<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

દહી હાંડીની મજાક પડી ભારે: અભિનેતા સંજય દત્તે મંત્રી પ્રતાપ સરનાઈકને ફોન કરીને મરાઠી ટિપ્પણીઓ પર માંગી માફી!

યરવડા જેલના નિવેદનથી સોશિયલ મીડિયા પર શરૂ થયો હતો વિવાદ; બાળ ઠાકરેના પરિવાર સાથેના જૂના સંબંધોને યાદ કરીને દત્તે સ્પષ્ટતા કરી કે તે મરાઠી ભાષા સારી રીતે જાણે છે

મુંબઈ : બોલિવૂડ અભિનેતા સંજય દત્તે થાણેના એક દહી હાંડી કાર્યક્રમમાં મરાઠી ભાષા અને જેલવાસ અંગે કરેલી ટિપ્પણીઓને લઈને ઊભો થયેલા વિવાદ મામલે ખુલાસો કર્યો છે. અભિનેતાએ ગુરુવારે મહારાષ્ટ્રના મંત્રી પ્રતાપ સરનાઈકને ફોન કરીને પોતાની ટિપ્પણીઓ પર સ્પષ્ટતા કરી હતી અને જણાવ્યું હતું કે તેમનો ઉદ્દેશ્ય કોઈની લાગણી દુભવવાનો નહોતો પરંતુ તેઓ માત્ર મજાક કરી રહ્યા હતા. જો તેમના શબ્દોથી કોઈ ખોટો સંદેશો ગયો હોય તો તેમણે તે બદલ માફી પણ માંગી છે.

 

શું હતો સમગ્ર વિવાદ અને મરાઠી ભાષા પર ટિપ્પણી?

 

પ્રતાપ સરનાઈકના સંસ્કૃતિ યુવા પ્રતિષ્ઠાન દ્વારા થાણેમાં આયોજિત ભવ્ય દહી હાંડી ઉત્સવમાં સંજય દત્ત, સુનીલ શેટ્ટી અને ક્રિકેટર સૂર્યકુમાર યાદવ સહિતની અનેક દિગ્ગજ હસ્તીઓ ઉપસ્થિત રહી હતી. કાર્યક્રમ દરમિયાન મંત્રી પ્રતાપ સરનાઈકના મરાઠી ભાષાના આગ્રહ સામે સંજય દત્તે મંચ પરથી કહ્યું હતું કે, "યરવડા જેલમાં ૬ વર્ષ વિતાવવા છતાં હું મરાઠી શીખી શક્યો નથી." દત્તનું આ નિવેદન સોશિયલ મીડિયા પર વાઈરલ થતાં જ ભારે ચર્ચા જાગી હતી અને લોકોએ તેમની આલોચના શરૂ કરી હતી.

 

બાળ ઠાકરેના સમર્થનને યાદ કરી અને મુંબઈકર હોવાનો દાવો

 

વિવાદ વધ્યા બાદ સંજય દત્તે પ્રતાપ સરનાઈક સાથે 'પ્રતાપ ભાઈ, જય મહારાષ્ટ્ર' કહીને વાતચીત શરૂ કરી હતી. તેમણે સ્પષ્ટતા કરી હતી કે તેમનો પરિવાર મુંબઈકર રહ્યો છે અને તેઓ મહારાષ્ટ્રમાં જ મોટા થયા છે, જેથી તેઓ મરાઠી ભાષા સારી રીતે જાણે છે. આ વાતચીત દરમિયાન દત્તે શિવસેનાના સ્થાપક સ્વર્ગસ્થ બાળસાહેબ ઠાકરેને પણ યાદ કર્યા હતા અને કહ્યું હતું કે તેમના મુશ્કેલ સમયમાં ઠાકરે પરિવાર અને શિવસેના હંમેશા તેમની પડખે મજબૂતીથી ઊભા રહ્યા હતા.

(8:58 PM IST)