તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
દિલ્હી હાઈડ્રામાઃ રાહુલ, પ્રિયંકા અને અન્ય વિપક્ષી નેતાઓ સામે ફરિયાદ નોંધાઈ
દિલ્હી પોલીસે આકાશવાણી ભવનમાં વગર મંજૂરીએ પ્રવેશ અને વિરોધ પ્રદર્શન કરવા બદલ કરી કાર્યવાહીઃ ચૂંટણી પંચ સામે યોજાયો હતો વિરોધ માર્ચ

નવી દિલ્હી, તા.૭: ચૂંટણી પંચ અને મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધ વિરોધ પ્રદર્શન દરમિયાન આકાશવાણી ભવનમાં વગર પરવાનગીથી પ્રવેશ કરવા અને ધરણા પર બેસવા બદલ દિલ્હી પોલીસે કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, વાયનાડના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રા તેમજ INDIA ગઠબંધનના અનેક અન્ય નેતાઓ સામે એફઆઈઆર દર્જ કરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર, INDIA ગઠબંધનના નેતાઓ અને સાંસદોએ સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ તરફ માર્ચ કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, દિલ્હી પોલીસના જણાવ્યા મુજબ, આ માર્ચ માટે કોઈ પૂર્વ પરવાનગી લેવામાં આવી ન હતી, જેથી પોલીસે આકાશવાણી ભવન નજીક બેરિકેડ્સ મૂકીને વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓને રોકયા હતા.
પોલીસ કાર્યવાહી દરમિયાન રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી પોતાના સુરક્ષાકર્મીઓ સાથે આકાશવાણી ભવનના સંકુલમાં પ્રવેશ કરી ગયા હતા. તેમની સાથે કે.સી. વેણુગોપાલ, પવન ખેડા, દીપેન્દર સિંહ હૂડા સહિતના અન્ય સાંસદો પણ અંદર પહોંચી ગયા હતા. નેતાઓ અને કાર્યકરો આકાશવાણી ભવનના પરિસરમાં ઝાડ નીચે મેટ પાથરીને બેસી ગયા હતા અને લગભગ ૮ કલાક સુધી ધરણાં ચાલુ રાખ્યા હતા.
ધરણાં દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, અમે લોકશાહીના રક્ષણ માટે લડી રહ્યા છીએ. વિપક્ષી સાંસદોનું ડેલિગેશન મુખ્ય ચૂંટણી કમિશનરને મળીને ચૂંટણી પ્રક્રિયા અંગેના પ્રશ્નો પૂછવા માંગે છે. જ્યાં સુધી તેઓ અમને મળવાનો સમય નહીં આપે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં. બીજી તરફ, ચૂંટણી પંચે સ્પષ્ટતા કરી હતી કે વિપક્ષ તરફથી મુલાકાત માટેની કોઈ સત્તાવાર વિનંતી મળી નથી.
લાંબી વિનંતીઓ અને વાટાઘાટો છતાં પરિસર ખાલી ન કરવામાં આવતાં પોલીસે મોડી સાંજે રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી સહિત આશરે ૨૫૦ જેટલા પ્રદર્શનકારીઓને તાબામાં લીધા હતા. સરકારી મિલકતમાં અનાધિકળત પ્રવેશ, દબાણ કરવા અને સરકારી કામકાજમાં અડચણ ઊભી કરવાના વિષય પર દિલ્હી પોલીસના ન્યૂ દિલ્હી જિલ્લા ક્ષેત્રમાં વિવિધ કલમો હેઠળ એફઆઈઆર દર્જ કરવામાં આવી છે.
(2:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
