તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 11th April 2026
દુર્ગમાં હેવાનિયતની હદ વટાવી: 5 વર્ષની બાળકીને ચોકલેટની લાલચ આપી દુષ્કર્મ ગુજાર્યું, પુરાવા મિટાવવા માસૂમને કોથળામાં પૂરી કૂવા પાસે ફેંકી દીધી!
માસૂમની ચીસ ઓશીકાના કવર નીચે દબાવી નરાધમે આચર્યું પાપ: બે કલાકની શોધખોળ બાદ હલતા કોથળાએ ખોલ્યું પાપનું પોટલું, આરોપીની ધરપકડ થતા ગ્રામજનોએ પોલીસ સ્ટેશન ઘેર્યું

દુર્ગ: છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં એક 35 વર્ષીય નરાધમે પાંચ વર્ષની બાળકી સાથે એવી ક્રૂરતા આચરી છે કે જે સાંભળીને કોઈપણનું કાળજું કંપી ઉઠે. ઉટાઈ પોલીસ સ્ટેશન વિસ્તારના એક ગામમાં શુક્રવારે બપોરે બનેલી આ ઘટનાએ સમગ્ર પંથકમાં ભારે રોષ અને ગભરાટ ફેલાવી દીધો છે. હેવાનિયતનો શિકાર બનેલી બાળકી અત્યારે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ચોકલેટ આપવાના બહાને અપહરણ
મળતી માહિતી મુજબ, શુક્રવારે બપોરે માસૂમ બાળકી શાળાએથી ઘરે પરત ફરી હતી અને ત્યારબાદ નજીકની દુકાનમાં ચોકલેટ લેવા ગઈ હતી. ત્યાં હાજર આરોપી ધનેશ્વર સાહુ (35) એ માસૂમને લલચાવીને પોતાના ઘરે લઈ ગયો હતો. બાળકી લાંબા સમય સુધી ઘરે પરત ન ફરતા પરિવારજનોએ ચિંતાતુર થઈ ગામલોકો સાથે મળી શોધખોળ શરૂ કરી હતી.
કોથળામાં બંધ હાલતમાં મળી બાળકી
આશરે બે કલાકની શોધખોળ બાદ ગામના બે યુવાનોને કૂવા પાસે પડેલા એક શંકાસ્પદ કોથળામાં હિલચાલ દેખાઈ હતી. જ્યારે તેમણે કોથળો ખોલ્યો ત્યારે અંદરનું દ્રશ્ય જોઈને તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. માસૂમ બાળકીનું મોઢું ઓશીકાના કવરથી બાંધેલું હતું અને તે ગંભીર હાલતમાં હતી. નરાધમે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ તેને મરેલી સમજીને કોથળામાં ભરી કૂવા પાસે ફેંકી દીધી હતી.
આરોપીની ધરપકડ અને લોકરોષ
પોલીસ અધિકારી અનૂપ લાકરાએ જણાવ્યું હતું કે મેડિકલ તપાસમાં બાળકી પર બળાત્કાર થયો હોવાની પુષ્ટિ થઈ છે. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને આરોપી ધનેશ્વર સાહુની ધરપકડ કરી લીધી છે. આ ઘટનાની જાણ થતા જ ગુસ્સે ભરાયેલા ગ્રામજનોએ મોટી સંખ્યામાં પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને આરોપીને તાત્કાલિક ફાંસીની સજા આપવાની માગણી કરી હતી.
હાલમાં ફોરેન્સિક ટીમ દ્વારા ઘટનાસ્થળેથી પુરાવા એકત્ર કરવામાં આવ્યા છે અને બાળકીની હાલત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે આ મામલે વધુ તપાસ તેજ કરી છે જેથી નરાધમને કડક સજા અપાવી શકાય.
(9:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
