<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 15th October 2026

કોનોટ પ્લેસમાં 'તિરંગા માર્ચ' અગાઉ દિલ્હી પોલીસની સખ્તી: બિનઅધિકૃત એકત્રીકરણ સામે ચેતવણી, સેન્ટ્રલ પાર્ક બે દિવસ માટે બંધ!

શોભાયાત્રા કે વિરોધ પ્રદર્શનના આહ્વાન વચ્ચે દિલ્હી પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોનોટ પ્લેસ વિસ્તારમાં પ્રતિબંધો કડક બનાવ્યા છે અને નાગરિકોને અપીલ કરી છે.

નવી દિલ્હી : દિલ્હીના હ્રદયસમા કોનોટ પ્લેસ ખાતે 'કોકરોચ જનતા પાર્ટી' (CJP) દ્વારા આયોજિત 'લેહરા દો તિરંગા' વિરોધ પ્રદર્શન પૂર્વે રાજધાનીનું વાતાવરણ ગરમાયું છે. આ પ્રસ્તાવિત એકત્રીકરણને રોકવા અને સુરક્ષા વ્યવસ્થા જાળવી રાખવા માટે દિલ્હી પોલીસે જનતાને બિનઅધિકૃત રીતે એકત્ર ન થવા માટે કડક ચેતવણી જારી કરી છે. દિલ્હી પોલીસના પીઆરઓ અને ડીસીપી નેહા યાદવે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે કોનોટ પ્લેસ અને તેની આસપાસના વિસ્તારોમાં 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS) ની કલમ ૧૬૩ હેઠળ પ્રતિબંધાત્મક આદેશો પહેલેથી જ લાગુ કરવામાં આવ્યા છે.

 

આ પ્રદર્શનના સમર્થનમાં 'આપ' (AAP) દ્વારા પણ પોતાના કાર્યકરો અને સમર્થકોને ભાગ લેવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે. આ સ્થિતિને ધ્યાનમાં રાખીને નવી દિલ્હી મ્યુનિસિપલ કાઉન્સિલ (NDMC) દ્વારા દિલ્હી પોલીસને સત્તાવાર પત્ર લખીને જણાવવામાં આવ્યું છે કે વહીવટી અને સુરક્ષાના કારણોસર આગામી ૧૬ અને ૧૭ ઓક્ટોબરના રોજ કોનોટ પ્લેસ સ્થિત સેન્ટ્રલ પાર્ક સામાન્ય જનતા માટે બંધ રહેશે. સ્થાનિક વેપારી સંગઠનોએ પણ તહેવારોની મોસમમાં વેપાર-ધંધાને નુકસાન ન થાય તે માટે ચિંતા વ્યક્ત કરી છે અને પોલીસનો સંપર્ક સાધ્યો છે.

 

દિલ્હી હાઈકોર્ટે આ માર્ચ પર રોક લગાવવાનો ઇનકાર કર્યો હોવા છતાં, પોલીસે સ્પષ્ટ કર્યું છે કે હાઈકોર્ટના આદેશથી પ્રતિબંધાત્મક નિયમોનું પાલન કરવાની આવશ્યકતા સમાપ્ત થતી નથી. જો કે, પોલીસે એમ પણ સંકેત આપ્યો છે કે અમુક ચોક્કસ જૂથને નિર્ધારિત નિયમો અને મર્યાદાઓ સાથે યોગ્ય સ્થળે રાષ્ટ્રધ્વજ લહેરાવવા અને રાષ્ટ્રગીત ગાવાની મંજૂરી આપવા અંગે વિચારણા થઈ શકે છે. પોલીસે જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા અને કાયદો જાળવવા માટે નાગરિકોને સહકાર આપવા અપીલ કરી છે.

 

(9:07 PM IST)