<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 29th September 2026

'એનર્જી ડ્રિંક' પર લાલ આંખ કરતી FSSAI ને દિલ્હી હાઈકોર્ટનો તીખો સવાલ: "રેડ બુલ પર કાર્યવાહી કરતા પહેલા કારણ દર્શાવો નોટિસ કેમ ન આપી?"

સુનાવણી વિના જ બાનમાં લેવાયેલી રેડ બુલ કંપનીની અરજી પર હાઈકોર્ટે ફૂડ સેફ્ટી ઓથોરિટીને લગાવી ફટકાર; કહ્યું - "જો નોટિસ આપ્યા વગર આદેશ જારી કર્યો હશે તો તેને રદ જ કરવો પડશે"

નવી દિલ્હી, તા.29: વિશ્વભરમાં જાણીતા કેફીનયુક્ત પીણાં બ્રાન્ડ રેડ બુલ (Red Bull) અને ભારતની સર્વોચ્ચ ખાદ્ય સુરક્ષા સંસ્થા 'ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા' (FSSAI) વચ્ચે શરૂ થયેલો કાનૂની જંગ હવે દિલ્હી હાઈકોર્ટના દરવાજે પહોંચ્યો છે. FSSAI દ્વારા રેડ બુલને તેના કેન્સ પરથી "એનર્જી ડ્રિંક" (Energy Drink) શબ્દનો ઉપયોગ તાત્કાલિક બંધ કરવાના આદેશ આપ્યા બાદ, રેડ બુલે આ નિર્ણયને અદાલતમાં પડકાર્યો છે. આ મામલે સોમવારે સુનાવણી હાથ ધરતા દિલ્હી હાઈકોર્ટે FSSAI ની કાર્યપદ્ધતિ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે.

શો-કોઝ નોટિસ વિના જ કરી દીધી કડક કાર્યવાહી

ન્યાયાધીશ અમિત મહાજનની ખંડપીઠ સમક્ષ રેડ બુલ કંપનીએ દલીલ કરી હતી કે FSSAI એ ૩૦ જૂનના રોજ એકપક્ષીય નિર્ણય લઈને "એનર્જી ડ્રિંક" શબ્દ વાપરવા પર બૅન લગાવી દીધો હતો. કંપનીને પોતાનો પક્ષ રજૂ કરવાની કે સફાઈ આપવાની કોઈ જ તક આપવામાં આવી નહોતી. એટલું જ નહીં, ૧૭ જુલાઈના રોજ એક પરિપત્ર જારી કરીને દેશભરના ખાદ્ય સુરક્ષા અધિકારીઓને રેડ બુલનો સ્ટોક જપ્ત કરવાની છૂટ આપી દેવાઈ હતી, જેના પરિણામે દેશભરમાં અનેક સ્થળોએ રેડ બુલના કન્સાઈનમેન્ટ જપ્ત કરવામાં આવ્યા હતા.

ન્યાયાધીશની કડક ટિપ્પણી: "સુનાવણી વિનાનો આદેશ રદ થશે"

હાઈકોર્ટે FSSAI ના વકીલને આકરી ફટકાર લગાવતા પૂછ્યું હતું કે, શું આટલો મોટો નિર્ણય લેતા પહેલા રેડ બુલને કોઈ શો-કોઝ (કારણ દર્શાવો) નોટિસ આપવામાં આવી હતી કે નહીં? ન્યાયાધીશ અમિત મહાજનની બેન્ચે સ્પષ્ટ શબ્દોમાં ટિપ્પણી કરી હતી કે, "જો કંપનીને કોઈ પૂર્વ નોટિસ આપ્યા વગર જ આ આદેશ જારી કરવામાં આવ્યો હશે, તો અમારે આ આદેશને રદ કરવો જ પડશે." કોર્ટે FSSAI ના વકીલને આ અંગે અધિકારીઓ પાસેથી ઝડપથી નિર્દેશ મેળવીને જવાબ રજૂ કરવા આદેશ આપ્યો છે.

વર્ષો જૂના લાયસન્સ અને NOC પર ઉઠ્યા સવાલ

રેડ બુલે કોર્ટમાં પોતાની દલીલ મજબૂત કરતા જણાવ્યું હતું કે તે વર્ષોથી ભારતમાં FSSAI ના જ લાયસન્સ, આયાત મંજૂરીઓ અને 'નો-ઓબ્જેક્શન સર્ટિફિકેટ' (NOC) હેઠળ પોતાના ઉત્પાદનો વેચી રહી છે. અચાનક જ FSSAI એ પોતાના જૂના તમામ નિયમો અને મંજૂરીઓને બાજુ પર મૂકીને આ પ્રકારનો તઘલખી આદેશ જારી કરી દીધો છે, જે કુદરતી ન્યાયના સિદ્ધાંતોનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. દિલ્હી હાઈકોર્ટે આ કેસની આગળની સુનાવણી ૨૯ સપ્ટેમ્બરે રાખીને FSSAI પાસે સ્પષ્ટતા માંગી છે.

(5:52 PM IST)