હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
દિલ્હી કનેક્શન અને 1.5 કરોડનો સોદો: મહારાષ્ટ્ર TET પરીક્ષાનું પેપર ફૂટ્યું : ત્રણ ઝડપાયા અને માસ્ટરમાઇન્ડની શોધમાં ક્રાઈમ બ્રાન્ચ એલર્ટ
ભિવંડી પોલીસે બાતમીના આધારે સવારે જ છટકું ગોઠવીને બિહાર અને હરિયાણાના ત્રણ સાગરીતોને પ્રશ્નપત્રોના ચાર સેટ સાથે દબોચી લીધા

ભિવંડી: મહારાષ્ટ્ર શિક્ષક પાત્રતા પરીક્ષા (TET 2026) ના આયોજનના બરાબર થોડા કલાકો પહેલા જ ભિવંડી પોલીસે એક મોટા પેપર લીક કૌભાંડનો પર્દાફાશ કરીને સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. ઝોન ૨ ના ડીસીપી પવન બંસોડને મળેલી ચોક્કસ ગુપ્ત બાતમીના આધારે પોલીસે સવારે ૧૧ વાગ્યાની આસપાસ કોનગાંવ વિસ્તારમાં ફિલ્મી ઢબે છટકું ગોઠવીને ત્રણ શંકાસ્પદ આરોપીઓની અટકાયત કરી હતી. પકડાયેલા આરોપીઓ પાસેથી TET પરીક્ષાના પ્રશ્નપત્રોના ચાર સેટ, ક્રેડિટ-ડેબિટ કાર્ડ અને અન્ય દસ્તાવેજો મળી આવ્યા છે. આ પેપર લીકની ગંભીરતાને જોતા ૨૮ જૂને યોજાનારી પરીક્ષાને તાત્કાલિક અસરથી મોકૂફ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પોલીસના સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, પકડાયેલા આરોપીઓની ઓળખ રાજીવ શાહ (૪૫, બિહાર), આકાશ કુમાર (૩૦, બિહાર) અને ધીરજ કુમાર (૨૮, હરિયાણા) તરીકે થઈ છે, જેઓ દિલ્હીથી આ પ્રશ્નપત્રોના સેટ લાવ્યા હતા. આ સમગ્ર કાવતરાનો સોદો આશરે ૧.૫ કરોડ રૂપિયામાં થવાનો હતો અને તેને પરીક્ષાર્થીઓને ઊંચા ભાવે વેચવાની યોજના હતી. જોકે, આ આખી ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ હાલમાં ફરાર છે, જેને પકડવા માટે બે એસીપી અને નવ પોલીસ નિરીક્ષકોની એક વિશેષ તપાસ ટીમ (SIT) બનાવવામાં આવી છે જે વિવિધ રાજ્યોમાં દરોડા પાડી રહી છે.
આ આંતરરાજ્ય કૌભાંડ પર આકરી પ્રતિક્રિયા આપતા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું છે કે મહાયુતિ સરકાર આવી અનિયમિતતાઓને કોઈપણ સંજોગોમાં સહન નહીં કરે. તેમણે સ્પષ્ટ કર્યું કે ભવિષ્યના ઘડવૈયા એવા શિક્ષકોની ભરતીમાં ભ્રષ્ટાચાર કરનારાઓ સામે મહારાષ્ટ્ર કંટ્રોલ ઓફ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એક્ટ હેઠળ ગુનો નોંધીને કડક કાર્યવાહી કરવામાં આવશે. તંત્રએ લાખો મહેનતુ ઉમેદવારોને ખાતરી આપી છે કે ટૂંક સમયમાં જ સંપૂર્ણ પારદર્શિતા અને નિષ્પક્ષતા સાથે આ પરીક્ષા ફરીથી લેવામાં આવશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
