News of Friday, 6th November 2026
યુપીઆઈથી ચુકવણી કરનારા ગ્રાહકો પાસેથી વધારાનો ચાર્જ વસૂલી નહીં શકાય : સુપ્રીમ કોર્ટમાં મહત્વની સ્પષ્ટતા
એનપીસીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. ગંભીર કિસ્સામાં યુપીઆઈ સભ્યપદ અને સેવાઓ પણ બંધ થઈ શકે છે. : ૨,૦૦૦ રૂપિયાથી વધુની પસંદગીની વેપારી લેવડદેવડ પર ૦.૪ ટકા ચાર્જની જોગવાઈ : ૯૬ ટકા વેપારીવ્યવહારો મફત રહેશે : નિયમ તોડનાર બેન્કો અને પેમેન્ટ કંપનીઓ સામે કડક કાર્યવાહીની ચેતવણી*

નવી દિલ્હી, તા. ૬ : નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ સુપ્રીમ કોર્ટમાં સોગંદનામું રજૂ કરીને સ્પષ્ટ કર્યું છે કે વેપારીઓ યુપીઆઈ વ્યવહારોનો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ ગ્રાહકો પાસેથી વસૂલી શકશે નહીં. પેમેન્ટ એપ્લિકેશનો પણ પ્લેટફોર્મ ફી કે અન્ય વધારાનો ચાર્જ લગાવી શકશે નહીં. સુધારેલા નિયમ હેઠળ અંદાજે ૯૬ ટકા વેપારી વ્યવહારો મફત રહેશે. જોકે નવી ચાર્જ વ્યવસ્થાનો અમલ દિવાળી પછી સુધી મોકૂફ રાખવામાં આવ્યો છે.
દેશમાં કરોડો લોકો દ્વારા ઉપયોગમાં લેવાતી યુપીઆઈ પેમેન્ટ વ્યવસ્થા અંગે સુપ્રીમ કોર્ટમાં મહત્વપૂર્ણ વિગતો રજૂ થઈ છે. નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ તા. ૩ નવેમ્બરે દાખલ કરેલા સોગંદનામામાં જણાવ્યું છે કે વેપારીઓ ઉપર લાગુ થનારો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ એટલે કે એમડીઆર ગ્રાહકો ઉપર નાખી શકાશે નહીં.
સુધારેલા માળખા મુજબ પસંદગીના વેપારી વ્યવહારોમાં ૨,૦૦૦ રૂપિયાથી વધુની ચુકવણી ઉપર મહત્તમ ૦.૪ ટકા એમડીઆર લાગુ કરવાની જોગવાઈ છે. ૭૫,૦૦૦ રૂપિયા કે તેથી વધુના વ્યવહાર માટે મહત્તમ ચાર્જ ૩૦૦ રૂપિયા નક્કી કરાયો છે. જોકે વ્યક્તિથી વ્યક્તિને થતા તમામ યુપીઆઈ વ્યવહારો રકમ ગમે તેટલી હોય તો પણ મફત રહેશે.
નાના વેપારીઓ, શેરીના ફેરિયાઓ તથા દર મહિને યુપીઆઈ મારફતે એક લાખ રૂપિયા સુધીની આવક મેળવતા પાત્ર વેપારીઓને પણ આ ચાર્જમાંથી મુક્તિ આપવામાં આવી છે. રેલવે, ટેલિકોમ, વીમા, ઇંધણ અને કૃષિ સંબંધિત પસંદગીના વ્યવહારો માટે અલગ રાહતદરે ચાર્જની જોગવાઈ છે.
એનપીસીઆઈએ સુપ્રીમ કોર્ટને જણાવ્યું છે કે બેન્કો, પેમેન્ટ સર્વિસ પ્રોવાઇડર્સ અને થર્ડ પાર્ટી એપ્લિકેશન કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરશે તો તેમની સામે કાર્યવાહી થઈ શકે છે. ગંભીર કિસ્સામાં યુપીઆઈ સભ્યપદ અને સેવાઓ પણ બંધ થઈ શકે છે.
આ મામલે દાખલ જાહેરહિતની અરજીમાં નવા ચાર્જથી વેપારીઓ અને ગ્રાહકો ઉપર આર્થિક બોજ વધવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. જોકે એનપીસીઆઈનું કહેવું છે કે યુપીઆઈ વ્યવસ્થાની જાળવણી, સાયબર સુરક્ષા અને ટેકનોલોજીના વિકાસ માટે મર્યાદિત ચાર્જ જરૂરી છે. સુપ્રીમ કોર્ટે અગાઉ વચગાળાનો સ્ટે આપવાનો ઇનકાર કર્યો હતો. કેસમાં અંતિમ ચુકાદો આવ્યો નથી.
નવી ચાર્જ વ્યવસ્થા મૂળ ૧૫ ઓક્ટોબરથી અમલમાં આવવાની હતી, પરંતુ ૧૩ ઓક્ટોબરે તેનો અમલ દિવાળી પછી સુધી મોકૂફ રાખવામાં આવ્યો હતો. નવી અમલવારીની તારીખ અલગથી જાહેર કરવાની છે.
(9:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
