તા. ૩૦ ડિસેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ પોષ સુદ – ૧૦ મંગળવાર
News of Wednesday, 15th April 2026
છત્તીસગઢના સક્તી જિલ્લામાં પાવર પ્લાન્ટમાં ભીષણ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 20 પર પહોંચ્યો: ઉચ્ચસ્તરીય તપાસના આદેશ
મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી

છત્તીસગઢના સક્તી જિલ્લામાં આવેલા પાવર પ્લાન્ટમાં સર્જાયેલી ભીષણ દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 20 પર પહોંચ્યો છે. મંગળવારે બપોરે થયેલા આ પ્રચંડ બોઈલર બ્લાસ્ટ બાદ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા વધુ શ્રમિકોએ દમ તોડતા આંકડો ઉંચો ગયો છે. મુખ્યમંત્રી વિષ્ણુ દેવ સાઈએ આ ઘટનાને અત્યંત દુઃખદ ગણાવતા મૃતકોના પરિજનોને 5 લાખ રૂપિયા અને ઈજાગ્રસ્તોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
આ ભયાનક અકસ્માત સક્તી જિલ્લાના સિંઘીતરાઈ ગામમાં સ્થિત વેદાંત લિમિટેડના પાવર પ્લાન્ટમાં બપોરે 2:30 કલાકે સર્જાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ, બોઈલરથી ટર્બાઇન સુધી અતિશય દબાણ સાથે વરાળ લઈ જતી પાઈપલાઇન અચાનક ફાટતા આ બ્લાસ્ટ થયો હતો. આ દરમિયાન 600 ડિગ્રી સેલ્સિયસ જેટલી ગરમ વરાળ અને ગરમ પાણીના સંપર્કમાં આવતા અનેક શ્રમિકો ગંભીર રીતે દાઝી ગયા હતા. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે તેનો અવાજ દુર સુધી સંભળાયો હતો અને જાણે કોઈ મિસાઈલ ત્રાટકી હોય તેવું દ્રશ્ય સર્જાયું હતું. અકસ્માત સમયે મોટાભાગના શ્રમિકો લંચ બ્રેક બાદ પોતાના કામ પર પરત ફરી રહ્યા હતા.
વહીવટી તંત્ર દ્વારા રાહત અને બચાવ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી હતી. ગંભીર રીતે દાઝેલા શ્રમિકોને તાત્કાલિક રાયગઢ અને બિલાસપુરની ફોર્ટિસ જેવી ખાનગી હોસ્પિટલોમાં ખસેડવામાં આવ્યા હતા. સક્તી જિલ્લા કલેક્ટર અમૃત વિકાસ ટોપ્પો અને એસપી પ્રફુલ્લ ઠાકુર ઘટનાસ્થળે પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો. પ્લાન્ટ મેનેજમેન્ટે પણ મૃતકોના આશ્રિતોને 35 લાખ રૂપિયાનું વળતર અને પરિવારના એક સભ્યને નોકરી આપવાની ખાતરી આપી છે. નોંધનીય છે કે આ 1,200 મેગાવોટનો કોલસા આધારિત પ્રોજેક્ટ પહેલા એથેના છત્તીસગઢ પાવર લિમિટેડનો હતો, જેને 2022 માં વેદાંત ગ્રુપ દ્વારા હસ્તગત કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકાર આ મામલે કડક વલણ અપનાવી રહી છે. મુખ્યમંત્રીએ બિલાસપુર ડિવિઝનલ કમિશનરને આ દુર્ઘટનાની ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ આપ્યા છે. આ સાથે જ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા અલગથી તપાસ શરૂ કરવામાં આવી છે. શ્રમ મંત્રી લખનલાલ દેવાંગને સ્પષ્ટ કર્યું છે કે જો સુરક્ષાના ધોરણોમાં કોઈ પણ પ્રકારની બેદરકારી જણાશે, તો જવાબદારો સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં પ્લાન્ટ પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને અન્ય શ્રમિકોની સુરક્ષાને ધ્યાને રાખીને તપાસ પ્રક્રિયા તેજ બનાવવામાં આવી છે.
(11:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
