તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 8th May 2026
ક્રૂઝ શિપ પર 'હન્ટાવાયરસ'નો આતંક: ઈમરજન્સી એર લિફ્ટ કરાયેલા ગંભીર દર્દી સાથેનું વિમાન એમસ્ટરડેમમાં લેન્ડ થયું
કેપ વર્ડેના દરિયાકાંઠે મધદરિયેથી દિલધડક રેસ્ક્યુ: બીમાર મુસાફરને સારવાર માટે નેધરલેન્ડ ખસેડાયો, ક્રૂઝ ઓપરેટરે દર્દીની હાલત સ્થિર હોવાની પુષ્ટિ કરી

એમસ્ટરડેમ: એક તરફ દુનિયા હજુ જૂની મહામારીઓમાંથી બહાર આવી રહી છે, ત્યાં બીજી તરફ 'હન્ટાવાયરસ'ના ખતરાએ ફાળ પાડી છે. હન્ટાવાયરસથી પ્રભાવિત એક ક્રૂઝ શિપમાંથી ઈમરજન્સી ધોરણે બહાર કાઢવામાં આવેલા બીમાર મુસાફરને લઈને એક એર એમ્બ્યુલન્સ ગુરુવારે એમસ્ટરડેમમાં લેન્ડ થઈ હતી. આ વિસ્ફોટક સ્થિતિ ત્યારે સર્જાઈ જ્યારે આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા કેપ વર્ડે ટાપુઓ પાસે મધદરિયે ક્રૂઝ શિપ પર સવાર મુસાફરની તબિયત લથડી હતી.
મળતી વિગતો મુજબ, આ એર એમ્બ્યુલન્સ સ્થાનિક સમય મુજબ સવારે 08:54 વાગ્યે શિફોલ એરપોર્ટ પર ઉતરી હતી. ફ્લાઈટ ટ્રેકિંગ વેબસાઈટ 'ફ્લાઈટ રડાર 24' એ પણ આ વિમાનના સફળ ઉતરાણની પુષ્ટિ કરી છે. શિપ ઓપરેટર 'ઓશનવાઈડ એક્સપિડિશન્સ' (Oceanwide Expeditions) એ જણાવ્યું હતું કે, મુસાફરની હાલત હાલ સ્થિર છે અને તેને વધુ સારી તબીબી સારવાર માટે નેધરલેન્ડ લાવવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, આ જ ક્રૂઝ શિપ પરથી અન્ય બે મુસાફરોને બુધવારે મોડી રાત્રે એમસ્ટરડેમ લાવવામાં આવ્યા હતા. હન્ટાવાયરસ સામાન્ય રીતે ઉંદર જેવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે અને તે માનવીઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. ક્રૂઝ શિપ પર આ વાયરસ કેવી રીતે પહોંચ્યો અને અન્ય કેટલા લોકો તેના સંપર્કમાં આવ્યા છે, તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. હાલમાં એરપોર્ટ અને હોસ્પિટલ બંને જગ્યાએ ચુસ્ત મેડિકલ પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું છે.
(6:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
