<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

સંઘ અને સરકાર વચ્ચે મડાગાંઠ?: પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર RSSના વિજયાદશમી ઉત્સવમાં બનશે મહેમાન, કોંગ્રેસ દ્વારા સરકાર પર આકરા પ્રહારો!

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) દ્વારા આગામી વિજયાદશમી ઉત્સવ માટે પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને મુખ્ય મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે, જેને લઈને રાજકીય ગલિયારામાં અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે.

નાગપુર : રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના શતાબ્દી વર્ષના સમાપન તરીકે યોજાનાર વિજયાદશમી ઉજવણી આ વર્ષે ભારે રાજકીય ચર્ચાનો વિષય બની છે. સંઘ દ્વારા આગામી 20 ઓક્ટોબરે નાગપુરના રેશીમબાગ ખાતે યોજાનારા આ મહત્ત્વપૂર્ણ વાર્ષિક કાર્યક્રમમાં દેશના ભૂતપૂર્વ ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખરને વિશેષ મહેમાન તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મધ્યપશ્ચિમ ભારતમાં ઇઝરાયલના કોન્સ્યુલ જનરલ યાનિવ રેવાચ પણ આ સમારોહમાં અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે. સંઘ વડા મોહન ભાગવત આ કાર્યક્રમમાં મુખ્ય ભાષણ આપશે, જ્યારે દૈનિક જાગરણના મુખ્ય સંપાદક સંજય ગુપ્તા મુખ્ય અતિથિ તરીકે જોડાશે.

 

આ નિમંત્રણ ખાસ એટલા માટે ચર્ચામાં છે કારણ કે ગયા વર્ષે જુલાઈ 2025માં સંસદના ચોમાસા સત્ર દરમિયાન જગદીપ ધનખરે અચાનક સ્વાસ્થ્યનું કારણ ધરીને ઉપરાષ્ટ્રપતિ અને રાજ્યસભાના અધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું હતું. તે સમયે એવી જોરશોરથી અટકળો વહેતી થઈ હતી કે તત્કાલીન ન્યાયાધીશના ઘરેથી વિવાદાસ્પદ નોટો મળવાના કેસમાં વિપક્ષની મહાભિયોગ નોટિસ સ્વીકારવાના મુદ્દે સરકાર અને ધનખર વચ્ચે ગંભીર મડાગાંઠ સર્જાઈ હતી, જેના કારણે શાસક પક્ષ ભાજપ સાથે તેમના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. હવે આવા સંજોગોમાં RSS દ્વારા તેમને પોતાના સૌથી મોટા મંચ પર આમંત્રિત કરવાથી ભાજપ અને સંઘ વચ્ચેના સંબંધોને લઈને નવા રાજકીય સમીકરણોની ચર્ચાઓ વેગ પકડી રહી છે.

 

આ ઘટનાક્રમ પર પ્રતિક્રિયા આપતા મુખ્ય વિપક્ષી પક્ષ કોંગ્રેસ દ્વારા મોદી સરકાર પર તીક્ષ્ણ પ્રહારો કરવામાં આવ્યા છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે સોશિયલ મીડિયા પર કટાક્ષ કરતા જણાવ્યું હતું કે "સિસ્ટમ વિરોધાભાસોથી ભરેલી છે." તેમણે સવાલ ઉઠાવ્યો કે RSS એ તો ધનખરને આદરપૂર્વક આમંત્રણ આપી દીધું છે, પરંતુ કેન્દ્ર સરકારે નિયમો મુજબ રાજીનામા બાદ તેમને મળવાપાત્ર સરકારી રહેઠાણ હજુ સુધી ફાળવ્યું નથી. કોંગ્રેસ આ માધ્યમ દ્વારા એવો રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહી છે કે ભાજપ અને સંઘ વચ્ચે હવે બધું સમસૂતરું નથી ચાલી રહ્યું, અને સરકાર માટે અસુવિધાજનક બનેલા નેતાઓને પણ સંઘ દ્વારા મહત્ત્વ આપવામાં આવી રહ્યું છે.

 

રાજકીય વિશ્લેષકોના મતે, આ ઉજવણીમાં જગદીપ ધનખરની ઉપસ્થિતિ આવનારા દિવસોમાં રાષ્ટ્રીય રાજકારણમાં નવા પ્રવાહો સર્જી શકે છે. સરકાર અને સંઘના આંતરિક સમીકરણો વચ્ચે પૂર્વ ઉપરાષ્ટ્રપતિની આ નાગપુર યાત્રા પર દેશભરના રાજકીય પક્ષોની વિશેષ નજર રહેશે.

(7:18 PM IST)