News of Friday, 1st May 2026
ક્રિકેટ જગત કલંકિતઃ મહિલા ખેલાડીઓના બાથરૂમમાં ગુપ્ત કેમેરા ગોઠવી વીડિયો બનાવનાર બે ક્રિકેટરોની ધરપકડ
શ્રીલંકા ક્રિકેટ જગતમાં શરમજનક ઘટના : રમત ગમત જગતમાં ખળભળાટઃ હોટેલના રૂમમાં મહિલા ક્રિકેટરોની પ્રાઈવસી સાથે ચેડાં કરનાર નરાધમો જેલના સળિયા પાછળ

નવી દિલ્હીઃ ક્રિકેટ જેને જેન્ટલમેન ગેમ કહેવામાં આવે છે, તે રમતને શરમાવનારી એક અત્યંત ગંભીર ઘટના સામે આવી છે. મહિલા ક્રિકેટરોની સુરક્ષા અને ગરિમા પર પ્રહાર કરતા આ કિસ્સામાં પોલીસે બે પુરૂષ ક્રિકેટરોની ધરપકડ કરી છે. આ ખેલાડીઓ પર આરોપ છે કે તેઓએ હોટેલના બાથરૂમમાં ગુપ્ત રીતે કેમેરા લગાવીને મહિલા ખેલાડીઓના વાંધાજનક વીડિયો ઉતાર્યા હતા.
મળતી માહિતી મુજબ, એક ટૂર્નામેન્ટ દરમિયાન ખેલાડીઓ જે કોલંબોની હોટેલમાં રોકાયા હતા, ત્યાં આ કાવતરું ઘડવામાં આવ્યું હતું. આરોપી ક્રિકેટરોએ હોટેલના બાથરૂમમાં છૂપી રીતે મોબાઈલ અથવા સ્પાય કેમેરા ગોઠવી દીધા હતા. જ્યારે મહિલા ખેલાડીઓને કંઈક શંકાસ્પદ હોવાનો અહેસાસ થયો, ત્યારે આ સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. તપાસ કરતા બાથરૂમમાંથી રેકોર્ડિગ ડિવાઈસ મળી આવ્યું હતું, જેનાથી તમામ ખેલાડીઓ સ્તબ્ધ થઈ ગયા હતા.
પીડિત મહિલા ખેલાડીઓની ફરિયાદના આધારે પોલીસે તાત્કાલિક એક્શન લીધા હતા. ટેકનિકલ પુરાવા અને હોટેલના સીસીટીવી ફૂટેજની તપાસ બાદ આ શરમજનક કૃત્યમાં સામેલ બે ક્રિકેટરોની ઓળખ થઈ હતી. પોલીસે બંનેની ધરપકડ કરી તેમના મોબાઈલ ફોન અને અન્ય ઈલેક્ટ્રોનિક ગેજેટ્સ જપ્ત કર્યા છે. ફોરેન્સિક તપાસમાં આ ફોનમાંથી મહિલાઓના ખાનગી વીડિયો મળી આવ્યા હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.આ ઘટના બાદ સંબંધિત ક્રિકેટ એસોસિએશને બંને ખેલાડીઓને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરી દીધા છે. બોર્ડના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, આ પ્રકારની હરકત ચલાવી લેવામાં આવશે નહીં. અમે મહિલા ખેલાડીઓની સુરક્ષા માટે કટિબદ્ધ છીએ અને દોષિતોને આકરી સજા મળે તેવા પ્રયાસો કરીશું.
આ સમાચાર વાયુવેગે ફેલાતા સોશિયલ મીડિયા અને રમત જગતમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. દિગ્ગજ ક્રિકેટરો અને રમતપ્રેમીઓ આ ઘટનાની આકરી ટીકા કરી રહ્યા છે અને ખેલાડીઓ પર આજીવન પ્રતિબંધ મુકવાની માંગ કરી રહ્યા છે. આ ઘટનાએ હોટેલોમાં રોકાતા ખેલાડીઓની સુરક્ષા અને પ્રાઈવસી સામે પણ અનેક સવાલો ઊભા કર્યા છે.
(3:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
