<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 5th August 2026

હોર્મુઝમાં સમાધાનની આશાએ ક્રૂડમાં કડાકો: બ્રેન્ટ ૮૦ ડોલર નીચે, ત્રણ અઠવાડિયાના તળિયે

હોર્મુઝ ફરી ખોલવા અંગે અમેરિકાના નાણામંત્રીએ આજે અથવા કાલે કરાર થવાની સંભાવના વ્યક્ત કરી: તો મધ્યસ્થી કરી રહેલા કતારે રાજદ્વારી પ્રયાસોમાં પ્રગતિ થઈ હોવાનું જાહેર કર્યું

નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ઓઇલ બજારમાં મંગળવારે મોટો કડાકો બોલતાં વૈશ્વિક બેન્ચમાર્ક બ્રેન્ટ ક્રૂડનો ભાવ ૫.૩ ટકા ઘટીને ૭૯.૩૬ ડોલર પ્રતિ બેરલ પર બંધ થયો હતો. અમેરિકન ક્રૂડનો ભાવ પણ ૫.૭ ટકા ગબડીને ૭૫.૭૭ ડોલર પ્રતિ બેરલ થયો હતો. બંને ક્રૂડના ભાવ ત્રણ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા છે. જોકે બુધવારે વહેલી એશિયન બજારમાં બ્રેન્ટ ૨૬ સેન્ટ સુધરીને ૭૯.૬૨ ડોલર અને અમેરિકન ક્રૂડ ૭૫.૯૦ ડોલર પ્રતિ બેરલ પર પહોંચ્યું હતું.

 

ભાવમાં આવેલા કડાકા પાછળ અમેરિકા અને ઈરાન વચ્ચે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ફરી ખોલવા અંગે સમજૂતી થવાની આશા મુખ્ય કારણ બની છે. અમેરિકાના નાણામંત્રીએ આજે અથવા કાલે કરાર થવાની સંભાવના વ્યક્ત કરી હતી, જ્યારે મધ્યસ્થી કરી રહેલા કતારે રાજદ્વારી પ્રયાસોમાં પ્રગતિ થઈ હોવાનું જણાવ્યું છે. જોકે ઈરાને અમેરિકા સાથે સીધી વાટાઘાટો ચાલી રહી હોવાના દાવાને નકાર્યો હોવાથી હજી સુધી કોઈ અંતિમ કરારની સત્તાવાર જાહેરાત થઈ નથી.

હોર્મુઝ જળમાર્ગમાંથી સંઘર્ષ પહેલાં વિશ્વના આશરે ૨૦ ટકા ઓઇલ અને કુદરતી ગેસનું પરિવહન થતું હતું. જળમાર્ગ ફરી સામાન્ય રીતે ખૂલવાની શક્યતાથી પુરવઠા અંગેનું જોખમ ઘટવાની ધારણાએ ઓઇલના ભાવ નીચે ખેંચ્યા છે. જોકે જળમાર્ગ ઉપર નિયંત્રણ, જહાજો પાસેથી સેવા શુલ્ક વસૂલવા તથા સુરક્ષાની વ્યવસ્થા જેવા મુદ્દાઓ હજી વણઉકેલાયેલા હોવાથી બજારમાં ભારે વધઘટ ચાલુ રહી શકે છે.

ક્રૂડના નીચા ભાવ ભારત જેવા મોટા ઓઇલ આયાતકાર દેશ માટે આયાત ખર્ચ અને મોંઘવારીના દબાણમાં રાહતરૂપ બની શકે છે. જોકે આંતરરાષ્ટ્રીય ભાવમાં ઘટાડો લાંબો સમય ટક્યા પછી જ પેટ્રોલ અને ડીઝલના છૂટક ભાવ ઉપર તેની અસર થવાની શક્યતા રહે છે.

(9:34 AM IST)