તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 15th September 2026
દિલ્હી હાઈકોર્ટનો ઐતિહાસિક અને આસમાની ચુકાદો: ૧૫ વર્ષની બળાત્કાર પીડિતાને ૩૦ અઠવાડિયાના ગર્ભપાતની મંજૂરી!
મરજી વિરુદ્ધ માતા બનવા મજબૂર કરવી એ ગૌરવપૂર્ણ જીવન જીવવાના બંધારણીય અધિકારનું ગંભીર હનન: કોર્ટે સારવારનો તમામ ખર્ચ દિલ્હી સરકારને ભોગવવા આદેશ કર્યો

નવી દિલ્હી : દિલ્હી હાઈકોર્ટે માનવતા અને માનવ અધિકારોને સર્વોપરી રાખતો એક અત્યંત મહત્વપૂર્ણ અને સંવેદનશીલ નિર્ણય સંભળાવ્યો છે. અદાલતે ૧૫ વર્ષની એક અનાથ બળાત્કાર પીડિતાને તેની ૩૦ અઠવાડિયાની ગર્ભાવસ્થા સમાપ્ત (અબોર્શન) કરવાની સ્પષ્ટ મંજૂરી આપી દીધી છે. જસ્ટિસ મધુ જૈને આ મામલે ઐતિહાસિક અવલોકન કરતા જણાવ્યું હતું કે, જો કોઈ સગીર બાળકી બળાત્કાર જેવા ભયાનક ગુનાને કારણે ગર્ભવતી બને છે, તો તેને તેની ઈચ્છા વિરુદ્ધ માતા બનવા માટે મજબૂર કરવી એ બંધારણ દ્વારા આપવામાં આવેલા ગૌરવપૂર્ણ જીવન જીવવાના મૂળભૂત અધિકારનું ભારે ઉલ્લંઘન છે.
મેડિકલ ટર્મિનેશન ઓફ પ્રેગ્નન્સી (MTP) એક્ટની કલમ ૩ હેઠળ સામાન્ય રીતે ૨૦ થી ૨૪ અઠવાડિયા સુધીના ગર્ભપાતની જ કાનૂની જોગવાઈ છે. જોકે, આ કિસ્સામાં ગર્ભાવસ્થા ૩૦ અઠવાડિયા સુધી પહોંચી ગઈ હોવા છતાં, હાઈકોર્ટે બાળકીના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપી હતી. અદાલતે નોંધ્યું હતું કે પીડિતાએ નાની ઉંમરમાં માતા-પિતાની છત્રછાયા ગુમાવી દીધી છે અને ત્યારબાદ બળાત્કારનો આઘાત સહ્યો છે. જે ઉંમરે તેને સુરક્ષિત વાતાવરણ અને ઉછેર મળવો જોઈએ, તે ઉંમરે તેના પર અનિચ્છનીય માતૃત્વ લાદવું એ તેના માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય પર લાંબા ગાળા માટે ગંભીર અસરો છોડી શકે છે.
અરજી ગ્રાહ્ય રાખતા દિલ્હી હાઈકોર્ટે લેડી હાર્ડિંગ મેડિકલ કોલેજ અને એસકે હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટને પીડિતાની તબીબી પ્રક્રિયા વહેલામાં વહેલી તકે પૂર્ણ કરવા નિર્દેશ આપ્યો છે. આ સાથે જ, બળાત્કારના કેસની તપાસ અને ડીએનએ પ્રોફાઇલિંગ માટે ગર્ભના સેમ્પલ સુરક્ષિત રાખવાના આદેશો પણ ડોક્ટરોને આપવામાં આવ્યા છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે આ સારવાર, દવાઓ, હોસ્પિટલ અને ખોરાક સહિતનો તમામ આર્થિક બોજ દિલ્હી સરકાર ભોગવશે. વધુમાં, જો તબીબી પ્રક્રિયા દરમિયાન બાળકી જીવતી જન્મે છે, તો તેને શ્રેષ્ઠ તબીબી સારવાર આપવા અને ત્યારબાદ બાળ કલ્યાણ સમિતિ (CWC) ને નિયમાનુસાર આગળની કાનૂની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે.
(7:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
