તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
તમિલનાડુમાં સરકાર સ્થાપવા અંગે મડાગાંઠ : રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે કેરળનો પ્રવાસ રદ કર્યો : સત્તાના સમીકરણો ઉકેલવા કાયદાકીય નિષ્ણાતો સાથે લોક ભવનમાં પરામર્શ તેજ
બહુમતી સાબિત કરવા વિજયએ રાજ્યપાલ સાથે ફરી મુલાકાત કરી ફ્લોર ટેસ્ટની તૈયારી બતાવી : ૧૧૮ના આંકડા માટે ટીવીકે દ્વારા કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને વીસીકેનો સંપર્ક : જો પૂરતું સંખ્યાબળ નહીં મળે તો સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવવાની પણ તૈયારી

ચેન્નાઈ: તમિલનાડુ વિધાનસભા ચૂંટણીના પરિણામો બાદ સરકાર સ્થાપવા અંગે સર્જાયેલી મડાગાંઠ વધુ ઘેરી બની છે. રાજ્યના ઇન્ચાર્જ રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકરે ગુરુવારે તેમનો નિર્ધારિત કેરળ પ્રવાસ મોકૂફ રાખ્યો છે અને તેઓ હાલ ચેન્નાઈ સ્થિત લોક ભવનમાં રહીને રાજ્યની રાજકીય સ્થિતિનું સતત નિરીક્ષણ કરી રહ્યા છે. રાજ્યપાલ બંધારણીય અને કાયદાકીય પાસાઓ પર નિષ્ણાતોની સલાહ લઈ રહ્યા છે જેથી સત્તા સ્થાપવા અંગે કોઈ અનિશ્ચિતતા ન રહે.
વિજયભાઈની રાજ્યપાલ સાથે બીજી મહત્વની મુલાકાત:
તમિલગા વેટ્રી કઝગમ (ટીવીકે) ના નેતા વિજયભાઈએ આજે સવારે ફરી એકવાર રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર સાથે મુલાકાત કરી હતી. ગત બુધવારે મળેલી નિષ્ફળતા બાદ આ બીજી મહત્વની બેઠક હતી. વિજયભાઈએ રાજ્યપાલને ખાતરી આપી છે કે તેમનો પક્ષ ગૃહમાં બહુમતી સાબિત કરવા માટે સંપૂર્ણ સજ્જ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, જો રાજ્યપાલ તરફથી સરકાર રચવાનું આમંત્રણ આપવામાં વિલંબ થશે, તો ટીવીકે કાયદાકીય વિકલ્પોનો ઉપયોગ કરીને સુપ્રીમ કોર્ટમાં જવાની તૈયારી પણ કરી રહ્યું છે.
૧૧૮ના મેજિક ફિગર માટે જોરશોરથી રાજકીય ગણિત:
તમિલનાડુમાં બહુમતી માટે ૧૧૮ બેઠકોની જરૂર છે, જ્યારે વિજયભાઈની ટીવીકે પાસે હાલ ૧૦૮ બેઠકો છે. જો કોંગ્રેસની ૫ બેઠકોનો ટેકો મળે તો આ આંકડો ૧૧૩ સુધી પહોંચે છે, જે હજુ પણ બહુમતીથી ૫ બેઠક દૂર છે. આ સ્થિતિમાં ટીવીકે દ્વારા વીસીકે (૨ બેઠકો), સીપીઆઈ (૨ બેઠકો) અને સીપીએમ (૨ બેઠકો) નો સંપર્ક સાધવામાં આવ્યો છે. જો આ પક્ષો ટેકો જાહેર કરે તો કુલ સંખ્યાબળ ૧૧૯ પર પહોંચી શકે છે, જે બહુમતીના આંકડાથી એક વધુ છે. બીજી તરફ, પીએમકે પાસે ૪ બેઠકો છે, પરંતુ તે હાલ ભાજપ સાથે ગઠબંધનમાં છે.
રાજ્યપાલનો સ્પષ્ટ અભિગમ: સંખ્યાબળ વગર આમંત્રણ નહીં:
રાજભવનના સૂત્રોના જણાવ્યા અનુસાર, રાજ્યપાલ રાજેન્દ્ર આર્લેકર કોઈ પણ પ્રકારની રાજકીય ગૂંચવણ ઊભી કરવા માંગતા નથી. તેઓ ઈચ્છે છે કે જે પણ પક્ષ સરકાર રચવાનો દાવો કરે, તે પહેલા જરૂરી ટેકાના પત્રો અને નક્કર આંકડાકીય પુરાવા રજૂ કરે. એકવાર બહુમતીની ખાતરી થયા પછી જ સરકાર રચવાનું આમંત્રણ આપવામાં આવશે અને ત્યારબાદ નિર્ધારિત સમયમાં ગૃહમાં બહુમતી સાબિત કરવાની તક અપાશે. એઆઈડીએમકેના વડા પલાનીસ્વામીએ વિજયભાઈને ટેકો આપવાની મનાઈ કરી દેતા હાલ નાના પક્ષો અને ડાબેરીઓના વલણ પર સૌની મીટ મંડાયેલી છે.
(11:09 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
