<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 22nd May 2026

દિલ્‍હી બની ‘ભઠ્ઠી': ૧૪ વર્ષનો રેકોર્ડ તૂટયોઃ મે મહિનામાં લઘુતમ તાપમાન ૩૨ ડિગ્રીને પાર પહોંચ્‍યો

દિલ્‍હીવાસીઓની ઊંઘ હરામ

નવી દિલ્‍હી, તા.૨૨: દિલ્‍હીમાં ગરમીએ હવે તમામ મર્યાદાઓ વટાવી દીધી છે, જ્‍યાં માત્ર દિવસ જ નહીં પણ રાત પણ અગનજ્‍વાળાઓ ઓકી રહી છે. મે મહિનાની આ કાળઝાળ ગરમીએ છેલ્લા ૧૪ વર્ષનો ઈતિહાસ બદલી નાખ્‍યો છે, કારણ કે બુધવાર અને ગુરુવારની મધ્‍યરાત્રિએ લઘુત્તમ તાપમાન ૩૧.૯ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જે સામાન્‍ય કરતા ૫ ડિગ્રીથી પણ વધુ છે. વર્ષ ૨૦૧૨ પછીની આ સૌથી ગરમ રાત સાબિત થઈ છે, જેના કારણે દિલ્‍હીવાસીઓને મધરાતે પણ લૂ નો અનુભવ થઈ રહ્યો છે. સફદરજંગ જેવા વિસ્‍તારોમાં ગરમીનો પારો સતત ઉંચો જઈ રહ્યો છે, જેના કારણે રાજધાની જાણે ગરમ કોલસાની ભઠ્ઠીમાં ફેરવાઈ ગઈ હોય તેવો માહોલ સર્જાયો છે.

રાજધાનીના પલમ, લોધી રોડ અને આયા નગર જેવા વિસ્‍તારોમાં તાપમાન ૪૫ ડિગ્રીની સપાટીને સ્‍પર્શી ગયું છે, જેના કારણે રસ્‍તાઓ બપોરના સમયે સુમસામ ભાસી રહ્યા છે. ઈન્‍ડિયા ગેટ અને કર્તવ્‍ય પથ જેવા પ્રવાસી આકર્ષણો પર પણ સન્નાટો જોવા મળી રહ્યો છે, અને રાજસ્‍થાન કે મુંબઈથી આવતા પ્રવાસીઓ પણ સ્‍વીકારી રહ્યા છે કે દિલ્‍હીની આ સૂકી ગરમી સહન કરવી અશકય છે. હવામાન વિભાગે ઓરેન્‍જ એલર્ટ જારી કરીને ચેતવણી આપી છે કે આગામી એક અઠવાડિયા સુધી પારો ૪૬ ડિગ્રી સુધી જઈ શકે છે, જે જનજીવનને વધુ અસ્‍તવ્‍યસ્‍ત બનાવશે. 

(3:02 PM IST)