<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 27th November 2026

દિલ્હી હાઈકોર્ટે ટિકટોકની કાઢી ઝાટકણી: ભારતમાં પ્રતિબંધની હકીકત છુપાવી કોપીરાઈટ રાહત માંગતા કંપનીને ફટકાર

લુધિયાણાના વેપારી સામેના કેસમાં વચગાળાનો મનાઈહુકમ આપવાનો ઈનકાર; 2020ના પ્રતિબંધ અને 2023ના ટ્રેડમાર્ક રજિસ્ટ્રીના આદેશની વિગતો દબાવવા બદલ જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવનું કડક વલણ

નવી દિલ્હી, તા. ૨૭: દિલ્હી હાઈકોર્ટે ચીની સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટિકટોક (TikTok)ની આકરી ઝાટકણી કાઢીને લુધિયાણાના એક વેપારી સામેના કોપીરાઈટ અને ટ્રેડમાર્ક વિવાદમાં વચગાળાનો મનાઈહુકમ આપવાનો ઈનકાર કર્યો છે. ૨૬ નવેમ્બરે આપેલા આદેશમાં જસ્ટિસ પુરુષેન્દ્ર કુમાર કૌરવે સ્પષ્ટ કર્યું હતું કે કંપનીએ ૨૦૨૪માં કોર્ટમાં અરજી દાખલ કરતી વખતે ભારતમાં તેના પર લાદવામાં આવેલા પ્રતિબંધની મહત્વપૂર્ણ હકીકત છુપાવી હતી.

કોર્ટે નોંધ્યું હતું કે ટિકટોકે ૨૦૧૭થી દેશમાં પોતાના ટ્રેડમાર્કના સતત અને વર્તમાન ઉપયોગના ભ્રામક દાવા કર્યા હતા, જ્યારે વાસ્તવિકતા એ છે કે આ એપ પર વર્ષોથી પ્રતિબંધ છે. આ ઉપરાંત, કંપનીએ ટ્રેડમાર્ક રજિસ્ટ્રીના ૩૧ ઓક્ટોબર, ૨૦૨૩ના એ આદેશને પણ અરજીમાં દબાવી રાખ્યો હતો, જેમાં ભારતમાં એપ બ્લોક હોવાના કારણોસર ટિકટોકને 'સુપ્રસિદ્ધ ટ્રેડમાર્ક' (well-known trademark) તરીકે માન્યતા આપવાનો સ્પષ્ટ ઈનકાર કરવામાં આવ્યો હતો.

લુધિયાણાના એક વેપારી દ્વારા સિલાઈ મશીનના લેબલ પર 'TIKTOK' શબ્દના ઉપયોગ સામે વાંધો ઉઠાવીને કંપનીએ વચગાળાના મનાઈહુકમની માંગ કરી હતી. જોકે, કોર્ટે તારણ કાઢ્યું હતું કે ટિકટોક 'શુદ્ધ ઈરાદા' (clean hands) સાથે અદાલત સમક્ષ આવી નથી, જેના કારણે તે ન્યાયી રાહત મેળવવા માટે અયોગ્ય ઠરે છે.

આદેશમાં જસ્ટિસ કૌરવે કડક અવલોકન કરતાં જણાવ્યું હતું કે, "જે પક્ષકાર કોઈ ટ્રેડમાર્કને લઈને કોર્ટના અધિકારક્ષેત્રનો આશરો લે છે, તેણે શરૂઆતમાં જ આ તમામ હકીકતો જાહેર કરવી જરૂરી હતી. પ્રતિબંધની વિગતો અને ઓક્ટોબર ૨૦૨૩ના આદેશને છુપાવીને ભારતમાં ટ્રેડમાર્કનો સતત ઉપયોગ થઈ રહ્યો હોવાનું ચિત્ર રજૂ કરવું એ માત્ર 'અજાણતા થયેલું અતિશયોક્તિભર્યું નિવેદન' ગણી શકાય નહીં."

અદાલતે વધુમાં સ્પષ્ટ કર્યું હતું કે કોર્ટ પક્ષકારો દ્વારા રજૂ કરવામાં આવતી વિગતો પર વિશ્વાસ રાખીને ન્યાયિક કાર્યવાહી કરતી હોય છે, તેથી આવી મહત્વની હકીકતો છુપાવવા જેવી બાબતો સામે કડક વલણ અપનાવવું અનિવાર્ય છે.

ઉલ્લેખનીય છે કે ભારત અને ચીનના સૈનિકો વચ્ચે સરહદ પર થયેલી અથડામણો બાદ રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર કેન્દ્ર સરકારે જૂન ૨૦૨૦માં ટિકટોક પર પ્રતિબંધ મૂક્યો હતો. હાલના કેસમાં ટિકટોકને વચગાળાની રાહત નકારવા છતાં, કોર્ટે દીવાની પ્રક્રિયા સંહિતા (CPC)ની કલમ ૧૫૧ હેઠળની અંતર્ગત સત્તાઓનો ઉપયોગ કરીને મુખ્ય કેસની કાર્યવાહી ચાલુ રહે ત્યાં સુધી સામેવાળા પક્ષકાર (સિંહ)ને વિવાદાસ્પદ કોપીરાઈટ રજિસ્ટ્રેશન અને સર્ચ સર્ટિફિકેટનો ઉપયોગ કરવા કે તેના પર આધાર રાખવા સામે રોક લગાવી છે.

(5:00 PM IST)