<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

ડ્રોનથી સરહદ પાર ડ્રગ્સની ડિલિવરી: શ્રીગંગાનગરમાં પાકિસ્તાની હેરોઈનના જથ્થા સાથે લેડી સ્મગલર સહિત ત્રણ ઝડપાયા

ઓપરેશન સીમા સંકલ્પ હેઠળ રાજસ્થાન પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને 50 કરોડનું હેરોઈન જપ્ત કર્યું

શ્રીગંગાનગર: ભારત-પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદ પરથી ડ્રોન દ્વારા ભારતીય સીમામાં ઘુસાડવામાં આવેલા કરોડો રૂપિયાના ડ્રગ્સ રેકેટનો રાજસ્થાન પોલીસે પર્દાફાશ કર્યો છે. 'ઓપરેશન સીમા સંકલ્પ' અંતર્ગત શ્રીગંગાનગર જિલ્લા પોલીસે સપાટો બોલાવીને આશરે ₹50 કરોડની આંતરરાષ્ટ્રીય કિંમત ધરાવતું 10.419 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાવાળું હેરોઈન (ચિત્તા) ઝડપી પાડ્યું છે. સરહદ પારથી ઓપરેટ થતા આ નાપાક નેટવર્ક સામેની કાર્યવાહીમાં પોલીસે એક લેડી સ્મગલર સહિત કુલ ત્રણ રીઢા ગુનેગારોની ધરપકડ કરી છે અને તેમની પાસેથી મોટી રકમની રોકડ તથા તસ્કરીમાં ઉપયોગમાં લેવાયેલી લક્ઝરી કાર જપ્ત કરી છે.

આ હાઈ-વોલ્ટેજ ડ્રામા 26-27 જૂનની મધ્યરાત્રિએ શરૂ થયો હતો જ્યારે પોલીસને પંજાબ પાસિંગની શંકાસ્પદ કાર શ્રીવિજયનગરથી સુરતગઢ તરફ જઈ રહી હોવાની ચોક્કસ બાતમી મળી હતી. જૈતસર અને સદર પોલીસે સંયુક્ત રીતે અનુપગઢ-સુરતગઢ રોડ પર કડક નાકાબંધી ગોઠવી દીધી હતી. પોલીસને જોઈને ગભરાયેલા ડ્રગ સ્મગલરોએ કાર પાછી વાળીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પીછો કરી રહેલી પોલીસની ખાનગી ગાડીને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં વાહનોને નુકસાન થયું હતું અને એક અધિકારી ઘાયલ થયા હતા, તેમ છતાં પોલીસે દિલધડક ઓપરેશન પાર પાડીને સ્થળ પરથી ધર્મેન્દ્ર સિંહ અને જસવિંદર સિંહને દબોચી લીધા હતા અને કારમાંથી 9.908 કિલો હેરોઈન તથા ₹1.40 લાખ રોકડા રિકવર કર્યા હતા.

ધરપકડ કરાયેલા આરોપીઓની આકરી પૂછપરછ બાદ આ કૌભાંડના તાર સ્થાનિક કનેક્શન સુધી લંબાયા હતા. પોલીસની ટીમે તુરંત જ સમેજા કોઠી વિસ્તારમાં રહેતી જસવિંદરની પત્ની નવજોત કૌર ઉર્ફે જ્યોતિના ઘરે મધ્યરાત્રિએ જ દરોડો પાડ્યો હતો. આ સર્ચ ઓપરેશન દરમિયાન મહિલાના ઘરમાંથી વધુ 511 ગ્રામ હેરોઈન અને ₹21,200ની રોકડ મળી આવી હતી, જેને પગલે તેની પણ ધરપકડ કરવામાં આવી છે. એસપી હરિ શંકરના જણાવ્યા મુજબ, આ ડ્રગ્સ પાકિસ્તાનથી ડ્રોન મારફતે સરહદ પાર મોકલવામાં આવ્યું હતું. હાલ પોલીસ આ આંતરરાષ્ટ્રીય ગેંગના મુખ્ય આકાઓ અને પંજાબ-રાજસ્થાનના સ્થાનિક સપ્લાયર્સને શોધવા માટે રિમાન્ડ મેળવી સઘન તપાસ ચલાવી રહી છે.

(10:13 PM IST)