<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 10th May 2026

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માત :ચાલુ કારનું ટાયર ફાટતા કાર બ્રિજ પરથી નદીમાં ખાબકી:3 ને ઈજા: નાની બાળકી બચાવ

કાલોલના બલેટિયા પાસે કુવેચ નદીમાં કાર પડી : ઓલપાડનો પટેલ પરિવાર ઉજ્જૈન જતી વખતે દુર્ઘટનાનો શિકાર બન્યો

પંચમહાલ જિલ્લામાં દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતનો સિલસિલો યથાવત રહ્યો છે. કાલોલ તાલુકાના બલેટિયા ગામ પાસેથી પસાર થતા આ હાઈવે પર એક કાર પુલ પરથી સીધી કુવેચ નદીમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં કારમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો છે. સુરતના ઓલપાડથી ઉજ્જૈન જઈ રહેલા પટેલ પરિવારને આ દુર્ઘટના નડી હતી. કારનું ટાયર ફાટવાને કારણે ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવતા કાર નદીમાં પડી હોવાની પ્રાથમિક વિગતો પ્રાપ્ત થઈ છે.

કારમાં કુલ 4 લોકો સવાર હતા, જેમાંથી 3 સભ્યોને સામાન્ય ઈજાઓ પહોંચી છે. અકસ્માતની તીવ્રતા જોતા મોટી જાનહાનિની આશંકા હતી, પરંતુ સદનસીબે જાનમાલનું નુકસાન ટળ્યું છે. ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે કાલોલથી વડોદરા ખાતે રિફર કરવામાં આવ્યા છે. આ ઘટનામાં સૌથી વધુ આશ્ચર્યજનક બાબત એક નાની બાળકીનો બચાવ છે. આ માસૂમ બાળકીને અકસ્માતમાં સ્હેજ પણ ઈજા પહોંચી નથી, જે એક ચમત્કાર સમાન માનવામાં આવે છે.

 

દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ કોરિડોર પર છેલ્લા કેટલાક સમયથી અકસ્માતનું પ્રમાણ ચિંતાજનક રીતે વધ્યું છે. સ્થાનિક સૂત્રોના જણાવ્યા અનુસાર, આ ચોક્કસ વિસ્તારમાં છેલ્લા 25 દિવસમાં જ આ 4 અકસ્માત સર્જાયો છે. હાઈવે પર વાહનોની અનિયંત્રિત ગતિ અથવા ટેકનિકલ ખામી આવા અકસ્માતો માટે જવાબદાર હોવાનું જણાય છે. તંત્ર દ્વારા આ માર્ગ પર સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવવામાં આવે તેવી માંગ ઉઠી છે.

(6:18 PM IST)