News of Friday, 3rd July 2026
તેહરાનમાં આયાતુલ્લાહ ખામેનીની અંતિમયાત્રામાં ઉમટ્યો માનવમહેરામણ: ભારતીય ધાર્મિક નેતાઓએ શબપેટી પાસે ઉભા રહીને કરી પ્રાર્થના
૪ મહિના સુધી કોલ્ડ સ્ટોરેજમાં રખાયેલા પાર્થિવ દેહના અંતિમ સંસ્કાર શરૂ, મહેબૂબા મુફ્તી અને સલમાન ખુર્શીદ સહિત ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ પહોંચ્યા ઈરાન

તેહરાન, તા.૦૩: ઈરાનના સ્વર્ગસ્થ સર્વોચ્ચ નેતા, આયાતુલ્લાહ સૈયદ અલી ખામેનીના અંતિમ સંસ્કાર રાજધાની તેહરાનમાં ભારે સુરક્ષા વચ્ચે શરૂ થઈ ગયા છે. આ ઐતિહાસિક અને ગંભીર ક્ષણના સાક્ષી બનવા માટે ભારત સહિત વિશ્વભરના અગ્રણી નેતાઓ અને રાજદ્વારીઓ તેહરાન પહોંચ્યા છે. ભારતમાં ઈરાની દૂતાવાસે સોશિયલ મીડિયા પર શેર કરેલી તસવીરોમાં એક અનોખો નજારો જોવા મળ્યો હતો, જ્યાં ભારતમાંથી ગયેલા હિન્દુ, મુસ્લિમ અને શીખ ધર્મના ધાર્મિક નેતાઓએ એકસાથે ખામેનીના શબપેટી પાસે ઉભા રહીને પ્રાર્થના (નમાઝ) અદા કરી હતી.
આ વૈશ્વિક શોક સભામાં ભારતીય રાજકારણનો મોટો ચહેરો અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તી તેમજ કોંગ્રેસના વિદેશ વિભાગના વડા સલમાન ખુર્શીદ પણ શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. નોંધનીય છે કે, જમ્મુ-કાશ્મીર અને લદ્દાખમાંથી આમંત્રિત કરાયેલા મહેબૂબા મુફ્તી એકમાત્ર બિન-શિયા રાજકારણી છે. આ ઉપરાંત ભારત સરકાર વતી વિદેશ રાજ્ય મંત્રી પાબિત્રા માર્ગેરિતા અને બિહારના રાજ્યપાલ લેફ્ટનન્ટ જનરલ (નિવૃત્ત) સૈયદ અતા હસનૈનનું સત્તાવાર પ્રતિનિધિમંડળ પણ ઈરાન પહોંચી ચૂક્યું છે.
ઇસ્લામિક કાયદા હેઠળ ૪ મહિના સુધી કેવી રીતે સાચવવામાં આવ્યો પાર્થિવ દેહ?
આયાતુલ્લાહ ખામેનીનું અવસાન ચાર મહિના પહેલા, ૨૮ ફેબ્રુઆરીના રોજ અમેરિકા અને ઈઝરાયેલી દળો સાથેના સંઘર્ષ દરમિયાન એક ભીષણ હવાઈ હુમલામાં થયું હતું. ઇસ્લામ ધર્મમાં મૃતદેહ પર કોઈ પણ પ્રકારના કેમિકલ (રસાયણો)ના ઉપયોગ પર સખત પ્રતિબંધ છે. આ સ્થિતિમાં શિયા કાયદાની વિશેષ જોગવાઈઓનો ઉપયોગ કરીને, તેમના શરીરને અત્યંત નીચા તાપમાનવાળા 'કોલ્ડ સ્ટોરેજ'માં સુરક્ષિત રાખવામાં આવ્યો હતો. હવે ૪ જુલાઈથી ૯ જુલાઈ સુધી તેમની અંતિમયાત્રા ઈરાન અને ઈરાકના વિવિધ પવિત્ર શહેરો જેવા કે તેહરાન, કોમ, મશહદ, નજફ અને કરબલામાંથી પસાર થશે.
સુરક્ષાના અભૂતપૂર્વ પ્રબંધો: પુત્ર મોજતબા પણ અંતિમ સંસ્કારથી દૂર રહેશે!
ઈરાનના ઇતિહાસમાં આ અત્યાર સુધીની સૌથી મોટી સુરક્ષા તૈનાતી છે. આકાશમાંથી હેલિકોપ્ટર અને વિમાનો દ્વારા ભીડ પર નજર રાખવામાં આવી રહી છે. ઈઝરાયેલ સાથે ચાલી રહેલા ભારે તણાવ અને સુરક્ષાના ગંભીર જોખમોને કારણે, ઈરાનના વર્તમાન સર્વોચ્ચ નેતા અને ખામેનીના પુત્ર મોજતબા ખામેની પોતે આ અંતિમ સંસ્કારમાં હાજર રહેશે નહીં. ૨૮ ફેબ્રુઆરીના હુમલામાં મોજતબા પણ ગંભીર રીતે દાઝી ગયા હોવાના અહેવાલો છે, જેના કારણે તેમના સ્વાસ્થ્ય પર હજુ પણ સસ્પેન્સ બનેલું છે.
હાલમાં તેહરાનની શેરીઓ કાળા કપડા પહેરેલા અને ઈરાની ધ્વજ લહેરાવતા લાખો લોકોથી ઉભરાઈ રહી છે. ચીન, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના તાલિબાન શાસન સહિત વિશ્વના લગભગ ૧૦૦ દેશોના પ્રતિનિધિઓ આ મહાનાયકને અંતિમ વિદાય આપવા માટે ગ્રાન્ડ મોસલ્લામાં એકઠા થયા છે.
(4:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
