તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
દલાલ સ્ટ્રીટ પર બ્લેક-વેડનસ્ડે: શેરબજારમાં ભૂકંપથી રોકાણકારોના ₹૮ લાખ કરોડ સ્વાહા, સેન્સેક્સ ૧૬૫૦ અને નિફ્ટી ૫૦૦ પોઈન્ટ તૂટ્યા: ૭૬,૫૨૨ અને ૨૩,૮૯૭ પર બંધ
યુએસ-ઈરાન યુદ્ધ અને ક્રૂડ ઓઈલના ભડકે બળતા ભાવે બજારનું કમરતોડ નુકસાન કર્યું; જાણો બજારને પછાડનારા અર્થતંત્રના ૫ મોટા કારણો

મુંબઈ, તા.૦૮: ભારતીય શેરબજાર માટે બુધવારનો દિવસ બ્લેક-વેડનસ્ડે સાબિત થયો છે અને દલાલ સ્ટ્રીટ પર ભારે રક્તપાત જોવા મળ્યો છે. વૈશ્વિક મોરચે અમેરિકા અને ઇરાન વચ્ચે વધતા યુદ્ધના તણાવ અને ક્રૂડ ઓઇલની કિંમતોમાં આવેલા તોતિંગ ઉછાળાના કારણે ભારતીય શેરબજાર ગભરાટમાં આવી ગયું હતું. બજાર ખુલતાની સાથે જ મોટા કડાકા સાથે ગેપ-ડાઉન ઓપનિંગ થયું હતું અને જોતજોતામાં મુખ્ય બેન્ચમાર્ક સૂચકાંકો ૨% થી વધુ તૂટી પડ્યા હતા. બજારના કુલ ૧૬ મુખ્ય ક્ષેત્રો (સેક્ટર્સ) માંથી ૧૩ સેક્ટર્સ લાલ નિશાનમાં એટલે કે ભારે નુકસાન સાથે બંધ થયા હતા. આ ચોંકાવનારી વેચવાલીના કારણે રોકાણકારોની સંપત્તિમાં એક જ દિવસમાં ₹૮ લાખ કરોડનો મોટો ધબડકો થયો છે.
આજના કારોબારમાં બીએસઈ (BSE) સેન્સેક્સ ૭૭,૮૧૬ પર ખુલ્યા બાદ ઇન્ટ્રાડેમાં ૧૬૫૮ પોઈન્ટ ગગડીને ૭૬,૨૫૯ ની નીચી સપાટીએ પહોંચી ગયો હતો અને અંતે ૧૬૫૦ પોઈન્ટના નુકસાન સાથે ૭૬,૫૨૨ પર બંધ રહ્યો હતો. તેવી જ રીતે, એનએસઈ (NSE) નિફ્ટી-૫૦ ઇન્ડેક્સ પણ ઇન્ટ્રાડેમાં ૫૦0 પોઈન્ટના કડાકા સાથે ૨૪,૦૦૦ ની મનોવૈજ્ઞાનિક સપાટી તોડીને ૨૩,૮૯૭ પર બંધ આવ્યો હતો. બેંક નિફ્ટી પણ આ મંદીથી બચી શક્યો નહોતો અને તેમાં ૧,૪૫૮ પોઈન્ટનો મોટો ઘટાડો નોંધાયો હતો. આ કડાકાના કારણે મંગળવારે જે બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ₹૪૮૦ લાખ કરોડ હતું, તે ઘટીને ₹૪૭૨ લાખ કરોડ પર આવી ગયું છે.
માર્કેટ નિષ્ણાતોના મતે ભારતીય શેરબજારને પછાડવા પાછળ મુખ્ય ૫ કારણો જવાબદાર છે:
૧. યુએસ-ઈરાન યુદ્ધનો ભયાવહ તણાવ: બજાર પર સૌથી મોટું દબાણ અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા સૈન્ય સંઘર્ષને કારણે છે. બંને દેશો તરફથી કરવામાં આવેલા નવા હુમલાઓએ મધ્ય પૂર્વમાં અનિશ્ચિતતા ઊભી કરી છે, જેનાથી વૈશ્વિક રોકાણકારો સેsafe હેવન ગણાતા સોના કે અન્ય અસ્કયામતો તરફ વળ્યા છે અને ઇક્વિટી બજારમાંથી નાણાં ખેંચી રહ્યા છે.
૨. ક્રૂડ ઓઇલના ભાવોમાં ભડકો: નવીનતમ તણાવને કારણે બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ ઉછળીને $૭૬ પ્રતિ બેરલ સુધી પહોંચી ગયા છે. વિશ્વના ત્રીજા સૌથી મોટા તેલ આયાતકાર દેશ તરીકે ભારત માટે આ મોટો ફટકો છે. મોંઘા તેલના કારણે ભારતનું આયાત બિલ વધશે, દેશમાં ફુગાવો (મોંઘવારી) વધશે અને આર્થિક વૃદ્ધિ દર દબાશે. આના કારણે ઇન્ડિગો, એશિયન પેઇન્ટ્સ અને ટાયર કંપનીઓના શેર સૌથી વધુ તૂટ્યા છે.
૩. નબળા Q1 પરિણામોની આશંકા: સેબી-રજિસ્ટર્ડ ઇક્વિટી વિશ્લેષકોનું માનવું છે કે ભૂ-રાજકીય તણાવની વૈશ્વિક અર્થતંત્ર પર ખૂબ જ ખરાબ અસર પડી છે. આ જ કારણે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ક્વાર્ટર (Q1FY27) માટે ભારતીય કોર્પોરેટ જગતની કમાણી અને નફાકારકતા નબળી રહેવાની ધારણા છે, જેના લીધે બજારના સહભાગીઓ ઉચ્ચ સ્તરે નફા-બુકિંગ કરી રહ્યા છે.
૪. વિદેશી રોકાણકારો (FII) ની આડેધડ વેચવાલી: વધતા વૈશ્વિક જોખમ અને અમેરિકી ડોલર (USD) સામે ભારતીય રૂપિયા (INR) માં જોવા મળી રહેલી નબળાઈને કારણે વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FII) ભારતીય શેરબજારમાં સતત વેચવાલી કરી રહ્યા છે. આ જ કારણ છે કે ભારતીય બજાર ઉપરના સ્તરે ટકી શકતું નથી.
૫. જોખમની ભાવના (India VIX) માં ઉછાળો: કરન્સી માર્કેટમાં રૂપિયાના અવમૂલ્યન અને અનિશ્ચિતતાને કારણે બજારમાં ડરનો માહોલ છે, જે ભારત VIX (વોલેટિલિટી ઇન્ડેક્સ) માં સ્પષ્ટ દેખાય છે. બુધવારે ઈન્ડિયા VIX ૫% થી વધુ ઉછળ્યો હતો, જેના પગલે તેલ, ગેસ, ઓટો અને એફએમસીજી (FMCG) સેક્ટરમાં રોકાણકારોએ ધૂમ નફા-બુકિંગ કર્યું હતું. જોકે આ રક્તપાત વચ્ચે પણ ફાર્મા અને હેલ્થકેર શેરો તેજી સાથે ગ્રીન ઝોનમાં બંધ રહ્યા હતા.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
