તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 5th November 2026
ફ્રાન્સમાં બ્લડ બેન્કના કોલ્ડ સ્ટોરેજ પર હેકર્સનો સાયબર હુમલો, ફ્રીઝરનું તાપમાન વધારવાનો નિષ્ફળ પ્રયાસ
અલાર્મ સિસ્ટમની સમયસૂચકતાને કારણે લાખો દર્દીઓનો જીવનરક્ષક રક્તજથ્થો બચી ગયો, ડિફોલ્ટ પાસવર્ડની સુરક્ષા ખામીનો લાભ ઉઠાવ્યો હતો હેકર્સોએ

પેરિસ : ફ્રાન્સમાં તાજેતરમાં સાયબર સુરક્ષાને લગતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હેકરો દ્વારા એક અતિસંવેદનશીલ બ્લડ બેન્કના કોલ્ડ સ્ટોરેજ સિસ્ટમને નિશાન બનાવીને ફ્રીઝરનું તાપમાન માઇનસ ૩૦ ડિગ્રીથી અચાનક ૧૧૦ ડિગ્રી સુધી વધારવાનો નિષ્ફળ પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઘટનાની વિગતો અનુસાર, ફ્રેન્ચ બ્લડ એસ્ટેબ્લિશમેન્ટના સંચાલન હેઠળની આ બ્લડ બેન્કમાં રાખવામાં આવેલા કિંમતી બ્લડ અને પ્લાઝમાના સેમ્પલોને નષ્ટ કરવાના હેતુથી હેકર્સોએ સિસ્ટમમાં ઘૂસણખોરી કરી હતી, પરંતુ સમયસર સક્રિય થયેલી એલાર્મ સિસ્ટમને કારણે મોટો અનર્થ ટળી ગયો હતો.
પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે હેકર્સોએ સિસ્ટમમાં પ્રવેશ મેળવવા માટે ડિફોલ્ટ પાસવર્ડનો દુરુપયોગ કર્યો હતો, જે દર્શાવે છે કે મશીન ઇન્સ્ટોલ કર્યા બાદ સુરક્ષા પાસવર્ડ બદલવામાં આવ્યો ન હતો અને ઇન્ટરનેટ સાથે જોડાયેલા આ ડિવાઇસમાં સુરક્ષાની ખામીઓ હતી.
કોલ્ડ સ્ટોરેજમાં લાગેલા અદ્યતન મોનિટરિંગ અને એલાર્મ સેન્સરને કારણે તાપમાનમાં થયેલા આ અસામાન્ય ફેરફારનો તરત જ ખ્યાલ આવી ગયો હતો, જેનાથી સ્ટાફને તાત્કાલિક પગલાં લેવાનો સમય મળ્યો અને સુરક્ષા દળ દ્વારા પ્લાઝમાને તુરંત અન્ય સુરક્ષિત સ્થાને ખસેડવામાં આવ્યો હતો.
આ ગંભીર સાયબર જોખમને ધ્યાનમાં રાખીને ફ્રાન્સની સરકારી સાયબર સુરક્ષા એજન્સી દ્વારા અગાઉ ૧૨ ઓક્ટોબરે જ રેફ્રિજરેશન કંટ્રોલર્સને લક્ષ્ય બનાવીને સંભવિત હુમલાઓ અંગે વિશેષ ચેતવણી પણ જારી કરવામાં આવી હતી, જેમાં જૂના સોફ્ટવેર અને ડિફોલ્ટ પાસવર્ડના જોખમો વિશે માર્ગદર્શન અપાયું હતું.
આ ઘટના બાદ સ્વાસ્થ્ય સંસ્થાઓ અને હોસ્પિટલોની ડિજિટલ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવી રહી છે, જેથી ભવિષ્યમાં તબીબી માળખા પર આવા હુમલાઓ રોકી શકાય અને દર્દીઓની જીવનરક્ષક સામગ્રી સંપૂર્ણપણે સુરક્ષિત રહી શકે.
(8:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
