News of Friday, 1st May 2026
દિલ્હી VS મુંબઈ: કેનેડિયન વ્લોગર્સે દિલ્હીને આપ્યું ‘ઝીરો’ રેટિંગ : મુંબઈના પ્રેમમાં કેમ પડ્યા સ્ટીવ-ઈવાના?
વિદેશી યુગલનો ચોંકાવનારો ખુલાસો: મુંબઈની ભીડમાં મળી આઝાદી પણ દિલ્હીમાં ‘ચુંબક’ જેવો થયો અનુભવ : રસ્તા પર લોકોના સતત તાકી રહેવાના વ્યવહારથી કંટાળીને ભારતની રાજધાનીને ગણાવી અપ્રિય

મુંબઈ: કેનેડાના પ્રખ્યાત ટ્રાવેલ વ્લોગિંગ કપલ સ્ટીવ અને ઇવાનાની ભારત યાત્રા અત્યારે સોશિયલ મીડિયા પર જોરદાર ચર્ચાનો વિષય બની છે. તેમણે ભારતની આર્થિક રાજધાની મુંબઈ અને દેશની રાજધાની દિલ્હીની સરખામણી કરતા જે રેટિંગ્સ આપ્યા છે, તેણે પ્રવાસન જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. સ્ટીવે મુંબઈને 100 માંથી 100 રેટિંગ આપીને તેને પ્રવાસીઓ માટે શ્રેષ્ઠ શહેર ગણાવ્યું, જ્યારે દિલ્હીને '0' રેટિંગ આપીને પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ રેટિંગ પાછળનું મુખ્ય કારણ કોઈ સુવિધા કે ભોજન નહીં, પરંતુ ત્યાંના લોકોનો વિદેશી પ્રવાસીઓ પ્રત્યેનો વ્યવહાર હતો.
સ્ટીવના જણાવ્યા અનુસાર, મુંબઈ એક એવું શહેર છે જ્યાં તમે હજારોની ભીડમાં પણ પોતાની મરજી મુજબ હરી-ફરી શકો છો અને કોઈ તમને હેરાન કરતું નથી. મુંબઈની જૂની શેરીઓ, બ્રિટિશ અને પોર્ટુગીઝ સમયની સ્થાપત્યકલા અને ત્યાંની અદભૂત ઉર્જા તેમને ખૂબ ગમી હતી. સૌથી મહત્વની વાત એ હતી કે મુંબઈમાં તેઓ 'અદ્રશ્ય' અનુભવતા હતા; એટલે કે લોકો તેમના કામમાં મસ્ત હતા અને કોઈ પ્રવાસીને તાકી રહેતું નહોતું. ઇવાનાએ પણ મુંબઈને સલામત અને મુક્ત અનુભવ આપનારું શહેર ગણાવ્યું હતું, જ્યાં તેઓ કોઈ પણ રોકટોક વગર કેમેરા સાથે રસ્તાઓ ખૂંદી શક્યા હતા.
બીજી તરફ, દિલ્હીનો અનુભવ સ્ટીવ માટે કોઈ ખરાબ સ્વપ્ન જેવો રહ્યો. તેણે વ્યંગમાં કહ્યું કે, "દિલ્હીમાં હું ચુંબક બની ગયો હતો." ત્યાં જતી વખતે રસ્તામાં લોકો સતત તેમની સામે તાકી રહેતા હતા અને ટોળે વળીને ઊભા રહી જતા હતા, જેના કારણે તેમની અંગતતા (Privacy) જોખમાતી હતી. મુંબઈમાં જ્યાં તેમને આઝાદી મળી, ત્યાં દિલ્હીમાં તેમને દરેક ડગલે લોકોના અજીબ વ્યવહારનો સામનો કરવો પડ્યો. આ જ કારણ છે કે આ કેનેડિયન કપલે દિલ્હીને રહેવા કે ફરવા લાયક ન ગણતા તેને શૂન્ય રેટિંગ આપ્યું છે. સોશિયલ મીડિયા પર આ મુદ્દે અત્યારે મુંબઈકરો અને દિલ્હીના લોકો વચ્ચે મોટી ચર્ચા છેડાઈ ગઈ છે.
(6:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
