તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
દિલ્હી-NCRમાં અષાઢી માહોલ: ધોધમાર વરસાદથી કાળઝાળ ગરમી અને અસહ્ય ઉકળાટમાંથી મળી મોટી રાહત, વાતાવરણમાં પ્રસરી ઠંડક
નોઈડા, ગુરુગ્રામ અને ગાઝિયાબાદમાં ગાજવીજ સાથે તૂટી પડ્યું પાણી; હાઈવે પર ટ્રાફિક જામ અને વૃક્ષો ધરાશાયી થતાં મુશ્કેલી વધી

નવી દિલ્હી, તા.૦૭: રાષ્ટ્રીય પાટનગર દિલ્હી અને તેની આસપાસના NCR (નોઈડા, ગાઝિયાબાદ, ગુરુગ્રામ અને ફરીદાબાદ) વિસ્તારમાં આજે મંગળવારે અચાનક હવામાનનો મિજાજ બદલાયો છે. છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય ઉકળાટ અને બફારાથી તોબા પોકારી ગયેલા દિલ્હીવાસીઓ પર મેઘરાજા મહેરબાન થયા છે. આકાશમાં કાળાડિબાંગ વાદળોના ગડગડાટ સાથે શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે તાપમાનનો પારો ગગડ્યો છે અને સમગ્ર પંથકમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે.
રોડ-રસ્તા પાણી-પાણી: NH-9 પર વાહનોની લાંબી કતારો
એક તરફ આ વરસાદ આકરી ગરમીમાંથી રાહત લઈને આવ્યો છે, તો બીજી તરફ તે દિલ્હીવાસીઓ માટે ટ્રાફિકની આફત પણ લાવ્યો છે. માત્ર થોડા જ સમયના મુશળધાર વરસાદને કારણે અનેક મુખ્ય માર્ગો પર ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા છે, જેના લીધે વાહનોની ગતિ થંભી ગઈ છે. નેશનલ હાઈવે-૯ (NH-9) પર ખીચડીપુર પાસે કિલોમીટરો લાંબો ટ્રાફિક જામ સર્જાયો છે. આ ઉપરાંત, ભારે પવન અને વરસાદના કારણે દિલ્હીના રાજા ધીરસેન માર્ગ પર એક વિશાળ સફેદાનું વૃક્ષ ધરાશાયી થતાં તેની નીચે બે વાહનો દબાઈ ગયા હોવાના અહેવાલ છે.
ગુરુગ્રામમાં મેઘરાજાની તોફાની બેટિંગ: જળબંબોળની સ્થિતિ
સાયબર સિટી ગુરુગ્રામમાં પણ છેલ્લા ૪૦ મિનિટથી અવિરત પડી રહેલા ભારે વરસાદે જનજીવન પ્રભાવિત કર્યું છે. ગરમીથી રાહત મળતાં લોકોના ચહેરા પર ખુશી તો જોવા મળી રહી છે, પરંતુ શહેરના નીચાણવાળા વિસ્તારો અને મુખ્ય રસ્તાઓ પર પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે. હવામાન નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, જો આગામી બે થી ત્રણ કલાક સુધી વરસાદ આ જ ગતિથી ચાલુ રહેશે, તો ગુરુગ્રામના મોટાભાગના રસ્તાઓ જળમગ્ન થઈ શકે છે અને વાહનચાલકોની મુશ્કેલીઓ બેવડાઈ શકે છે.
આગામી બે દિવસ હજુ પણ રહેશે વરસાદી માહોલ
હવામાન વિભાગ (IMD) ની આગાહી મુજબ, દિલ્હી-NCRમાં આગામી બે દિવસ સુધી વાવાઝોડા અને ગાજવીજ સાથે વરસાદી માહોલ યથાવત રહેશે. સોમવારે સવારથી બપોર સુધી આકરા તડકાએ લોકોને પરેશાન કર્યા હતા, પરંતુ મંગળવારની આ ધમાકેદાર એન્ટ્રી બાદ આગામી બે-ત્રણ દિવસ સુધી તાપમાનમાં મોટો ઘટાડો નોંધાશે અને લોકોને ઉમસ ભરેલી ગરમીમાંથી કાયમી રાહત મળશે.
(4:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
