તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 8th September 2026
ભારતમાં ડેડિકેટેડ ફ્રેઇડ કોરિડોરથી માલ પરિવહનનું ચિત્ર બદલાયુ

રાજકોટ, તા. ૮ : ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડીએફસી) કાર્યરત થવાથી ભારતમાં માલ પરિવહનના નેટવર્કમાં મોટું પરિવર્તન આવી રહ્યું છે. દેશના મુખ્ય ઔદ્યોગિક, ઉત્પાદન અને લોજિસ્ટિક્સ કેન્દ્રો વચ્ચે વધુ ક્ષમતા ધરાવતી, ઝડપી, કાર્યક્ષમ અને વિશ્વસનીય રેલ કનેક્ટિવિટી ઉપલબ્ધ થઈ રહી છે.
હાલના ડીએફસી નેટવર્કમાં બે મુખ્ય કોરિડોરનો સમાવેશ થાય છે, જેમાં ઈસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ઈડીએફસી) અને વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (ડબલ્યુડીએફસી)નો સમાવેશ થાય છે. બંને કોરિડોરની કુલ લંબાઈ આશરે ૨,૮૪૩ કિલોમીટર છે.
૧,૩૩૭ કિલોમીટર લાંબો ઈડીએફસી પંજાબના ન્યૂ સહનેવાલથી શરૂ થઈ હરિયાણા અને ઉત્તર પ્રદેશમાંથી પસાર થઈ બિહારના ન્યૂ સોનનગર સુધી પહોંચે છે. જ્યારે ૧,૫૦૬ કિલોમીટર લાંબો ડબલ્યુડીએફસી ઉત્તર પ્રદેશના ન્યૂ દાદરીથી શરૂ થઈ હરિયાણા, રાજસ્થાન અને ગુજરાતમાંથી પસાર થયા બાદ મહારાષ્ટ્રના ન્યૂ જેએનપીટી સુધી પહોંચે છે.
ડીએફસી નેટવર્કના કારણે આવેલા મહત્વપૂર્ણ ફેરફારોમાં મહત્વપૂર્ણ પોર્ટ્સ સાથે ડબલ-સ્ટેક કન્ટેનર ટ્રેનોની સીધી કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે. એકની ઉપર એક એમ બે સ્તરે કન્ટેનર લઈ જતી ટ્રેનો દોડાવવાની ક્ષમતાથી માલ વહન કરવાની ક્ષમતામાં વધારો થયો છે અને લાંબા અંતરના રેલ પરિવહનની કાર્યક્ષમતા સુધારવામાં મદદ મળી રહી છે.
આ સમર્પિત કોરિડોરના વિકાસથી લોજિસ્ટિક્સ ક્ષેત્રની કાર્યક્ષમતામાં વધારો થવાની અને માલસામાનની સપ્લાય ચેઇનને વધુ સરળ તથા સુવ્યવસ્થિત બનાવવામાં મદદ મળવાની અપેક્ષા છે. આ સાથે આ કોરિડોર આર્થિક વિકાસને પણ વેગ આપશે. માલ પરિવહન માટે સમર્પિત માળખાકીય સુવિધા ઉપલબ્ધ કરાવીને આ કોરિડોર માલસામાનની હેરફેર માટે વધુ કાર્યક્ષમ પરિવહન વ્યવસ્થા ઊભી કરવામાં મદદ કરી રહ્યા છે.
(4:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
