તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 18th October 2026
પાકિસ્તાનમાં ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક રામલીલા મંદિરને જમીનદોસ્ત કરવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ: ભારે હોબાળા બાદ વહીવટીતંત્રે સીલ માર્યું
કોમર્શિયલ પ્લાઝા બનાવવા માટે ઐતિહાસિક ધાર્મિક વારસા પર બુલડોઝર ફેરવવાનો કારસો: સ્થાનિક હિન્દુ સમુદાય અને નાગરિક સમાજના ઉગ્ર આક્રોશ સામે પાકિસ્તાન સરકારે નમતું જોખ્યું

પેશાવર: પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વા પ્રાંતના ડેરા ઇસ્માઇલ ખાન જિલ્લામાંથી લઘુમતી હિન્દુ સમુદાયના ધાર્મિક આસ્થા પર પ્રહાર કરતી એક અત્યંત સનસનાટીભરી ઘટના સામે આવી છે. શહેરના મધ્યમાં આવેલા રહીમ બજાર વિસ્તારમાં સ્થિત આશરે ૨૦૦ વર્ષ જૂના ઐતિહાસિક અને પવિત્ર 'રામલીલા મંદિર'ને કોમર્શિયલ પ્લાઝા બનાવવા માટે તોડી પાડવાનો કાયરતાપૂર્ણ પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, ઘટનાની જાણ થતાં જ સ્થાનિક હિન્દુ સમુદાય, નાગરિક સમાજના અગ્રણીઓ અને વેપારી મંડળો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયા હતા અને તોડફોડની કામગીરી અટકાવી ભારે હોબાળો મચાવ્યો હતો. આ તીવ્ર વિરોધ અને આક્રોશને પગલે આખરે પાકિસ્તાન સરકારના ઇવેક્યુઇ ટ્રસ્ટ પ્રોપર્ટી બોર્ડ (ETPB) અને સ્થાનિક વહીવટીતંત્રે મંદિરનો કબજો લઈને તેને સરકારી નિયંત્રણ હેઠળ સીલ કરી દીધું છે.
સ્થાનિક સિવિલ સોસાયટી અને ટ્રેડર્સ એસોસિએશનના પ્રમુખ સોહેલ અહેમદ આઝમી સહિત હિન્દુ સમુદાયના નેતાઓએ આ ઘટના બાદ તાકીદની બેઠક યોજીને ધાર્મિક સ્થળ પર ગેરકાયદે કબજો મેળવવાની કાવતરાખોરી અને બુલડોઝર ફેરવવાની હિલચાલ સામે સખત વિરોધ દર્શાવ્યો હતો. તેમણે આ ઐતિહાસિક મિલકતની માલિકી અને ત્યાં વ્યાપારી બાંધકામની કાયદેસરતા અંગે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરી છે, સાથે જ આ મુદ્દાને પાકિસ્તાનની રાષ્ટ્રીય સભા (સંસદ) માં ઉઠાવવા અપીલ કરી છે. નોંધનીય છે કે, ETPB દ્વારા ડેરા ઇસ્માઇલ ખાનમાં ૪૦૦ જેટલી ઇમારતોને સાંસ્કૃતિક વારસા તરીકે દર્શાવાઈ છે, છતાં ભૂમાફિયાઓ દ્વારા ઐતિહાસિક રામલીલા મંદિરનો કોન્ટ્રાક્ટ લીધો હોવાનો દાવો કરીને તેને તોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
આ ઘટના પર પ્રતિક્રિયા આપતાં ઓલ પાકિસ્તાન હિન્દુ રાઇટ્સ મૂવમેન્ટના પ્રમુખ હારૂન સરબ દયાલે ૨૦૧૩ થી ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન લઘુમતીઓની ધાર્મિક સંપત્તિઓના ગેરકાયદે વેચાણ કે કબ્જાની યોગ્ય તપાસ કરવા ભારપૂર્વક માંગ કરી છે. હાલમાં જ ૧૧ ઓક્ટોબરના રોજ કાયદો-વ્યવસ્થા અને આતંકવાદની સ્થિતિને લીધે ખૈબર પખ્તુનખ્વા પ્રાંતમાં રાજ્યપાલ શાસન લાદવામાં આવ્યું છે, જેથી હિન્દુ સ્થળોને વિશેષ સુરક્ષા મળે તેવી આશા વ્યક્ત કરાઈ છે. બીજી તરફ, પાકિસ્તાન માનવ અધિકાર પંચ (HRCP) એ પણ પોતાના સત્તાવાર રિપોર્ટમાં સ્વીકાર્યું છે કે પાકિસ્તાનમાં લઘુમતીઓ સામે ધર્માંતરણ, બળજબરીથી લગ્ન, ઇશનિંદા કાયદાનો દુરુપયોગ અને ધાર્મિક સ્થળોની ઉપેક્ષા જેવા ગંભીર અત્યાચારો સતત વધી રહ્યા છે.
(8:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
