<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 26th April 2026

હઝારીબાગના દનુઆ ઘાટીમાં કાળમુખો અકસ્માત: બે ભારે વાહનો વચ્ચે કારનો કચરો વળી જતાં માસૂમ બાળકો સહિત એક જ પરિવારના 6 સભ્યોના કરુણ મોત

લગ્ન પ્રસંગમાં જઈ રહેલા બીસીસીએલ કર્મચારીના પરિવારની ખુશીઓ માર્ગમાં જ વિખેરાઈ, લોખંડના કાટમાળમાં ફસાયેલા મૃતદેહોને ગેસ કટરથી કાપીને બહાર કઢાયા, પંથકમાં ચાર દિવસમાં સર્જાયેલી પાંચમી ગમખ્વાર દુર્ઘટનાથી લોકોમાં ભારે રોષ

હઝારીબાગ : ઝારખંડના હઝારીબાગ જિલ્લામાં આવેલા ચૌપારણના દનુઆ ઘાટી વિસ્તારમાં શનિવારે રાત્રે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. ધનબાદથી ગયા એક લગ્ન પ્રસંગમાં જઈ રહેલા બીસીસીએલ કર્મચારી શિવ કુમાર ભુઈયાની કાર જોરદાર ટક્કરને પગલે બે ભારે વાહનો વચ્ચે સેન્ડવીચ બની ગઈ હતી. આગળ ચાલી રહેલા ટ્રેલરે અચાનક બ્રેક મારતા કાર તેની પાછળ ઘૂસી ગઈ હતી, તે જ ક્ષણે પાછળથી પૂરપાટ ઝડપે આવતી ટ્રકે કારને એવી જોરદાર ટક્કર મારી કે કારનો લોખંડી કચરો વળી ગયો હતો. આ ભીષણ દુર્ઘટનામાં 3 નિર્દોષ બાળકો સહિત પરિવારના તમામ 6 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે ટ્રેલર અને ટ્રક ચાલકો અંધારાનો લાભ ઉઠાવી ફરાર થઈ ગયા હતા.

અકસ્માતનો મંજર એટલો ખૌફનાક હતો કે સ્થાનિક લોકો અને પોલીસ પણ દ્રશ્યો જોઈને હચમચી ઉઠ્યા હતા. કાર સંપૂર્ણપણે ચગદાઈ ગઈ હોવાથી મૃતદેહો અંદર ખરાબ રીતે ફસાઈ ગયા હતા, જેને એનએચએઆઈ અને પોલીસની ટીમે ગેસ કટરની મદદથી ભારે જહેમત બાદ બહાર કાઢ્યા હતા. મૃતકોની ઓળખ શિવ કુમાર, તેમની પત્ની, બે પુત્રીઓ, સસરા અને સાળાના પુત્ર તરીકે થઈ છે. કમનસીબ પરિવારમાં હવે માત્ર તેમનો પુત્ર રણજીત જ જીવિત બચ્યો છે, જે ઘરે હાજર હોવાથી આ કાળના પંજામાંથી ઉગરી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ધનબાદની બુદૌરા કોલોનીમાં માતમ છવાઈ ગયો છે અને લોકો સ્તબ્ધ છે કે માસૂમ બાળકને આ હકીકત કેવી રીતે જણાવવી.

નોંધનીય છે કે દનુઆ ઘાટીનો આ વિસ્તાર ‘બ્લેક સ્પોટ’ તરીકે કુખ્યાત બન્યો છે, જ્યાં છેલ્લા ચાર દિવસમાં જ પાંચ જેટલા ગંભીર અકસ્માતો નોંધાયા છે. તેજ રફ્તાર અને જોખમી વળાંકોને કારણે આ માર્ગ હવે મુસાફરો માટે યમદૂત સમાન સાબિત થઈ રહ્યો છે. વહીવટી તંત્ર દ્વારા વારંવારની રજૂઆતો છતાં અકસ્માતો અટકાવવા માટે કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. પોલીસે હાલ તમામ મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપીને ફરાર વાહન ચાલકોની શોધખોળ હાથ ધરી છે, પરંતુ આ દુર્ઘટનાએ ફરી એકવાર માર્ગ સલામતીના દાવાઓની પોલ ખોલી નાખી છે.

(11:55 AM IST)