News of Tuesday, 5th May 2026
અધવચ્ચે દરિયે મોતનું તાંડવ: આટલાન્ટિક મહાસાગરમાં ફસાયેલા ક્રુઝ શિપમાં રહસ્યમય 'હાન્ટાવાયરસ'નો કહેર; ૩ મુસાફરોના કરૂણ મોત બાદ ફફડાટ
દક્ષિણ આફ્રિકાના તટે મદદ માટે વલખાં મારી રહ્યું છે ૧૫૦ લોકો સાથેનું ડચ જહાજ: કેપ વર્ડે ટાપુએ ચેપ ફેલાવવાના ડરે ડોક કરવાની મનાઈ ફરમાવી - WHO ની તપાસ શરૂ

કેપ વર્ડે: આટલાન્ટિક મહાસાગરની સફરે નીકળેલું એક વૈભવી ક્રુઝ શિપ 'MV Hondius' અત્યારે મોત અને ભયના ઓથાર હેઠળ છે. આ જહાજમાં રહસ્યમય ગણાતા 'હાન્ટાવાયરસ' (Hantavirus) ના કારણે અત્યાર સુધીમાં ત્રણ મુસાફરોના મોત થયા છે અને અન્ય ત્રણ લોકોની હાલત ગંભીર છે. આ ઘટનાને પગલે આફ્રિકાના પશ્ચિમ કિનારે આવેલા કેપ વર્ડે (Cape Verde) દેશના સત્તાવાળાઓએ જહાજને કાંઠા પર લાંગરવાની મંજૂરી આપવાનો ઇનકાર કરી દીધો છે, જેના કારણે ૧૫૦ જેટલા મુસાફરો અને ક્રૂ મેમ્બર્સ દરિયામાં ફસાયા છે.
શું છે આ હાન્ટાવાયરસ?
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) મુજબ, હાન્ટાવાયરસ સામાન્ય રીતે ઉંદર જેવા પ્રાણીઓ દ્વારા ફેલાય છે. તે ઉંદરોના પેશાબ, લાળ કે મળના સંપર્ક દ્વારા મનુષ્યોમાં પ્રવેશી શકે છે. જોકે આ વાયરસ દુર્લભ છે, પરંતુ તે વ્યક્તિથી વ્યક્તિમાં પણ ફેલાઈ શકે છે. આ વાયરસની કોઈ ચોક્કસ રસી કે સચોટ ઈલાજ ઉપલબ્ધ નથી, માત્ર શરૂઆતી સારવારથી બચવાની શક્યતા વધારી શકાય છે.
કેવી રીતે શરૂ થયો મોતોનો સિલસિલો?
૧ એપ્રિલે આર્જેન્ટિનાથી નીકળેલા આ જહાજમાં સૌ પ્રથમ એક ડચ નાગરિકનું મોત થયું હતું. ત્યારબાદ તેની પત્ની અને એક જર્મન નાગરિકે પણ જીવ ગુમાવ્યો હતો. હાલમાં બે બ્રિટિશ અને એક ડચ ક્રૂ મેમ્બરની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે, જેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. દક્ષિણ આફ્રિકાના આરોગ્ય મંત્રીએ પુષ્ટિ કરી છે કે મૃતકોના બ્લડ ટેસ્ટમાં હાન્ટાવાયરસ પોઝિટિવ આવ્યો છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે એલર્ટ
ક્રુઝ ઓપરેટર 'ઓશનવાઈડ એક્સપિડિશન' અત્યારે આંતરરાષ્ટ્રીય સંગઠનોની મદદ માંગી રહ્યું છે. જો કેપ વર્ડે મદદ નહીં કરે, તો જહાજને સ્પેનિશ ટાપુઓ તરફ લઈ જવાની વિચારણા ચાલી રહી છે. જહાજમાં હાલમાં ૧૭ અમેરિકનો, ૧૯ બ્રિટિશરો અને ૧૩ સ્પેનિશ નાગરિકો સવાર છે. WHO એ જણાવ્યું છે કે તેઓ વિવિધ દેશો સાથે મળીને આ વાયરસને આગળ વધતો રોકવા માટે પ્રયાસો કરી રહ્યા છે, પરંતુ હાલમાં કોઈ મુસાફરને જહાજની બહાર નીકળવાની મંજૂરી નથી.
નિષ્ણાતોના મતે, આ વાયરસના લક્ષણો દેખાવામાં ૮ અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે, તેથી જહાજ પરના અન્ય લોકો પણ આ બીમારીના ભોગ બન્યા હોઈ શકે છે તેવી આશંકા સેવાઈ રહી છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
