<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th April 2026

ક્રાઈમ ફાઈલ: પતિએ ઘરબહાર કાઢેલી એ 'લાચાર અબળા' કેવી રીતે બની મુંબઈની ખૂંખાર 'ડ્રગ ક્વીન'?

વરલીની ચાલીમાંથી ફાઈવ સ્ટાર હોટલો સુધી ફેલાયેલું મોતનું નેટવર્ક: પોલીસવાળાને પ્રેમજાળમાં ફસાવી ખાખી વર્દીમાં જ નશાનો કાળો કારોબાર કરનારી શાંતિ દેવી પાટકરની ચોંકાવનારી દાસ્તાન

મુંબઈ:  ૧૯૮૦ના દાયકાની આ વાર્તા મુંબઈની ગલીઓમાં આજે પણ એક કાળા ઈતિહાસ તરીકે જાણીતી છે. જે મહિલાને તેના પતિએ કપડાંના પોટલા સાથે મધરાતે ઘરની બહાર હાંકી કાઢી હતી, તે જ શાંતિ દેવી પાટકર આગળ જતાં મુંબઈની સૌથી કુખ્યાત 'ડ્રગ ક્વીન' બની જશે એવી કોઈએ કલ્પના પણ કરી નહોતી. બે નાના બાળકોની ભૂખ મિટાવવા માટે મહિને ૬૦૦ રૂપિયામાં ઘરકામ કરતી શાંતિની મુલાકાત એક ડ્રગ પેડલર સાથે થઈ અને ૧૦,૦૦૦ રૂપિયાની લાલચે તેને ગુનાખોરીની દુનિયામાં ધકેલી દીધી. શરૂઆતમાં માત્ર ડિલિવરી ગર્લ તરીકે કામ કરતી શાંતિએ જોતજોતામાં ડ્રગ્સની હેરાફેરીની તમામ કળા શીખી લીધી અને પોતાનું અલગ સામ્રાજ્ય સ્થાપી દીધું.

શાંતિ દેવીની ચાલ એવી હતી કે તેણે પોલીસને જ પોતાની ઢાલ બનાવી દીધી. જ્યારે ૧૯૯૨માં પોલીસ કોન્સ્ટેબલ અજય લોખંડે તેના ઘરે દરોડા પાડવા પહોંચ્યો, ત્યારે શાંતિએ તેને પોતાની જાળમાં ફસાવી દીધો. બંને વચ્ચેના સંબંધો એટલા ગાઢ બન્યા કે પોલીસની જીપમાં જ બ્રાઉન સુગર અને હશીશની હેરાફેરી થવા લાગી. શાંતિએ ૨૦ જેટલા નશાખોર છોકરાઓની ગેંગ બનાવી હતી, જેમને તે કામના બદલામાં ડ્રગ્સ આપતી અને જ્યારે તે છોકરાઓ નશામાં મરી જતા ત્યારે તે નવા છોકરાઓને ભરતી કરતી. તેની આ નિર્દયતાએ તેને અઢળક સંપત્તિ અપાવી, જેના કારણે તેણે ૨૯ બેંક ખાતા ખોલાવ્યા અને સોના તેમજ રિયલ એસ્ટેટમાં કરોડોનું રોકાણ કર્યું.

૨૦૦૧માં ધરપકડ થયા બાદ પણ શાંતિ દેવી હારી નહીં. જેલમાં આઠ મહિના રહ્યા પછી જ્યારે તે બહાર આવી અને જોયું કે ધંધો પડી ભાંગ્યો છે, ત્યારે તેણે પોતાના પ્રેમી પોલીસવાળાની સલાહ પર 'પોલીસ બાતમીદાર' (Informer) બનવાનું નાટક રચ્યું. તેણે પોતાના તમામ હરીફોને પોલીસના હાથે પકડાવી દીધા અને પોતે ફરીથી મેદાનમાં એકચક્રી શાસન જમાવ્યું. સમય જતાં તેના પુત્રો પણ આ કાળા કારોબારમાં જોડાયા અને શાંતિ દેવી માત્ર ડ્રગ માફિયા જ નહીં, પણ તે વિસ્તારની એક શક્તિશાળી રાજકીય નેતા પણ બની ગઈ. એક લાચાર મહિલાની ગુનાહિત મહત્વકાંક્ષાએ આખા મુંબઈને નશાના ગર્તામાં ધકેલી દીધું હતું.

(11:14 PM IST)