તા. ૨૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૩ રવિવાર
News of Sunday, 22nd November 2026
ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની રાજકારણમાં એન્ટ્રી : ભાજપમાં જોડાતાં જ ઓબીસી મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત તરીકે સ્થાન અપાયું: નવી યાદીમાં ૭ રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ૩ રાષ્ટ્રીય મહામંત્રી, ૭ રાષ્ટ્રીય મંત્રી અને ૩૭ રાષ્ટ્રીય કાર્યસમિતિ સભ્યોની નિમણૂક
ગુજરાતમાંથી બે આગેવાનોને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી: દશરથજી ઠાકોર રાષ્ટ્રીય મંત્રી અને મહેન્દ્રભાઈ જુંગી રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બન્યા : ભાજપે ૩૭ કાર્યસમિતિ સભ્યો સહિત નવી રાષ્ટ્રીય ટીમ જાહેર કરી

નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના જાણીતા લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલે હવે ક્રિકેટના મેદાન ઉપરાંત રાજકારણની નવી ઇનિંગ શરૂ કરી છે. ચહલ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે અને તેમને ભાજપના અન્ય પછાત વર્ગ મોરચાની રાષ્ટ્રીય કાર્યસમિતિમાં વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન આપવામાં આવ્યું છે. શનિવાર, ૨૧ નવેમ્બરે જાહેર થયેલી નવી સંગઠનાત્મક યાદીમાં ચહલનું નામ દિલ્હીમાંથી સામેલ કરવામાં આવ્યું છે. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનના નિર્દેશથી આ નિમણૂકો કરવામાં આવી છે.
ચહલે ભાજપના ઓબીસી મોરચાના રાષ્ટ્રીય અધ્યક્ષ અને રાજ્યસભાના સાંસદ અમરપાલ મૌર્ય સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી. મૌર્યના જણાવ્યા પ્રમાણે ચહલે રાજકારણમાં રસ દર્શાવી ભાજપ સાથે કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી. ત્યારબાદ તેમને રાષ્ટ્રીય કાર્યસમિતિમાં સ્થાન આપવામાં આવ્યું હતું. ચહલે સામાજિક માધ્યમ ઉપર વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીન અને અમરપાલ મૌર્યનો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાતમાંથી બે આગેવાનોને રાષ્ટ્રીય જવાબદારી સોંપવામાં આવી છે. દશરથજી ઠાકોરને ઓબીસી મોરચાના રાષ્ટ્રીય મંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જ્યારે મહેન્દ્રભાઈ જુંગીને રાષ્ટ્રીય કાર્યસમિતિના સભ્ય બનાવવામાં આવ્યા છે.
આ નવી યાદીમાં સાત રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ત્રણ રાષ્ટ્રીય મહામંત્રી, સાત રાષ્ટ્રીય મંત્રી અને ૩૭ રાષ્ટ્રીય કાર્યસમિતિ સભ્યોની નિમણૂક કરવામાં આવી છે. ચહલ ઉપરાંત ઓડિશાના પ્રોફેસર અદ્વૈત ચરણ ગણનાયક અને ઉત્તર પ્રદેશના વકીલ સીમા સમૃદ્ધિ કુશવાહાને વિશેષ આમંત્રિત સભ્ય તરીકે સ્થાન મળ્યું છે.
ઉલ્લેખનીય છે કે હરિયાણાના જીંદ સાથે સંબંધ ધરાવતા યુઝવેન્દ્ર ચહલ ક્રિકેટમાં પ્રવેશતા પહેલાં ચેસના ખેલાડી પણ રહી ચૂક્યા છે. તેમણે ભારત વતી ૭૨ એકદિવસીય આંતરરાષ્ટ્રીય મેચમાં ૧૨૧ વિકેટ અને ૮૦ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય મેચમાં ૯૬ વિકેટ ઝડપી છે. તેમની રાજકીય નિમણૂક બાદ ક્રિકેટ અને રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ છે. જોકે ચહલ ભવિષ્યમાં ચૂંટણી લડશે કે કેમ અથવા ક્રિકેટ સાથે રાજકીય પ્રવૃત્તિઓ કેવી રીતે સંભાળશે તે અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.
(5:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
