<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 25th November 2026

મગફળીમાંથી નજર સામે તેલ કઢાવવાનો વધ્‍યો ક્રેઝ

મગફળીના સારા વાવેતર અને ઉત્‍પાદન વચ્‍ચે ખાદ્યતેલની શુદ્ધતાને લઈને લોકોમાં જાગૃતિ વધી : અનેક પરિવારો પેકિંગ તેલને બદલે પોતાની નજર સામે મગફળીમાંથી તેલ કઢાવવા પરંપરાગત મીની તેલ મિલો તરફ વળ્‍યા

નવી દિલ્‍હી તા.૨૫: ચાલુ વર્ષે મગફળીનું સારું વાવેતર થયા બાદ મગફળીના ઉત્‍પાદન અને તેના ઉપયોગને લઈને  ખેડૂતો તેમજ સામાન્‍ય લોકોમાં નવી જાગૃતિ જોવા મળી રહી છે. ખાસ કરીને મગફળીમાંથી શુદ્ધ અને ગુણવત્તાયુક્‍ત તેલ મેળવવા માટે લોકોમાં પરંપરાગત મીની તેલ મિલો તરફ આકર્ષણ વધી રહ્યું છે. બજારમાં વિવિધ બ્રાન્‍ડના પેકિગ તેલ ઉપલબ્‍ધ હોવા છતાં અનેક પરિવારો પોતાની નજર સામે મગફળીનું તેલ કઢાવીને ઉપયોગ કરવાનું વધુ પસંદ કરી રહ્યા છે, જેના કારણે પરંપરાગત મીની તેલ મિલોના વ્‍યવસાયને પ્રોત્‍સાહન મળી રહ્યું છે.

છેલ્‍લા કેટલાક સમયથી ખાદ્યતેલની શુદ્ધતા અને ગુણવત્તા અંગે લોકોમાં જાગૃતિ વધી છે. રોજિદા રસોઈમાં ઉપયોગમાં લેવાતા તેલની ગુણવત્તા અંગે સજાગ બનેલા પરિવારો હવે તેલ ખરીદવાની પરંપરાગત પદ્ધતિ તરફ વળી રહ્યા છે. મીની તેલ મિલોમાં ગ્રાહકો પોતાની પસંદગીની મગફળી લઈને આવે છે અને પોતાની નજર સામે તેમાંથી તેલ કઢાવીને ઘરે લઈ જાય છે. આ પ્રક્રિયામાં મગફળીની ગુણવત્તા અને તેલ કાઢવાની કામગીરી ગ્રાહકો જાતે જોઈ શકતા હોવાથી તેમનો વિશ્વાસ વધ્‍યો છે.

પરંપરાગત મીની તેલ મિલોની વિશેષતા એ છે કે તેમાં ગ્રાહકોને પોતાની મગફળીમાંથી સીધું તેલ કઢાવવાની સુવિધા મળે છે. બજારમાંથી તૈયાર તેલ ખરીદવાને બદલે પોતાની પાસે રહેલી મગફળીનો ઉપયોગ કરીને જરૂરિયાત મુજબ તેલ મેળવી શકાય છે. ખાસ કરીને ગામડાં અને શહેરના વિસ્‍તારોમાં રહેતા એવા પરિવારો, જેઓ શુદ્ધતા અને ગુણવત્તાને પ્રાથમિકતા આપે છે, તેઓ આ પદ્ધતિ અપનાવી રહ્યા છે. આ ઉપરાંત મગફળીના ઉત્‍પાદન સાથે સંકળાયેલા ખેડૂતો માટે પણ પોતાની ઉપજનો સીધો ઉપયોગ કરવાની તક ઊભી થઈ છે.

બીજી તરફ ચાલુ વર્ષે મગફળીના ભાવમાં પણ ગત વર્ષની સરખામણીએ વધારો જોવા મળી રહ્યો છે. મળતી વિગતો મુજબ ગત વર્ષે પ્રતિ મણ મગફળીના ભાવ રૂ. ૧૪૦૦ થી ૧૫૦૦ ની આસપાસ હતા, જ્‍યારે ચાલુ વર્ષે પ્રતિ મણ રૂ. ૧૬૦૦ થી ૧૭૦૦ સુધીના ભાવ જોવા મળી રહ્યા છે. મગફળીની ખરીદીથી લઈને મીની તેલ મિલોમાં તેલ કઢાવવાની કામગીરી સુધી અનેક લોકોને રોજગારી અને વ્‍યવસાયની તક મળે છે. પરંપરાગત પદ્ધતિથી તેલ મેળવવાની આ વ્‍યવસ્‍થા સ્‍થાનિક સ્‍તરે નાના વ્‍યવસાયોને પણ જીવંત રાખવામાં મદદરૂપ બની રહી છે.

(10:17 AM IST)