<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 26th June 2026

દિલ્હી-સોનીપત સેક્શન પર પ્રથમ વખત હાઇડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ: ઇમરજન્સી બ્રેકિંગ અને ઓસિલેશન ટેસ્ટમાં પણ પાસ

દિલ્હી-સોનીપત રૂટ પર થયેલું આ સફળ ટ્રાયલ હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટ માટે મોટી સિદ્ધિ :રેલવે અધિકારીઓએ આ પરીક્ષણને ભારતના ગ્રીન ટ્રાન્સપોર્ટ મિશન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું

ભારતીય રેલવે સ્વચ્છ અને એન્વાયર્ન્મેન્ટ ફ્રેન્ડલી  પરિવહન વ્યવસ્થા તરફ વધુ એક મોટું પગલું ભર્યું છે. શુક્રવારે દિલ્હી-જીંદ રેલવે રૂટના દિલ્હી-સોનીપત સેક્શન પર પ્રથમ વખત હાઇડ્રોજન ટ્રેનનું સફળ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. અત્યાર સુધી આ ટ્રેનનું પરીક્ષણ માત્ર સોનીપત-જીંદ રૂટ સુધી મર્યાદિત હતું પરંતુ હવે તેને દિલ્હી સાથે જોડાયેલા વ્યસ્ત રૂટ પર પણ સફળતાપૂર્વક દોડાવવામાં આવી છે. આ ટ્રાયલનો હેતુ હાઇડ્રોજન ટેકનોલોજીની કામગીરી, સલામતી અને વાણિજ્યિક ઉપયોગ માટેની ક્ષમતાનું મૂલ્યાંકન કરવાનો હતો. રેલવે અધિકારીઓએ આ પરીક્ષણને ભારતના ગ્રીન ટ્રાન્સપોર્ટ મિશન માટે એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન ગણાવ્યું છે.

આ ટ્રાયલ દરમિયાન સૌથી મહત્વપૂર્ણ પરીક્ષણ ટ્રેનની ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમનું કરવામાં આવ્યું હતું. વિવિધ ગતિએ ટ્રેનને દોડાવી અચાનક બ્રેક લગાવી તેની રોકાવાની ક્ષમતા અને સલામતીનું મૂલ્યાંકન કરવામાં આવ્યું. સાથે જ ટ્રેનની ઓસિલેશન (કંપન) અને સ્થિરતા પણ ચકાસવામાં આવી હતી. એન્જિનિયરોએ સસ્પેન્શન સિસ્ટમ, ટ્રેનના બોડી બેલેન્સ અને ટ્રેક સાથેના સંકલનનું વિશ્લેષણ કર્યું, જેથી મુસાફરોને આરામદાયક અને સુરક્ષિત મુસાફરી મળી શકે. ટ્રાયલ દરમિયાન બ્રેકિંગ સિસ્ટમ, ટ્રેક ડાયનેમિક્સ, ઓપરેશનલ કાર્યક્ષમતા અને અન્ય ટેકનિકલ પાસાઓનો મહત્વપૂર્ણ ડેટા પણ એકત્રિત કરવામાં આવ્યો છે, જેનું વિશ્લેષણ કરીને આગામી નિર્ણયો લેવામાં આવશે.

હાઇડ્રોજન ટ્રેનને ભવિષ્યના  એન્વાયર્ન્મેન્ટ ફ્રેન્ડલીપરિવહન વ્યવસ્થા તરીકે જોવામાં આવે છે. આ ટ્રેનો ડીઝલના બદલે હાઇડ્રોજન ફ્યુઅલ સેલ ટેકનોલોજી પર ચાલે છે. જેના કારણે કાર્બન ઉત્સર્જન લગભગ શૂન્ય રહે છે અને માત્ર પાણીની વરાળ બહાર આવે છે. ભારતીય રેલવે આગામી વર્ષોમાં તબક્કાવાર રીતે આવી ગ્રીન ટેકનોલોજીનો વિસ્તાર કરવાની યોજના પર કામ કરી રહી છે. દિલ્હી-સોનીપત રૂટ પર થયેલું આ સફળ ટ્રાયલ હાઇડ્રોજન ટ્રેન પ્રોજેક્ટ માટે મોટી સિદ્ધિ માનવામાં આવી રહ્યું છે. ટ્રાયલમાંથી મળેલા ટેકનિકલ પરિણામોના આધારે ભવિષ્યમાં આ ટ્રેનોના નિયમિત સંચાલન અંગે નિર્ણય લેવામાં આવશે.

(10:36 PM IST)