<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 4th June 2026

દિલ્‍હી અગ્નિકાંડઃ લાયસન્‍સ ૬નું અને બનાવી દીધા ૨૫ રૂમ

આગ એટલી ભયાનક હતી કે કેટલાય લોકોએ હોટલના ત્રીજા માળ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્‍યો હતો

નવી દિલ્‍હી,તા.૪: દિલ્‍હીના પોશ વિસ્‍તાર માલવીય નગરની એક હોટલમાં આગ લાગવાથી ભારે અફરાફરી મચી ગઈ છે. આ આગમાં ૨૧ લોકો જીવતા ભૂંજાયા છે, જ્‍યારે આશરે ૩૭ લોકોને બચાવી લેવાયા છે. બીજી તરફ મેક્‍સ હોસ્‍પિટલે દાવો કર્યો છે કે ૧૬ લોકો વેન્‍ટિલેટર પર છે અને ૮ લોકો ત્‍ઘ્‍શ્‍માં દાખલ છે. આગ એટલી ભયાનક હતી કે કેટલાય લોકોએ હોટલના ત્રીજા માળ પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્‍યો હતો.

દિલ્‍હીના માલવીય નગર સ્‍થિત હૌજ રાનીની હોટલ ફલોરિશમાં આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી. આ દુર્ઘટનામાં ૨૧ લોકોના દાઝી જવાથી મોત થયા છે, જ્‍યારે કેટલાય લોકોએ આગની લપેટો વચ્‍ચેથી કૂદીને પોતાનો જીવ બચાવ્‍યો છે. આ દરમિયાન આખો વિસ્‍તાર ધુમાડાથી ભરાઈ ગયો અને આખી હોટલમાં બૂમાબૂમ મચી ગઈ હતી. આટલી ભીષણ આગ આખરે કેવી રીતે લાગી?

દિલ્‍હીના પોશ વિસ્‍તાર માલવીય નગરના હૌજ રાનીમાં બનેલી આ હોટલ-હોટલમાં બુધવારે સવારે અચાનક બૂમાબૂમ મચી ગઈ હતી. જોતજોતામાં હોટલની બિલ્‍ડિંગમાંથી આગની ભીષણ લપેટો નીકળવા લાગી હતી. થોડી જ મિનિટોમાં આગ અને ધુમાડાએ આખી ઇમારતને પોતાની ઝપેટમાં લઈ લીધી હતી. પ્રત્‍યક્ષદર્શીઓએ જણાવ્‍યું કે, આગ એટલી ભીષણ હતી કે ત્રીજા માળ પર હાજર લોકો પણ જીવ બચાવવા માટે બૂમો પાડવા લાગ્‍યા અને ઉપરથી જ નીચે કૂદવા લાગ્‍યા હતા. કેટલાય નાઇજીરિયન નાગરિકોએ છત પરથી કૂદીને પોતાનો જીવ બચાવ્‍યો હતો, જ્‍યારે આશરે ૧૬ લોકો દિલ્‍હી એમ્‍સ (AIIMS) સહિત અન્‍ય હોસ્‍પિટલોમાં જિદગી અને મોતની લડાઈ લડી રહ્યા છે.

ઘટનાસ્‍થળે પહોંચેલી ફાયર બ્રિગેડની ટીમે ઇમારતમાં રેસ્‍ક્‍યુ ઓપરેશન ચલાવ્‍યું હતું. આશરે ૩૭ લોકોને જીવતા બચાવવામાં સફળતા મળી હતી, જો કે ત્‍યાં સુધીમાં આગની ઝપેટમાં આવવાથી ૨૧ લોકોના દાઝી જવાથી મોત થઈ ચૂક્‍યા હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આગ હોટલની અંદર શોર્ટ સર્કિટ થવાને કારણે લાગી હતી અને જોતજોતામાં તો આગે એટલું ભયાનક રૂપ લઈ લીધું કે, અંદર ફસાયેલા લોકો માટે બહાર નીકળવું પણ મુશ્‍કેલ બની ગયું હતું.

માહિતી મુજબ સવારના સમયે હોટલના રૂમોમાં રોકાયેલા લોકો સૂતા હતા. એવી આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી રહી છે કે લોકોને કદાચ ખબર પણ ના પડી અને તેઓ રૂમની અંદર જ જીવતા ભૂંજાય ગયા, જો કે આની તપાસ અત્‍યારે કરવામાં આવી રહી છે અને પુષ્ટિ થવાની બાકી છે.

સૂત્રોનું કહેવું છે કે, આ હોટલમાં મોટાભાગે વિદેશી લોકો રોકાયા હતા અને આસપાસની હોસ્‍પિટલમાં ઈલાજ કરાવવા માટે આવ્‍યા હતા. મૃત્‍યુ પામેલા લોકોમાં પણ વિદેશીઓની સંખ્‍યા વધારે છે. કેટલાય ભારતીયો પણ આ દુર્ઘટનામાં માર્યા ગયા છે અને કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દુર્ઘટનામાં લોકોને બચાવનારા દિલ્‍હી પોલીસના જવાનો પણ ઘાયલ થયા છે.

એમ્‍સ નવી દિલ્‍હી તરફથી જણાવવામાં આવ્‍યું કે, ૧૩ દર્દીઓને એમ્‍સ લાવવામાં આવ્‍યા છે, જેમાંથી ૩ એવા લોકો છે જેઓ છત પરથી કૂદ્યા હતા, જ્‍યારે ૧૦ દિલ્‍હી પોલીસના એ જવાનો છે જેઓ બચાવ કાર્ય દરમિયાન ઘાયલ થઈ ગયા હતા.

સૂત્રોના જણાવ્‍યા અનુસાર, આ હોટલમાં માત્ર ૬ રૂમ બનાવવાની મંજૂરી આપવામાં આવી હતી, પરંતુ અહીં લાયસન્‍સ વગર ૨૫ રૂમ બનાવી દેવામાં આવ્‍યા હતા. એટલું જ નહીં, હોટલના બેઝમેન્‍ટમાં પણ રૂમ બનાવવામાં આવ્‍યા હતા. હવે અહીં સવાલ એ ઉભો થાય છે કે, શું હોટલ માલિકની લાલચે આ ૨૧ નિર્દોષનો જીવ લીધો? જોકે, સમગ્ર હકીકત તપાસ બાદ જ સામે આવશે. 

(9:57 AM IST)