<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 7th September 2026

દિલ્હી હાઈકોર્ટનું આકરું વલણ: સત્યા નિકેતન મકાન ધરાશાયી થવાની ઘટનાને 'અત્યંત દુર્ભાગ્યપૂર્ણ' ગણાવી; MCD અને દિલ્હી યુનિવર્સિટી પાસેથી ૧૦ દિવસમાં જવાબ માગ્યો

બેદરકારી દાખવનાર તંત્ર સામે હાઈકોર્ટ લાલઘૂમ; ભવિષ્યમાં આવી જીવલેણ દુર્ઘટનાઓ રોકવા અને જવાબદારી નક્કી કરવા માટે એક્શન પ્લાન રજૂ કરવા નિર્દેશ

નવી દિલ્હી : દિલ્હીના સત્યા નિકેતન વિસ્તારમાં બનેલી મકાન ધરાશાયી થવાની ગંભીર દુર્ઘટના અંગે દિલ્હી હાઈકોર્ટે અત્યંત કડક વલણ અપનાવ્યું છે. અદાલતે આ સમગ્ર બનાવને "અત્યંત દુર્ભાગ્યપૂર્ણ" ગણાવીને દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) અને દિલ્હી યુનિવર્સિટી (DU) ની ભૂમિકા પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોર્ટે બંને સત્તાધિશોને નોટિસ ફટકારીને આ મામલે ૧૦ દિવસની અંદર વિસ્તૃત જવાબ અને એક્શન ટેકન રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપ્યો છે.

 

ચીફ જસ્ટિસની ખંડપીઠ સમક્ષ થયેલી સુનાવણી દરમિયાન અદાલતે સખત નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે રહેણાંક અને વિદ્યાર્થી વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ અને જર્જરિત ઇમારતો અંગે તંત્રની બેદરકારીને કારણે લોકો પોતાના જીવ ગુમાવી રહ્યા છે. સત્યા નિકેતન એવો વિસ્તાર છે જ્યાં મોટી સંખ્યામાં દિલ્હી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પેઇંગ ગેસ્ટ (PG) અને ભાડાના મકાનોમાં રહે છે, જેથી ત્યાં સુરક્ષાના ધોરણોનું પાલન થવું અત્યંત જરૂરી છે.

 

કોર્ટે સ્પષ્ટ શબ્દોમાં નિર્દેશ આપ્યો છે કે ૧૦ દિવસમાં રજૂ થનારા જવાબમાં MCD એ એ સ્પષ્ટ કરવું પડશે કે આ વિસ્તારમાં અનધિકૃત બાંધકામો સામે અત્યાર સુધી શું કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત દિલ્હી યુનિવર્સિટીએ પણ વિદ્યાર્થીઓની સુરક્ષા અંગે પોતાની જવાબદારી સુનિશ્ચિત કરવી પડશે. હાઈકોર્ટના આ આકરા વલણ બાદ હવે જવાબદાર અધિકારીઓ અને સંબંધિત તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે.

 

રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામ કરનારા અને તેની સામે આંખ આડા કાન કરનારા અધિકારીઓ સામે ફોજદારી ગુનો નોંધાવો જોઈએ.

 

(5:25 PM IST)