તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ચીન અને પાકિસ્તાનના સદાબહાર સંબંધોમાં તિરાડ: શી જિનપિંગ સરકારે રોકાણો અટકાવવાનું શરૂ કર્યું
પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરની ટ્રમ્પ સાથેની નિકટતા બાદ ચીની કંપનીઓ CPEC અને પાવર પ્રોજેક્ટ્સમાંથી બહાર નિકળવાની ફિરાકમાં: K-ઇલેક્ટ્રિક અને FESCO સોદા રદ

નવી દિલ્હી : પાકિસ્તાની સૈન્ય પ્રમુખ જનરલ અસીમ મુનીર અને યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની તાજેતરની નિકટતા બાદ ચીન અને પાકિસ્તાન વચ્ચેના "સદાબહાર મિત્રતા"ના સંબંધોમાં મોટું ઘર્ષણ સામે આવ્યું છે. ચીની કંપનીઓ અને રોકાણકારો હવે પાકિસ્તાનના CPEC (ચીન-પાકિસ્તાન ઇકોનોમિક કોરિડોર) અને પાવર પ્રોજેક્ટ્સમાંથી પોતાના હાથ પાછા ખેંચી રહ્યા છે. નિક્કી એશિયાના અહેવાલો મુજબ, પાકિસ્તાનની આર્થિક અનિશ્ચિતતા અને અમેરિકા તરફના ઝુકાવને કારણે શી જિનપિંગ સરકારે પાકિસ્તાન માટે પોતાના ખજાનાના દરવાજા બંધ કરવાનું શરૂ કરી દીધું છે.બીજી તરફ, પહેલેથી જ અબજો ડોલરના દેવામાં ડૂબેલું પાકિસ્તાન હવે ચીન પરની નિર્ભરતા ઘટાડી યુએસ સંસ્થાઓ અને આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ મેળવવા માટે લોબિંગ કરી રહ્યું છે.
પાવર ચાઇનાની પેટાકંપનીએ પાકિસ્તાનની ફૈસલાબાદ ઇલેક્ટ્રિક સપ્લાય કંપની (FESCO) ને હસ્તગત કરવાનો બહુચર્ચિત સોદો અચાનક રદ કર્યો છે. આ ઉપરાંત, ગ્વાદરમાં પ્રસ્તાવિત ૩૦૦ મેગાવોટનો મહત્વકાંક્ષી પાવર પ્લાન્ટ પણ ચીની પ્રાયોજકોએ અસાધ્ય ગણાવી રદ કર્યો છે.
શાંઘાઈ ઇલેક્ટ્રિક પાવરે પાકિસ્તાનની K-ઇલેક્ટ્રિકમાં ૬૬.૪% હિસ્સો ખરીદવાનો ૧.૭૭ બિલિયન ડોલરનો સોદો વ્યાપારી વાતાવરણની બગડતી સ્થિતિનું કારણ આપીને રદ કરી દીધો છે.
પાકિસ્તાનમાં ૨.૪ ટ્રિલિયન પીકેઆર (PKR) ની વીજ ખાધ સર્જાઈ છે. સાહિવાલ, પોર્ટ કાસિમ, કરોટ અને સુકી કિનારી જેવા અબજો ડોલરના ચીની પાવર પ્લાન્ટ્સના પેમેન્ટ અટવાયા છે. દરમિયાન, ચીની સોલાર પેનલ્સના ભાવ ઘટતાં પાકિસ્તાનમાં મોટા પાયે સોલાર તરફ ટ્રાન્સફર થતાં સરકારી વીજ કંપનીઓની કમાણી ઠપ થઈ ગઈ છે.
પાકિસ્તાનના કુલ વિદેશી દેવાના ૨૩ ટકા હિસ્સો એકલું ચીન ધરાવે છે. હવે પાકિસ્તાની નાણામંત્રી મુહમ્મદ ઔરંગઝેબ યુએસ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ બેંક અને ડેવલપમેન્ટ ફાઇનાન્સ કોર્પોરેશન પાસેથી નવી લોન મેળવવા પ્રયાસો કરી રહ્યા છે.
(10:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
