામાં આવી, જેમાં ગાયને સુંદર શણગારવામાં આવી અને શાષોક્‍ત વિધિઓ દ્વારા ગાયના સુરક્ષિત સ્‍વાસ્‍થ્‍ય તેમજ સ્‍વસ્‍થ વાછરડાના જન્‍મ માટે શુભકામનાઓ પાઠવવામાં આવી હતી.

આ પ્રસંગને યાદગાર અને ભવ્‍ય બનાવવા માટે ખેડૂત દંપતીએ આશરે રૂા. ૫૦,૦૦૦ નો ખર્ચ કર્યો હતો. આ વિશેષ કાર્યક્રમમાં આસપાસના પાંચ ગામોના ગ્રામજનો અને ખેડૂતોને હર્ષભેર આમંત્રિત કરવામાં આવ્‍યા હતા. મહાપ્રસાદ આ પ્રસંગે ૫૦૦થી વધુ લોકોએ ઉપસ્‍થિત રહીને સામુદાયિક ભોજન (મહાપ્રસાદ) નો આનંદ માણ્‍યો હતો. ઉપસ્‍થિત તમામ ગ્રામજનોએ આ અનોખી અને પ્રેરણાદાયી પહેલની પ્રશંસા કરી હતી.

ખેડૂત હરિભાઉનું માનવું છે કે ગાય માત્ર એક મૂંગું પ્રાણી નથી, પરંતુ ગ્રામીણ અને ખેડૂત પરિવારોના જીવનનો અત્‍યંત અભિન્ન અને મહત્‍વપૂર્ણ ભાગ છે. દરેક પરિવારમાં ગાય પ્રત્‍યે પ્રેમ, આદર અને સેવાભાવનો સંચાર થવો જોઈએ. હરિભાઉની આ દિલસ્‍પર્શ અને અનોખી પહેલની ચર્ચા હાલ આખા જિલ્‍લામાં થઈ રહી છે, જેના દ્વારા તેમણે ભારતીય સંસ્‍કૃતિ, ઉમદા કૌટુંબિક મૂલ્‍યો અને ગૌસેવા પ્રત્‍યેના અપાર આદરનો સુંદર સંદેશ સમાજને આપ્‍યો છે

(10:23 AM IST)