તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Friday, 19th June 2026
સાયબર ગુનેગારો પર દિલ્હી પોલીસનો રૌદ્ર અવતાર: 'ઓપરેશન સાયહોક 5.0' હેઠળ દેશભરમાંથી ૯૧૬ ઠગોની ધરપકડ, બે નાઇજિરિયન નાગરિકો પણ સકંજામાં!
૨૧ રાજ્યોમાં ૭૧૫ ટીમોના એકસાથે દરોડા; ટેલિગ્રામ અને વોટ્સએપ દ્વારા ઓનલાઈન કૌભાંડ ચલાવતી ગેંગના નેટવર્કને ધ્વસ્ત કરી કરોડોના ગેજેટ્સ અને ૨૧ લાખ રોકડા જપ્ત

નવી દિલ્હી, : દેશમાં વધી રહેલા ડિજિટલ કૌભાંડો અને ઓનલાઈન નાણાકીય છેતરપિંડી આચરતા સાયબર માફિયાઓ સામે દિલ્હી પોલીસે અત્યાર સુધીની સૌથી મોટી અને અભૂતપૂર્વ કાર્યવાહી કરી છે. દિલ્હી પોલીસના વિશેષ સાયબર સેલ દ્વારા ચલાવવામાં આવેલા મેગા સર્ચ ઓપરેશન 'ઓપરેશન સાયહોક 5.0' (Operation Cyhawk 5.0) હેઠળ દેશના અલગ-અલગ ખૂણેથી કુલ ૯૧૬ શાતિર સાયબર ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે. આ ઓપરેશને દેશભરના ઓનલાઈન ઠગ ટોળકીઓમાં ફફડાટ મચાવી દીધો છે.
૨૧ રાજ્યોમાં સપાટો: ૭૧૫ ટીમોનું મહા-ઓપરેશન
ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન્સ (IFSO) ના સંયુક્ત પોલીસ કમિશનર રજનીશ ગુપ્તાએ મીડિયાને માહિતી આપતા જણાવ્યું હતું કે, આ મહિનાની ૧૬મી તારીખે બે દિવસીય રાષ્ટ્રવ્યાપી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. આ મેગા મિશનને અંજામ આપવા માટે પોલીસની નાની-મોટી ૭૧૫ દરોડા પાડતી ટીમો બનાવવામાં આવી હતી. આ ટીમોએ એકસાથે દિલ્હી સહિત દેશના ૨૧ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં પૂર્વઆયોજિત લોકેશન્સ પર ત્રાટકીને હાઈટેક સાયબર ગુનેગારોને દબોચી લીધા હતા.
વિદેશી કનેક્શન અને કરોડોનો મુદ્દામાલ જપ્ત
દરોડા દરમિયાન પોલીસે ગુનામાં વપરાતા ડિજિટલ હથિયારોનો મોટો જથ્થો રિકવર કર્યો છે, જેમાં ૧૦૫ હાઈ-એન્ડ લેપટોપ, ૭૫૭ એન્ડ્રોઇડ અને આઇફોન મોબાઈલ, એક વૈભવી કાર અને આશરે ૨૧ લાખ રૂપિયાની રોકડ રકમનો સમાવેશ થાય છે. આ આંતરરાષ્ટ્રીય કૌભાંડમાં સંડોવાયેલા બે નાઇજિરિયન નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ વિદેશી ઠગોના વિઝા અને કાનૂની દસ્તાવેજો રદ કરીને તેમને ભારતમાંથી ડિપોર્ટ (દેશનિકાલ) કરવાની આકરી કાનૂની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે.
ટેલિગ્રામ અને વોટ્સએપ બન્યા હતા ગુનાના અડ્ડા
દિલ્હી પોલીસના ચોંકાવનારા ખુલાસા મુજબ, આ સાયબર ઠગો નિર્દોષ લોકોને નિશાન બનાવવા માટે સૌથી વધુ ટેલિગ્રામ (Telegram) અને વોટ્સએપ (WhatsApp) ચેનલોનો ઉપયોગ કરતા હતા. પાર્ટ-ટાઇમ જોબ, ઇન્વેસ્ટમેન્ટ પર ડબલ રિટર્ન, ફિશિંગ એટેક અને ડિજિટલ અરેસ્ટ જેવા હથિયારો વાપરીને સંગઠિત સાયબર ક્રાઈમ નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું હતું. પોલીસ કમિશનરે લોકોને અપીલ કરી છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા નંબરો પરથી આવતી લિંક્સ કે ઓફર્સથી સાવધ રહેવું, કારણ કે આ નેટવર્ક ખૂબ ઊંડે સુધી ફેલાયેલું છે.
(8:13 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
