તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ક્રૂઝ પર હંટાવાયરસનો કહેરઃ બર્ડ વોચિંગ ટૂર બની જીવલેણઃ ચાર ખંડોમાં હાહાકાર
આર્જેન્ટિનાના જંગલોથી શરૂ થયેલો રહસ્યમય વાયરસ ડચ દંપતી સહિત ત્રણના ભોગ લીધા બાદ હવે વૈશ્વિક સ્તરે ચિંતાનો માહોલ

નવી દિલ્હી, તા.૮: લક્ઝરી સફર માણી રહેલા પ્રવાસીઓ માટે એક ડરનું વાતાવરણ સર્જાયું છે. એમવી હોન્ડિયસ નામનું ક્રૂઝ જહાજ હાલમાં એક ગંભીર સ્વાસ્થ્ય કટોકટીનું કેન્દ્ર બન્યું છે. આર્જેન્ટિનાના તપાસકર્તાઓનું માનવું છે કે આ જીવલેણ હંટાવાયરસની શરૂઆત જહાજ પર નહીં, પરંતુ જહાજમાં ચઢતા પહેલા આર્જેન્ટિનાના દક્ષિણ ભાગમાં આયોજિત એક પક્ષી નિરીક્ષણ પ્રવાસ દરમિયાન થઈ હતી. તપાસ અધિકારીઓને શંકા છે કે એક ડચ દંપતી આ પ્રવાસ દરમિયાન ચેપગ્રસ્ત ઉંદરના સંપર્કમાં આવ્યું હતું, જે બાદમાં આખા જહાજ માટે કાળ સમાન સાબિત થયું. અત્યાર સુધીમાં આ વાયરસના કારણે ડચ દંપતી અને એક જર્મન નાગરિક સહિત કુલ ત્રણ લોકોના કરૂણ મોત નિપજ્યા છે, જેનાથી આંતરરાષ્ટ્રીય સ્તરે ખળભળાટ મચી ગયો છે.
આ ઘટનાની સૌથી ચિંતાજનક બાબત એ છે કે પ્રથમ મળત્યુ થયાના બે અઠવાડિયા બાદ પણ સુરક્ષાના પૂરતા પગલાં લેવામાં વિલંબ થયો હતો. ડચ ક્રૂઝ કંપની ઓશનવાઇડ એક્સપિડિશન્સના અહેવાલ મુજબ, આશરે બે ડઝનથી વધુ મુસાફરો કોઈપણ પ્રકારના હેલ્થ સ્ક્રીનિંગ કે સંપર્ક ટ્રેસિંગ વિના જ જહાજમાંથી ઉતરી ગયા હતા અને પોતપોતાના દેશોમાં પરત ફર્યા હતા. હાલમાં ચાર ખંડોના આરોગ્ય અધિકારીઓ આ મુસાફરોને શોધવા માટે રાત-દિવસ મહેનત કરી રહ્યા છે. હંટાવાયરસના લક્ષણો દેખાતા એક થી આઠ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે, જેનો અર્થ એ છે કે જે લોકો અત્યારે સ્વસ્થ દેખાઈ રહ્યા છે, તેઓ પણ આ વાયરસના વાહક હોઈ શકે છે. કેપ વર્ડેના પ્રેયા બંદર પર પીપીઈ કિટ પહેરેલા સ્વાસ્થ્ય કર્મચારીઓ દ્વારા દર્દીઓને એમ્બ્યુલન્સમાં ખસેડવાની તસવીરો આ ગંભીરતાને સ્પષ્ટ કરે છે.
જોકે, વિશ્વ આરોગ્ય સંગઠન એ સામાન્ય જનતાને ગભરાવાની જરૂર નથી તેવી સલાહ આપી છે. ડૉ. અબ્દિરહમાન મહમુદે સ્પષ્ટતા કરી છે કે હંટાવાયરસ સામાન્ય રીતે એક માણસથી બીજા માણસમાં ઝડપથી ફેલાતો નથી, પરંતુ તે ચેપગ્રસ્ત ઉંદરના મળ-મૂત્રના કણો શ્વાસમાં લેવાથી ફેલાય છે. જોકે આર્જેન્ટિનાના એન્ડીસ પ્રદેશમાં જોવા મળતા અમુક પ્રકારના હંટાવાયરસમાં માનવ-થી-માનવ સંક્રમણની શકયતા રહેલી છે, જે તપાસનો વિષય છે. હાલમાં જહાજ પર બાકી રહેલા અન્ય મુસાફરોમાં કોઈ લક્ષણો દેખાયા નથી, પરંતુ વૈશ્વિક આરોગ્ય સંસ્થાઓ કોન્ટેક્ટ ટ્રેસિંગ પર ભાર મૂકી રહી છે જેથી આ બીમારીને મહામારી બનતી અટકાવી શકાય. (
(2:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
