<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 21st July 2026

NEETનું ઘાતક દબાણ: ૫ વર્ષમાં ૯૩ વિદ્યાર્થીઓના મોત, જંતર-મંતર પર યુવા આક્રોશનો જ્વાળામુખી ફાટ્યો

પેપર લીકની અનિયમિતતાઓથી આગળ વધીને હવે માનસિક સ્વાસ્થ્ય અને સિસ્ટમના સુધારા સુધી પહોંચી લડાઈ: ૨૦૨૬માં જ ૧૪ માસૂમ જીવ હોમાયા બાદ દેશવ્યાપી વિરોધ તીવ્ર બન્યો

નવી દિલ્હી  :  દેશની સૌથી મોટી મેડિકલ પ્રવેશ પરીક્ષા NEET હવે માત્ર સફળતાનો માર્ગ નહીં, પરંતુ દેશના લાખો યુવાનો માટે એક ભયાનક માનસિક બોજ બની ગઈ છે. દિલ્હીના જંતર-મંતર ખાતે CJP અને વિવિધ વિદ્યાર્થી સંગઠનોના નેતૃત્વ હેઠળ ચાલી રહેલું આંદોલન હવે વધુ આક્રમક બન્યું છે. આ વિરોધ પ્રદર્શન માત્ર પેપર લીક કે ગડબડ સુધી મર્યાદિત નથી રહ્યું, પરંતુ વિદ્યાર્થીઓ પર વધતા જીવલેણ તણાવ સામે એક જનઆંદોલન બની ગયું છે. હાલમાં જ 'મેડિકલ ડાયલોગ્સ'ના એક ચોંકાવનારા અહેવાલે સમગ્ર દેશને હચમચાવી દીધો છે, જેમાં ખુલાસો થયો છે કે છેલ્લા પાંચ વર્ષમાં NEETના અસહ્ય દબાણના કારણે ૯૩ ગંભીર આત્મહત્યાના કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા છે.

અહેવાલ મુજબ વર્ષ ૨૦૨૫ વિદ્યાર્થીઓ માટે સૌથી કાળું વર્ષ સાબિત થયું હતું, જેમાં ૩૨ આશાસ્પદ વિદ્યાર્થીઓએ પોતાની જીવનલીલા સંકેલી લીધી હતી, જ્યારે ચાલુ વર્ષ ૨૦૨૬માં જ અત્યાર સુધીમાં ૧૪ કેસ નોંધાઈ ચૂક્યા છે. ખાસ કરીને ૧૨ મેના રોજ NEET-UG ૨૦૨૬ની પરીક્ષા રદ કરવાની જાહેરાત બાદ અને ફરીથી પરીક્ષા લેવાના ગાળા વચ્ચે જ ૧૨થી વધુ વિદ્યાર્થીઓના મોત થયા હતા. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન (NCBI)ના અભ્યાસ અનુસાર, આવા કિસ્સાઓમાં ૬૫ ટકાથી વધુ તણાવનું મુખ્ય કારણ શૈક્ષણિક દબાણ, નિષ્ફળતાનો ડર અને સામાજિક અપેક્ષાઓ છે. આ પરિસ્થિતિ દર્શાવે છે કે પરીક્ષા પ્રણાલી ભારતીય યુવાનોના માનસિક સ્વાસ્થ્ય માટે કેટલી ઘાતક સાબિત થઈ રહી છે.

બીજી તરફ, ૨૦૧૬, ૨૦૨૧, ૨૦૨૪ અને ૨૦૨૬માં વારંવાર સામે આવેલા પેપર લીકના બનાવોએ વિદ્યાર્થીઓના આત્મવિશ્વાસને સાવ તોડી પાડ્યો છે. ૨૦૨૬માં પ્રથમ વખત નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA)એ આખી પરીક્ષા રદ કરીને ફરીથી લેવાની ફરજ પડી હતી, જે સિસ્ટમની નાકામી દર્શાવે છે. તમિલનાડુ અને બિહાર જેવા રાજ્યોમાં આ માનસિક તણાવની અસર સૌથી વધુ જોવા મળી રહી છે. જંતર-મંતર પર એકઠા થયેલા વિદ્યાર્થીઓ અને વાલીઓ હવે માત્ર પરીક્ષામાં પારદર્શિતા નહીં, પણ આખરે આ ઘાતક કોચિંગ કલ્ચર અને સડો પામેલી પરીક્ષા પ્રણાલીમાં મૂળભૂત સુધારાની માંગ કરી રહ્યા છે જેથી ભવિષ્યમાં કોઈ માસૂમને પોતાનો જીવ ન ગુમાવવો પડે.

(7:37 PM IST)