<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 2nd September 2026

NTA ની ભરતી પરીક્ષામાં ગેરરીતિની શંકા પર દિલ્હી હાઈકોર્ટનો મોટો ચુકાદો: દિલ્હી યુનિવર્સિટીના નિમણૂકો રોકવાના નિર્ણયને રાખ્યો માન્ય

સિંગલ જજનો આદેશ રદ; કોર્ટે સ્પષ્ટ કર્યું કે ભરતી પ્રક્રિયાની પવિત્રતા અને પારદર્શિતા સૌથી ઉપર, શંકાસ્પદ મેરિટના આધારે નિમણૂક આપવી યોગ્ય નથી

નવી દિલ્હી : નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) દ્વારા લેવામાં આવેલી ભરતી પરીક્ષાઓમાં ગેરરીતિ અને અન્યાયી માધ્યમોના ઉપયોગની શંકાઓ વચ્ચે દિલ્હી હાઈકોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચીફ જસ્ટિસ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાય અને જસ્ટિસ તેજસ કારિયાની ડિવિઝન બેન્ચે દિલ્હી યુનિવર્સિટી (DU) ના નિર્ણયને સમર્થન આપતા સ્પષ્ટ કર્યું છે કે જ્યારે કોઈ જાહેર ભરતી પરીક્ષાની પ્રામાણિકતા પર ગંભીર સવાલો ઉભા થાય, ત્યારે તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી યુનિવર્સિટી ઉમેદવારોની નિમણૂક પ્રક્રિયા અટકાવી શકે છે.

 

આ સાથે જ હાઈકોર્ટે સિંગલ જજના એ આદેશને રદ કરી દીધો છે, જેમાં દિલ્હી યુનિવર્સિટીને લેબોરેટરી એટેન્ડન્ટ અને લાઈબ્રેરી એટેન્ડન્ટના પદો માટે પસંદ કરાયેલા ઉમેદવારોને તુરંત નિમણૂક આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો હતો. બેન્ચે અવલોકન કર્યું કે જાહેર સંસ્થાઓમાં ભરતી પ્રક્રિયા મુક્ત, ન્યાયી અને પારદર્શક હોવી જોઈએ જેથી યોગ્યતા આધારિત સિસ્ટમમાં લોકોનો વિશ્વાસ જળવાઈ રહે.

 

ચોક્કસ કેન્દ્રો પર અસાધારણ સ્કોર અને સમાન ઉત્તરોથી ઘેરાઈ શંકા

 

દિલ્હી યુનિવર્સિટીએ પરીક્ષાના પરિણામોમાં અનિયમિતતાની વાસ આવતા જ તપાસ સમિતિઓની રચના કરી હતી. તપાસમાં બહાર આવ્યું હતું કે ચોક્કસ પરીક્ષા કેન્દ્રો પર જ સફળ ઉમેદવારોનો અસામાન્ય જમાવડો હતો. આ ઉપરાંત, નેગેટિવ માર્કિંગ હોવા છતાં ઉમેદવારોએ અસાધારણ રીતે ઉંચા સ્કોર મેળવ્યા હતા તથા સાચા અને ખોટા જવાબોની પેટર્નમાં અદ્ભુત સમાનતા જોવા મળી હતી. આ તમામ બાબતોએ પરીક્ષાની શુદ્ધતા પર મોટો પ્રશ્નાર્થ ચિહ્ન મૂક્યો હતો.

 

હાઈકોર્ટે NTA ની ભૂમિકા અંગે પણ આકરી ટિપ્પણી કરતા કહ્યું કે એજન્સીની જવાબદારી માત્ર પરિણામ જાહેર કરવા પૂરતી સીમિત નથી. જ્યારે ભરતી કરતી સંસ્થા શંકા વ્યક્ત કરે, ત્યારે NTA એ માત્ર સ્ટાન્ડર્ડ પ્રોટોકોલનું બહાનું બતાવવાને બદલે ચકાસણીયોગ્ય સંપૂર્ણ ડેટા આપવો જોઈએ. કોર્ટે અંતમાં ઉમેર્યું કે ઉમેદવારોને માત્ર નિમણૂક પત્ર મોકલવાથી તેમને કોઈ અવિભાજ્ય અધિકાર મળી જતો નથી અને જાહેર હિતમાં ન્યાયી ભરતી સુનિશ્ચિત કરવી એ સર્વોપરી છે.

 

(7:35 PM IST)