તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 24th July 2026
દિલ્હી યુનિવર્સિટી દ્વારા જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓને કાનૂની કાર્યવાહીની ધમકી આપતી એડવાઇઝરી જારી કરાતાં ભારે હોબાળો: વિપક્ષી નેતા રાહુલ ગાંધીએ સવાલ ઉઠાવ્યો - 'તમે વિદ્યાર્થીઓના લોકશાહી અધિકાર છીનવીને ધમકાવવાની હિંમત કઈ રીતે કરી શકો?'
નીટ પેપર લીક અને શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે દેશભરના વિદ્યાર્થીઓનું આંદોલન વધુ તેજ બન્યું; કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ડીયુ પ્રશાસનને ભવિષ્યમાં જવાબદાર ઠેરવવાની આપી ચેતવણી, પૂર્વ વિદ્યાર્થીઓ અને શિક્ષણવિદોમાં વહીવટીતંત્ર સામે ઉગ્ર આક્રોશ

નવી દિલ્હી: દેશભરમાં મેડિકલ પ્રવેશ પરીક્ષા 'નીટ' (NEET) પેપર લીક મામલે ચાલી રહેલા ભારે વિરોધ પ્રદર્શનો વચ્ચે દેશની પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થા દિલ્હી યુનિવર્સિટી (DU) દ્વારા લેવાયેલા એક કડક વલણે રાજકીય અને શૈક્ષણિક આલમમાં મોટો વિવાદ છેડ્યો છે. દિલ્હી યુનિવર્સિટી પ્રશાસન દ્વારા સોશિયલ મીડિયા પર એક સત્તાવાર એડવાઇઝરી જારી કરીને પોતાના વિદ્યાર્થીઓ અને ફેકલ્ટી સભ્યોને નવી દિલ્હીના ઐતિહાસિક જંતર-મંતર ખાતે ચાલી રહેલા વિદ્યાર્થી દેખાવોથી તદ્દન દૂર રહેવાની કડક સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટીએ ચેતવણી આપી છે કે જંતર-મંતર ખાતે ગેરકાનૂની રીતે એકઠા થવું કે પ્રદર્શનો કરવા એ દેશની સર્વોચ્ચ અદાલત (સુપ્રિમ કોર્ટ)ના નિર્દેશોનું ઉલ્લંઘન ગણાશે અને આવી પ્રવૃત્તિઓમાં સામેલ થનારાઓ સામે કડક કાનૂની પગલાં લેવામાં આવી શકે છે.
યુનિવર્સિટી પ્રશાસન દ્વારા વિદ્યાર્થીઓના લોકશાહી અધિકારો પર તરાપ મારતા આ આદેશ બાદ વિદ્યાર્થી સંગઠનો ઉપરાંત દેશના ટોચના રાજકીય નેતાઓએ વહીવટીતંત્ર સામે મોરચો ખોલ્યો છે. લોકસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર દિલ્હી યુનિવર્સિટીની આ નોટિસને રિ-ટ્વીટ કરીને આકરા પ્રહારો કર્યા છે. રાહુલ ગાંધીએ સત્તાવાળાઓને સીધો સવાલ પૂછતા લખ્યું હતું કે, "વિદ્યાર્થીઓને તેમના લોકશાહી અધિકારોનો ઉપયોગ કરવા બદલ ધમકાવવાની તમારી હિંમત કઈ રીતે થઈ? એ વાત નોંધી રાખજો કે જ્યારે સમય આવશે ત્યારે આ જોહુકમી માટે તમને જ જવાબદાર ઠેરવવામાં આવશે."
આ આંદોલન મુખ્યત્વે 'સીજેપી' (કોકરોચ જનતા પાર્ટી) અને અન્ય વિવિધ પ્રગતિશીલ વિદ્યાર્થી સંગઠનો દ્વારા ચલાવવામાં આવી રહ્યું છે. વિદ્યાર્થીઓ નીટ પરીક્ષામાં થયેલી મોટા પાયે ગેરરીતિઓ અને પેપર લીક કૌભાંડ સામે કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ સાથે જંતર-મંતર ખાતે સતત ધરણાં પર બેઠા છે.
દિલ્હી યુનિવર્સિટીની આ કથિત ધમકીભરી એડવાઇઝરી સામે માત્ર રાજકીય નેતાઓ જ નહીં પરંતુ દેશના કાનૂની નિષ્ણાતો અને પૂર્વ વિદ્યાર્થીઓએ પણ વહીવટીતંત્રને આડે હાથ લીધું છે. સુપ્રિમ કોર્ટના વરિષ્ઠ વકીલ સંજય હેગડેએ પણ આ અંગે તીખી ટિપ્પણી કરતા સવાલ કર્યો હતો કે શું યુનિવર્સિટી તેના વિદ્યાર્થીઓને દેશના રાજકીય વાતાવરણને સમજવાની અને લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાની તક નકારી દેવા માંગે છે?
બીજી તરફ, ડીયુના પૂર્વ વિદ્યાર્થી સભ્યોએ પણ આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું છે કે આવી સરમુખત્યારશાહી ધમકીઓ આપવાથી દેશના વિદ્યાર્થીઓ ડરવાના નથી, પરંતુ આ પ્રકારના પક્ષપાતી આદેશો બાદ વધુ ને વધુ વિદ્યાર્થીઓ આ ન્યાયની લડતમાં જોડાશે. શિક્ષણવિદો દ્વારા સવાલ ઉઠાવવામાં આવી રહ્યો છે કે સરકારી ભંડોળથી ચાલતી એક પબ્લિક યુનિવર્સિટી પોતાના જ વિદ્યાર્થીઓ પર જાસૂસી કે સર્વેલન્સ રાખવાની નીતિને કઈ રીતે યોગ્ય ઠેરવી શકે? ઉલ્લેખનીય છે કે નીટ કૌભાંડ મુદ્દે સંસદના ચોમાસુ સત્રમાં પણ વિપક્ષી સાંસદો દ્વારા કેન્દ્ર સરકાર સામે ભારે હોબાળો મચાવવામાં આવી રહ્યો છે, તેવામાં દિલ્હી યુનિવર્સિટીના આ આદેશના કારણે વિદ્યાર્થી આંદોલનની આગ વધુ ભડકે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે.
(12:58 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
