News of Monday, 29th June 2026
મુંબઈ મોહરમ શોભાયાત્રામાં ઝેરી કેપ્સ્યુલનો 'ડેથ ટ્રેપ': પત્નીના વિરહમાં પાગલ બનેલા શખ્સે ૧૫,૦૦૦ લોકોને મારવાનું રચ્યું હતું ખતરનાક કાવતરું
પુણેના રહેવાસી ફૈયાઝ પ્રેમજીની ધરપકડ: ઈરાન સાથેના શંકાસ્પદ સંપર્કો અને માનસિક સ્થિતિને લઈને પોલીસની તપાસ તેજ, હજારોનો આબાદ બચાવ

મુંબઈ | તા. 29 જૂન: મુંબઈના ભાયખલા વિસ્તારમાં તાજેતરમાં મોહરમની શોભાયાત્રા દરમિયાન એક એવી ઘટના સામે આવી છે, જેણે સૌને હચમચાવી દીધા છે. પુણેનો ૩૯ વર્ષીય ફૈયાઝ પ્રેમજી નામનો વ્યક્તિ ધાર્મિક શોભાયાત્રામાં સામેલ હજારો લોકોને મોતને ઘાટ ઉતારવાના ઈરાદા સાથે નીકળ્યો હતો. તેણે 'પેઈન કિલર' (પીડાનાશક દવા) ના નામે લોકોને અત્યંત ઝેરી એવી ઉંદર મારવાની દવાની કેપ્સ્યુલ્સ વહેંચવાનું શરૂ કર્યું હતું. સદનસીબે, સમયસર પોલીસની સતર્કતાને કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.
પત્નીના છોડી જવાનો બદલો આખી દુનિયા પર?
પોલીસ પૂછપરછમાં સામે આવેલી વિગતો અત્યંત ચોંકાવનારી છે. આરોપી ફૈયાઝ પ્રેમજીએ કબૂલાત કરી છે કે બે વર્ષ પહેલાં તેની પત્ની તેને છોડીને જતી રહી હતી, જેના કારણે તે માનસિક રીતે ભાંગી પડ્યો હતો. તેણે જણાવ્યું કે તેને લાગતું હતું કે આખી દુનિયા તેની વિરુદ્ધ થઈ ગઈ છે, તેથી તે લોકો પર 'બદલો' લેવા માંગતો હતો. આ પાગલપણામાં તેણે લગભગ ૧૫,૦૦૦ લોકોને ઝેરી કેપ્સ્યુલ્સ આપીને મોતને ઘાટ ઉતારવાનું ભયાનક કાવતરું ઘડ્યું હતું.
ઈરાન કનેક્શનની તપાસ
આ કેસમાં હવે આંતરરાષ્ટ્રીય કડીઓ પણ તપાસનો વિષય બની છે. આરોપીની માતા અને બહેન ઈરાનમાં સ્થાયી થયેલા છે અને ફૈયાઝ તેમની સાથે સતત સંપર્કમાં હતો. ફૈયાઝ પોતે પણ ભૂતકાળમાં ઈરાક અને ઈરાનમાં કામ કરી ચૂક્યો છે, જ્યારે તેની બહેન ત્યાં ડોક્ટર તરીકે ફરજ બજાવે છે. હવે પોલીસ તેના મોબાઈલ ફોનનું ફોરેન્સિક વિશ્લેષણ કરી રહી છે જેથી જાણી શકાય કે આ કાવતરા પાછળ કોઈ આંતરરાષ્ટ્રીય ઈરાદો કે સંગઠન તો નથી ને!
કેવી રીતે પકડાયો આરોપી?
શોભાયાત્રા દરમિયાન સલમાન સૈયદ નામના વ્યક્તિને જ્યારે એક બુરખાદારી મહિલાએ કેપ્સ્યુલ આપી, ત્યારે તેણે તે ગળી હતી. થોડી જ વારમાં તેને ઉબકા અને ચક્કર આવવા લાગ્યા. પોલીસને શંકા ગઈ અને દરોડા પાડતા ફૈયાઝના ગેસ્ટ હાઉસમાંથી ૧૪,૯૦૦ જેટલી ઝિંક ફોસ્ફાઈડ યુક્ત કેપ્સ્યુલ્સ મળી આવી. ઝિંક ફોસ્ફાઈડ એ એક અત્યંત ઘાતક ઝેર છે, જે શરીરમાં જતાં જ અંગોને નિષ્ફળ બનાવી દે છે.
પોલીસે આરોપી વિરુદ્ધ હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. હાલ તે પોલીસની કસ્ટડીમાં છે અને અધિકારીઓ તેની માનસિક સ્થિતિની પણ તપાસ કરી રહ્યા છે. આ ઘટનાએ સુરક્ષા વ્યવસ્થા સામે પણ અનેક સવાલો ઉભા કર્યા છે.
(3:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
