<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 8th September 2026

૯૭ ડોલરને પાર થયું ક્રૂડઃ પેટ્રોલ-ડીઝલ મોંઘું થવાનું જોખમ વધ્‍યું

ઈરાન દ્વારા અમેરિકન નૌસેનાના યુદ્ધજહાજો પર બેલિસ્‍ટિક મિસાઇલ અને અમેરિકન સેનાએ ઈરાનના ત્રણ તેલ ટેન્‍કરો પર હુમલો કર્યા બાદ કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો

નવી દિલ્‍હી તા.૮: કાચા તેલની કિમતો ફરી એકવાર સામાન્‍ય લોકો અને નીતિ ઘડનારાઓની ચિતા વધારી રહી છે. અમેરિકા અને ઈરાને એકબીજા પર ફરીથી હુમલો કર્યા બાદ બ્રેન્‍ટ ક્રૂડ આજે ૦.૮ ટકા ઉછળીને ૧.૫% વધીને ૯૭.૮૮ ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયું છે. આ ૨૩ જુલાઈ બાદનું સૌથી ઊંચું સ્‍તર છે. અમેરિકન વેસ્‍ટ ટેક્‍સાસ ઇન્‍ટરમીડિયેટ (WTI) પણ ૯૨.૫૧ ડોલર પ્રતિ બેરલના સ્‍તરે પહોંચી ગયું છે.

ચિંતાની વાત એ છે કે ભારતીય બાસ્‍કેટની સરેરાશ કિમત કાચા તેલના વર્તમાન ભાવ કરતાં વધુ છે. ભારત હવે કાચું તેલ સરેરાશ ૯૯.૩૮ ડોલર પ્રતિ બેરલના ભાવે ખરીદી રહ્યું છે. ગયા શુક્રવારે તો આ કિમત ૧૦૧ ડોલર પ્રતિ બેરલ સુધી પહોંચી ગઈ હતી.

ભારતીય બાસ્‍કેટની સરેરાશ કિમત જૂનમાં ૮૩ ડોલર પ્રતિ બેરલ, જુલાઈમાં ૮૨ ડોલર અને ઓગસ્‍ટમાં ૯૦ ડોલર પ્રતિ બેરલ રહી હતી. ઈરાન દ્વારા અમેરિકન નૌસેનાના યુદ્ધજહાજો પર બેલિસ્‍ટિક મિસાઇલ અને અમેરિકન સેનાએ ઈરાનના ત્રણ તેલ ટેન્‍કરો પર હુમલો કર્યા બાદ કાચા તેલના ભાવમાં જોરદાર ઉછાળો આવ્‍યો છે. અમેરિકાના સંરક્ષણ મંત્રી પીટ હેગસેથે ચેતવણી આપી કે જો ઈરાને અમેરિકન જહાજોને નિશાન બનાવ્‍યા તો તેના ટેન્‍કરોને સમુદ્રમાં ડૂબાડી દેવામાં આવશે. બીજી તરફ, ઈરાની સંસદના અધ્‍યક્ષ મોહમ્‍મદ બાકેર ગાલિબાફે કહ્યું કે જો ઈરાનના જહાજો પર હુમલો કરવામાં આવ્‍યો તો તે જડબાતોડ જવાબ આપશે.

અરામકો પર હુમલો - આ દરમિયાન સાઉદી અરેબિયાના જિઝાન સ્‍થિત દરરોજ ૪ લાખ બેરલ ઉત્‍પાદન ક્ષમતા ધરાવતી અરામકો રિફાઇનરી પર પણ હુમલો થયાના સમાચાર આવ્‍યા છે. જો હુમલામાં રિફાઇનરીને વધુ નુકસાન થયું તો આગામી દિવસોમાં તેલના પુરવઠા પર મોટું સંકટ ઊભું થઈ શકે છે.

ભારત પર બેવડો માર - કાચા તેલના વધતા ભાવની ભારત પર ગંભીર અસર પડી છે. મધ્‍ય પૂર્વમાંથી ઘટતો પુરવઠો અને હોર્મુઝ જળમાર્ગમાં જહાજોની અવરજવર પર રહેલા જોખમને કારણે ભારતની મુશ્‍કેલીઓ અનેક ગણી વધી ગઈ છે. સાઉદી અરેબિયાના રાસ તનુરાથી ભારત આવતા દરિયાઈ માર્ગ પર માલભાડું ૨૮ ફેબ્રુઆરી બાદથી ૪૦૦% થી વધુ વધી ગયું છે. એપ્રિલ-જૂન ત્રિમાસિકમાં આયાતનું પ્રમાણ ઓછું હોવા છતાં ભારતે ગયા વર્ષની સરખામણીમાં તેલ માટે ૬૦% વધુ રકમ ચૂકવવી પડી છે.

 

(10:38 AM IST)