News of Wednesday, 6th May 2026
દીકરી બનશે લાખોની માલિક! સુકન્યા સમૃદ્ધિ યોજનામાં વાર્ષિક ૧.૫ લાખના રોકાણ પર મળશે ૭૧.૮૨ લાખનું વળતર, જાણો કઈ રીતે પૈસા થશે ત્રણ ગણા?
૮.૨ ટકાના આકર્ષક વ્યાજ સાથે સરકારી ગેરંટી: ૧૫ વર્ષ સુધી રોકાણ અને ૨૧ વર્ષે પાકતી મુદતે મળશે ટેક્સ ફ્રી રકમ, દીકરીના અભ્યાસ અને લગ્ન માટે બેસ્ટ પ્લાન

રાજકોટ: તા.૦૬ જો તમે તમારી દીકરીના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે કોઈ સુરક્ષિત અને વધુ વળતર આપતી યોજના શોધી રહ્યા છો, તો 'સુકન્યા સમૃદ્ધિ યોજના' (SSY) શ્રેષ્ઠ સાબિત થઈ શકે છે. આ યોજનામાં નિયમિત બચત કરવાથી તમે લાખોનું ભંડોળ એકઠું કરી શકો છો. લેટેસ્ટ ગણતરી મુજબ, જો કોઈ વાલી આ યોજનામાં દર વર્ષે ૧.૫ લાખ રૂપિયાનું રોકાણ કરે છે, તો ૨૧ વર્ષ પછી દીકરીને ૭૧ લાખ રૂપિયાથી વધુની રકમ મળી શકે છે.
ચક્રવૃદ્ધિ વ્યાજની તાકાત: ૨૨.૫ લાખનું રોકાણ અને ૪૯ લાખનું વ્યાજ
સુકન્યા સમૃદ્ધિ યોજનામાં હાલમાં ૮.૨ ટકા વ્યાજ મળી રહ્યું છે, જે અન્ય સરકારી નાની બચત યોજનાઓ કરતા ઘણું વધારે છે. જો તમે વાર્ષિક ૧.૫ લાખ રૂપિયા ૧૫ વર્ષ સુધી જમા કરો છો, તો તમારું કુલ રોકાણ ૨૨.૫ લાખ રૂપિયા થશે. પરંતુ, કમ્પાઉન્ડિંગ (ચક્રવૃદ્ધિ વ્યાજ)ની શક્તિને કારણે, ૨૧ વર્ષની પાકતી મુદતે તમને અંદાજે ૪૯.૩૨ લાખ રૂપિયા માત્ર વ્યાજ તરીકે મળશે. આમ, કુલ ૭૧.૮૨ લાખ રૂપિયાની પાકતી રકમ હાથમાં આવશે, જે તમારા રોકાણ કરતા ત્રણ ગણાથી પણ વધુ છે.
કોણ ખોલાવી શકે છે ખાતું?
આ યોજના ખાસ કરીને ૧૦ વર્ષથી ઓછી ઉંમરની દીકરીઓ માટે છે. કોઈ પણ પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જઈને માત્ર ૨૫૦ રૂપિયાથી આ ખાતું ખોલાવી શકાય છે. એક નાણાકીય વર્ષમાં વધુમાં વધુ ૧.૫ લાખ રૂપિયા જમા કરાવી શકાય છે. આ યોજનાનો સૌથી મોટો ફાયદો એ છે કે તેમાં મળતું વ્યાજ અને પાકતી મુદતની રકમ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી (કરમુક્ત) હોય છે.
દીકરીના સપનાઓ થશે સાકાર
સુકન્યા સમૃદ્ધિ યોજના દીકરીના ઉચ્ચ શિક્ષણ અને લગ્ન જેવા મોટા ખર્ચાઓને પહોંચી વળવા માટે ડિઝાઈન કરવામાં આવી છે. ૧૫ વર્ષ સુધી પ્રીમિયમ ભર્યા બાદ બાકીના ૬ વર્ષ સુધી વ્યાજ ઉમેરાતું રહે છે અને ૨૧માં વર્ષે જ્યારે દીકરીને આર્થિક જરૂરિયાત હોય ત્યારે એક મોટી રકમ ઉપલબ્ધ બને છે. આજના મોંઘવારીના જમાનામાં દીકરીના સુવર્ણ ભવિષ્ય માટે આ એક સુરક્ષિત 'ગિફ્ટ' સમાન છે.
(5:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
