તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 17th May 2026
ઇબોલા વાયરસ નો ખતરનાક સ્ટ્રેને વધારી વૈશ્વિક ચિંતા : WHO દ્વારા આંતરરાષ્ટ્રીય સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરાઈ
કોંગો અને યુગાન્ડામાં વાયરસના ફેલાવા બાદ હાઈ એલર્ટ :બુંડીબુગ્યો સ્ટ્રેનનો મૃત્યુદર 30 થી 40 ટકા નોંધાયો:વાયરસ સામે કોઈ ચોક્કસ રસી ઉપલબ્ધ નથી: તાવ અને રક્તસ્રાવ જેવા લક્ષણો દેખાય તો તુરંત સાવધાન

આફ્રિકાના દેશોમાંથી ઉઠેલા એક અદ્રશ્ય ખતરાએ ફરી એકવાર વૈશ્વિક સ્વાસ્થ્ય સંસ્થાઓને દોડતી કરી દીધી છે. જે વાયરસ સામે હજુ સુધી કોઈ ચોક્કસ હથિયાર એટલે કે રસી તૈયાર નથી, તે હવે સીમાઓ ઓળંગી રહ્યો છે. જંગલોમાંથી માનવ વસ્તી સુધી પહોંચેલા આ ઘાતક સ્ટ્રેનની જટિલતાઓ અને તેનાથી બચવા માટેની તૈયારીઓ અંગેની ગંભીરતા સમજવી અત્યંત અનિવાર્ય બની છે.
વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનએ આફ્રિકાના દેશોમાં ફેલાયેલા ઇબોલા વાયરસના પ્રકોપને ધ્યાનમાં રાખીને આંતરરાષ્ટ્રીય સ્તરની જાહેર સ્વાસ્થ્ય કટોકટી જાહેર કરી છે. આ વખતે ચિંતાનું મુખ્ય કારણ 'બુંડીબુગ્યો' નામનો ખતરનાક સ્ટ્રેન છે, જે ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને યુગાન્ડામાં ઝડપથી ફેલાઈ રહ્યો છે.
બુંડીબુગ્યો એ ઇબોલા વાયરસનો એક ઘાતક પ્રકાર છે, જેની શોધ સૌપ્રથમ 2007 માં યુગાન્ડામાં થઈ હતી. સામાન્ય રીતે જોવા મળતા 'ઝૈરે' સ્ટ્રેન કરતા આ અલગ છે. જોકે આ સ્ટ્રેનમાં મૃત્યુદર અંદાજે 30 થી 40 ટકા જેટલો રહે છે, પરંતુ તેની સૌથી મોટી ચિંતા એ છે કે તેની સામે લડવા માટે હાલમાં કોઈ ચોક્કસ રસી કે એન્ટીવાયરલ દવા ઉપલબ્ધ નથી.
ઇબોલાના લક્ષણો શરૂઆતમાં સામાન્ય ફ્લૂ જેવા લાગે છે, જેમાં અચાનક તીવ્ર તાવ, માથાનો દુખાવો, અને સ્નાયુઓમાં દુખાવો સામેલ છે. જેમ જેમ ચેપ વધે છે, તેમ ઉલટી, ઝાડા અને ગંભીર કિસ્સાઓમાં શરીરના અંગોમાંથી આંતરિક કે બાહ્ય રક્તસ્રાવ શરૂ થાય છે. આ વાયરસ હવા કે પાણીથી નહીં, પરંતુ સંક્રમિત વ્યક્તિના લોહી, લાળ કે અન્ય શારીરિક પ્રવાહીના સીધા સંપર્કથી ફેલાય છે.
હાલમાં આ સ્ટ્રેન માટે કોઈ સ્પેશિયલ દવા ન હોવાથી, સારવાર મુખ્યત્વે 'સપોર્ટિવ કેર' પર નિર્ભર છે. દર્દીના શરીરમાં પ્રવાહી અને ઇલેક્ટ્રોલાઇટ્સનું પ્રમાણ જાળવી રાખવું અત્યંત જરૂરી છે. WHO ના મતે, જો શરૂઆતના તબક્કે નિદાન થઈ જાય અને યોગ્ય દેખરેખ મળે, તો દર્દીના બચવાની શક્યતા વધી જાય છે. આફ્રિકાના જંગલોમાં રહેતા ચામાચીડિયા અને જંગલી પ્રાણીઓ આ વાયરસના મુખ્ય સ્ત્રોત હોવાનું મનાય છે. હાલમાં પડોશી દેશોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે અને સીમાઓ પર સ્ક્રિનિંગ વધારી દેવામાં આવ્યું છે.
(5:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
