<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 27th September 2026

પ્રેમાનંદ મહારાજના શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણનું છત પરથી પટકાતાં મોત: પીએમ રિપોર્ટમાં વધુ પડતા રક્તસ્ત્રાવનો ખુલાસો

પરિવારે 2 વર્ષ સુધી સંપર્ક ન કરવા દેવાના ગંભીર આક્ષેપ કરતા પોલીસે સીસીટીવી આધારે તપાસ તેજ કરી

પ્રેમાનંદ મહારાજના  ગુરુ કૃપા કુંજ આશ્રમમાં સેવા આપતા શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણના મોતને લઈને સનસનાટીપૂર્ણ વિગતો સામે આવી છે. શુક્રવારે સવારે 10:30 વાગ્યે આશ્રમની છત પરથી પટકાયેલા દીપકના આ ચકચારી હત્યા મામલે મથુરા પોલીસે સીસીટીવી ફૂટેજ, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને પરિવારજનોની લેખિત ફરિયાદના આધારે ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે. 

ધાર્મિક નગરી વૃંદાવનના બારાહ ઘાટ માર્ગ પર આવેલા ગુરુ કૃપા કુંજ આશ્રમ પરિસરમાં શુક્રવારે સવારે અચાનક ભારે અફરાતફરી મચી ગઈ હતી. પ્રેમાનંદ મહારાજના સાનિધ્યમાં રહેતા અને સેવા આપતા યુવાન શિષ્ય દીપક લોધી ઉર્ફે રસિક દુલારી શરણ આશ્રમની ઊંચી છત પરથી નીચે પટકાયા હતા. ગંભીર રીતે ઘવાયેલી હાલતમાં તેમને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

 

ઘટનાની જાણ થતાં જ વૃંદાવનના સીઓ સંદીપ કુમાર સિંઘ પોલીસ કાફલા સાથે આશ્રમ પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસ અને સીસીટીવી કેમેરાના વિશ્લેષણ બાદ પોલીસે જણાવ્યું કે પ્રથમ દ્રષ્ટિએ આ મામલો આપઘાતનો જણાય છે. જોકે મૃતકના પરિવારજનોએ આપઘાતના દાવા પર ગંભીર શંકા વ્યક્ત કરીને ન્યાયિક તપાસની માગણી કરી છે.

 

 

પોલીસે મૃતદેહનું પંચનામું કરી સરકારી હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું, જેનો રિપોર્ટ હવે સામે આવ્યો છે. સીઓ સંદીપ કુમારના જણાવ્યા મુજબ, દીપક લોધીનું મૃત્યુ શરીરમાંથી અતિશય માત્રામાં લોહી વહી જવાના કારણે થયું છે.

 

આ દુર્ઘટના બાદ દીપક લોધીના બનેવી સોનુ પટેલે મીડિયા સમક્ષ આશ્રમ વ્યવસ્થાપન સામે અત્યંત સનસનીખેજ આરોપો મૂક્યા છે. તેમણે જણાવ્યું કે દીપક વર્ષ 2024 થી પ્રેમાનંદ મહારાજના આશ્રમ સાથે સંપૂર્ણપણે જોડાઈ ગયો હતો. દીક્ષા લીધા બાદથી જ તેને પરિવારથી સંપૂર્ણ અલિપ્ત કરી દેવાયો હતો.

સોનુ પટેલના જણાવ્યા અનુસાર, દીપક પાસે કોઈ મોબાઈલ ફોન પણ રાખવા દેવામાં આવતો ન હતો. પરિવારે દાવો કર્યો કે જ્યારે પણ તેઓ દીપકને મળવા આશ્રમ પહોંચતા ત્યારે તેમને બહાર 2-2 કલાક સુધી રાહ જોવડાવવામાં આવતી અને કોઈપણ સંજોગોમાં દીપક સાથે મુલાકાત કરાવવામાં આવતી નહોતી. પરિવાર સાથેનો સંવાદ સાવ તોડી નાખવામાં આવ્યો હોવાથી હવે તેના આકસ્મિક મોત પર પરિવારજનો ષડયંત્રની આશંકા વ્યક્ત કરી રહ્યા છે.

 

મથુરા પોલીસ આ સંવેદનશીલ ઘટનાની તપાસ તમામ ખૂણાઓથી કરી રહી છે. આશ્રમની અંદર દીપક પર કોઈ પ્રકારનું માનસિક દબાણ હતું કે કેમ, છેલ્લા કેટલાક દિવસોમાં તેની દિનચર્યા કેવી હતી અને તેણે કોઈની સાથે વાતચીત કરી હતી કે નહીં તે તમામ કડીઓની તપાસ થઈ રહી છે.

ફોરેન્સિક ટીમે આશ્રમની છત અને ઘટનાસ્થળ પરથી જરૂરી સેમ્પલ એકઠા કર્યા છે. પોલીસ આશ્રમના અન્ય સેવાભાવી શિષ્યો, મેનેજમેન્ટ સ્ટાફ અને સુરક્ષાકર્મીઓના નિવેદનો નોંધી રહી છે. પોલીસે ખાતરી આપી છે કે તપાસમાં જે પણ તથ્યો સામે આવશે તેના આધારે કડક કાનૂની પગલાં લેવામાં આવશે.

(8:37 PM IST)